શું મહાનુભાવોથી કોરોના દૂર રહે?:લોકોને સલાહ આપતા સાંસદ, DCP ઝોન-1 અને આગેવાનોએ સોશિયલ ડિસ્ટન્સના ધજિયા ઉડાવ્યા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંસદ કુંડારિયા: સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાએ લોધિકાના ચીભડા ગામે ફોફળ નદી ઉપર સાત કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનનાર છે તેનું ભૂમિપૂજન કર્યું હતું. ભૂમિપૂજન માટે મહાનુભાવો મોટી સંખ્યામાં એકત્ર થયા, મોટાભાગના નેતાઓએ માસ્ક પણ પહેર્યા નથી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નથી. જાહેર કાર્યક્રમ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળે નહીં તેવી અપીલ પણ કરવામાં આવે છે. પરંતુ આ તમામ વાતો માત્ર નાગરીકો પૂરતી જ સિમિત હોય તેવું લાગી રહ્યુ છે. પ્રસિધ્ધી મેળવવા માટે સાંસદે  લોકોને એકઠા પણ કર્યા હતા અને સરજાહેર નિયમનો ઉલાળિયો કર્યો હતો.

DCP ઝોન-1: શહેર પોલીસ કમિશ્નરે પ્રસિધ્ધ કરેલા જાહેરનામાનો DCP ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ ભંગ કર્યો હતો. પ્રવર્તમાન સમયમાં દરરોજ જાહેરનામા ભંગના 100થી વધુ ગુના નોંધીને પોલીસ અધિકારીઓ કાયદાના કડક અમલવારીના ગુણગાન ગાય છે. પરંતુ આ નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ હોય તેવું લાગી રહ્યુ છે. દાણાપીઠ, પરાબજાર અને મોચીબજારના વેપારીઓએ સ્વંયભૂ જાગૃતતા દાખવી દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વેપારીઓનું DCP ઝોન-1 પ્રવિણકુમાર મીણાઅે બુકે અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતુ. આ વેળાએ અધિકારી અને વેપારીઓ મોટી સંખ્યામાં સાથે ઉભા રહીને કાયદાનો ઉલાળિયો કર્યો હતો.

શહેર ભાજપ આગેવાન: કોરોનાના પગલે લોકોને લગ્ન અને મરણ પ્રસંગમાં મોટી સંખ્યામાં એકત્ર થવાની મંજૂરી મળતી નથી, પરંતુ રાજકોટના મહાનુભાવો જાહેર કાર્યક્રમો કરે, પુષ્પાંજલિ અર્પણ કરવા એકત્ર થઇ શકે છે. રાજકોટ શહેર ભાજપે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતીએ રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું હતું. મહાનુભાવોને જાણે કોરોના ન થતો હોય તે પ્રકારે વર્તી રહ્યા છે. ચાર કે તેથી વધુ લોકો અેકઠા થાય તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરે છે. પરંતુ શહેર ભાજપના કાર્યકરો કોઇપણ મંજૂરી વિના કાર્યક્રમો યોજે ત્યારે પોલીસ અધિકારીઓ જાણે આંખ મીચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...