તાજેતરમાં સાંસદ મનસુખ વસાવાએ કરજણ મામલતદાર તેમજ સ્ટાફ સાથે અશોભનીય વર્તન કર્યું હતું. જેને લઈને રાજકોટ સહિત ગુજરાતમાં મામલતદારો દ્વારા સાંસદ સામે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મામલતદારો અને કર્મચારીઓએ માસ સીએલ મૂકી વિરોધ નોંધાવ્યો હતો. અને સાંસદ મનસુખ વસાવા મામલતદારની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ મામલતદારોએ કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે રાજ્યભરમાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
રાજયભરનાં 500 મામલતદારો પણ જોડાયા
આજે સવારથી જ રાજકોટ સહિત રાજયભરના 17 હજાર મહેસુલી કર્મચારીઓ એક દિવસની માસ સી.એલ. મૂકી રેવન્યુ કામગીરીથી અળગા રહ્યા છે. આથી રાજકોટ સહિત રાજયભરમાં આજે મહેસુલી કામગીરી ખોરવાઈ ગઈ છે. આજની આ હડતાલમાં રાજયભરનાં 500 મામલતદારો પણ જોડાયા છે. દરમ્યાન આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે માસ સીએલ સાથે ધરણા પર બેઠેલા રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ (વર્ગ-3)ના હોદ્દેદારો કિરીટસિંહ ઝાલા, એચ.ડી. રૈયાણી, વિગેરેએ જણાવેલ હતું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા તા.22/2/2022ના રોજ માલોદ તા.કરજણ ખાતે થયેલ અકસ્માત સંદર્ભે કરજણના મામલતદાર કચેરીના સ્ટાફ સાથે ફરજના ભાગ રૂપે અકસ્માત સ્થળ ખાતે રૂબરૂ ગયેલ હતા.
સત્તાના મદમાં સાંસદો ભાન ભૂલ્યા
આ સમયે ભરૂચના સાંસદ ત્યાં હાજર હતા, સાંસદ દ્વારા કોઈપણ જાતની તપાસ વિના મહેસુલી સ્ટાફને મનફાવે તેમ બોલી બીભત્સ ગાળો આપી હતી. આ અકસ્માતમાં રેતી ભરેલ વાહન દ્વારા મોટર બાઈકને હડફેટે લેતા સર્જાયેલ જેમાં ત્રણ હતભાગીઓના મૃત્યુ નિપજેલ હતા. આ બાબત ખરેખર દુ:ખદાયક છે. પરંતુ આ અકસ્માતમાં મહેસુલી સ્ટાફનો કોઈ પ્રકારનો વાંક ગુનો ન હોવા બાબતથી તેઓ વાકેફ હોવા છતા, સમાજમાં એક ઉચ્ચ સ્થાને બેઠેલ સંસદસભ્ય દ્વારા આવુ વર્તન નિંદનીય છે. જો સાંસદને મામલતદાર કે મહેસુલી સ્ટાફ સામે કોઈ વાંધો હોય તો તેઓ યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે છે. પરંતુ સત્તાના મદમાં તમામ ભાન ભૂલેલ સાંસદ દ્વારા અસંસદીય ભાષા પ્રયોગ કરી રાજયના તમામ મહેસુલી સ્ટાફનું મોનબળ તોડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, જેના વિરોધમાં આજે આ હડતાલ રખાઈ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.