દોઢસો ફૂટ રિંગ રોડ, શ્રીનાથજી વૈકુંઠધામ સોસાયટી-3માં છેલ્લા નવ મહિનાથી પિયરમાં રહેતી વિશાખા નામની પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ કંદર્પ, સસરા અનિલભાઇ બાલકૃષ્ણભાઇ ગજ્જર અને સાસુ નયનાબેન સામે અનહદ ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમ.એસસી. આઇટી સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં તેના લગ્ન 2018માં કંદર્પ સાથે થયા છે. લગ્નના આઠ મહિના બાદ પતિ સાથે અલગ રહેવા જતા રહ્યાં હતાં. તેમ છતા પતિ, સાસુ-સસરા કરિયાવર બાબતે અને ઘરકામ મુદ્દે મેણાં મારતા અને કહેતા કે કંદર્પના બીજે લગ્ન કરાવ્યા હોત તો તારા કરતા સારી છોકરી મળી હોત.
એટલું જ નહિ પોતાને માતા-પિતા સાથે સંબંધ નહિ રાખવા પણ દબાણ કરતા હતા. પતિ કંદર્પ બાળક કરવાની ના પાડી સંતાન દત્તક લેવાની વાત કરી પોતાને ડરાવતા રહેતા હતા. દરમિયાન પતિની બેગમાંથી મળી આવેલી કોઇ છોકરીની કોલ્ડ ક્રીમ અંગે પૂછતા પતિ પોતાને માર મારતા અને કહેતા કે હું મરી જઇશ પછી તમને બધાને સલવાળી દેવાની અને પોતે રાજકોટમાં અનેક માથાભારે શખ્સોને ઓળખતા હોવાની ધમકી આપતા હતા. પતિ ઘરખર્ચ આપતા ન હોય પોતાના પગારમાંથી પોતે ઘર ચલાવતી હતી.
પતિ કંદર્પ પોતાને એકલી મૂકી ઘણા દિવસો સુધી સાસુ-સસરા પાસે જતા રહેતા હતા. પતિ કંદર્પના આવા ત્રાસથી એક વખત આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. પતિએ માફી માગ્યા બાદ પોતે ફરી અમદાવાદ આવી ગઇ હતી. અલગ રહેતા હોય સસરા પોતાને રોજ ફોન કરવા અને પોતાના સમાચાર જાણવા દબાણ કરતા અને કહેતા કે તું ફોન નહિ કરે તો હું કંદર્પને તારી ફરિયાદ કરીશની ધમકી દેતા હતા. સાસુ પણ પોતાનું ધાર્યુ કરાવવા અવારનવાર ઘરેથી નીકળી જતા રહેતા.
જેને કારણે અમે અલગ રહેવા જતા રહેતા સાસુ તારી નોકરી મૂકી દે, ભેગા રહેવા આવતા રહો, તારે આજ નહિ તો કાલે નોકરી મૂકવી જ પડશે, તું ભેગી રહેવા નહિ આવે તો હું મારા દીકરાને મારી સાથે રહેવા બોલાવી લઇશ કહી પરેશાન કરતા હતા. આથી પિયર આવી ગઇ હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.