MP પાટીલની ભાષા બોલવા લાગ્યા:રાજ્યસભાના સાંસદ મોકરિયાએ રૂપાણી જુથ પર નિશાન તાકી કહ્યું- રાજકોટ ભાજપના આકાઓના ડરથી કાર્યકરો મારા બંગલે આવતા ડરે છે!

રાજકોટ2 મહિનો પહેલા
રામ મોકરિયાએ આજે મીડિયાના અહેવાલને ખોટા ઠેરવ્યા.
  • મીડિયામાં સમાચાર વહેતા થતા રામ મોકરિયાએ ફેરવી તોળ્યું અને કહ્યું- ભાજપમાં એક પણ જુથ સક્રિય નથી

20 નવેમ્બરે રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપના કાર્યકરોનું સ્નેહમિલન યોજાનાર છે. આથી ગઇકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રૂપાણી જુથ પર નિશાન સાધતા કહ્યું હતું કે, શહેરમાં પાર્ટીમાં ઘણું બધું ચાલી રહ્યું છે, અનેક ગ્રૂપ બની ગયા છે, મને મળવા આવવામાં કાર્યકર્તાઓને રોકવામાં આવે છે, પોતાની ગાડી મારા બંગલા બહાર પાર્ક થયેલી કોઇ જોઇ જશે તો આકાઓ નારાજ થશે તેવા ભયથી કાર્યકર્તાઓ પણ મળવા આવતા અચકાય છે. આવા સમાચાર અનેક મીડિયામાં વહેતા થયા છે. પરંતુ આજે રામ મોકરિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા ફેરવી તોળ્યું હતું અને કહ્યું હતું કે, આ વાત તદ્દન ખોટી છે.

નામ લીધા વિના રામ મોકરિયાએ સ્થાનિક નેતાઓને આડે હાથ લીધા હતા
મીડિયાના અહેવાલ પ્રમાણ બેઠકમાં કાર્યકરોએ ડરવાની જરૂર નથી તેવો હુંકાર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સંગઠનની બેઠકમાં કરતાં જ બેઠકમાં હાજર કેટલાક નેતાઓ સ્તબ્ધ થઇ ગયા હતા. બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય લાખા સાગઠિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ સહિતના આગેવાનો અને તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી અને વિવિધ મોરચાના આગેવાનો જોડાયા હતા. પોતાના પ્રવચનના પ્રારંભે જ સાંસદ મોકરિયાએ કેટલાક સ્થાનિક નેતાઓના નામ લીધા વગર આડે હાથ લીધા હતા,

કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી, સીધા મારી પાસે આવી શકે છે
બેઠકમાં રામ મોકરિયાએ કાર્યકર્તાઓને પાર્ટીની મૂડી ગણાવીને કાર્યકર્તા જ મહાન છે તેવું કહી કાર્યકર્તાઓને તુચ્છ સમજતા કેટલાક નેતાઓને સાંકેતિક રીતે આડે હાથ લીધા હતા. તેમજ કહ્યું હતું કે, પક્ષના કેટલાક સંનિષ્ઠ કાર્યકર્તાઓને સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે, પરંતુ હવે કોઇએ ડરવાની જરૂર નથી, કોઇ પણ કાર્યકર્તા યોગ્ય કામ લઇને પોતાની પાસે સીધા આવી શકે, પોતે નિયમિત રીતે પક્ષના કાર્યાલયે પણ મળશે.

પાટીલની ભાષા રાજ્યસભાના સાસંદ બોલવા લાગ્યા
ઉલ્લખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સ્પષ્ટપણે પાર્ટીના લોકોને કહી દીધું હતું કે, કામ તો કરવું જ પડશે અને તેમાં બાંધછોડ ચાલશે નહીં. પાટીલ મુક્તપણે અવારનવાર પાર્ટીને લઇને આકરા નિર્ણયો લે છે. તેવી જ રીતે રામ મોકરિયા પણ પાટીલની ભાષા બોલવા લાગ્યા હોય તેવી ચર્ચા પણ કાર્યકર્તાઓમાં ઉઠી છે. રાજકોટમાં રૂપાણી જુથના અનેક દિગ્ગજ નેતાને બદલે રામ મોકરિયાને રાતોરાત એક પછી એક જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતીકાંડનો મામલો હોય કે પછી સ્નેહમિલનની જવાબદારી હોય. રામ મોકરિયાને એક પછી એક જવાબદારીઓ સોંપવામાં આવી રહી હોવાનું પાર્ટીના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

રામ મોકરિયાએ આજે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.
રામ મોકરિયાએ આજે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.

ચૂંટણીનું વર્ષ છે તો બધા થનગનાટથી કામ કરે છેઃ મોકરિયા
આજે મીડિયા સમક્ષ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, દિવાળી બાદ સી.આર. પાટીલ 20 નવેમ્બરે રાજકોટ આવી રહ્યા છે. જેમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. નવું વર્ષ અને ચૂંટણીનું વર્ષ છે તો બધા થનગનાટથી કામ કરે છે. સ્નેહમિલનને લઇને કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને તેમાં સંખ્યા મોટી થાય અને સમાજના લોકોને સાથે જોડવા તેવી ચર્ચા કરવામાં આવી હતી.

આજે મીડિયામાં આવ્યું તે ખોટુ, આવી વાત મેં કરી નથી
વધુમાં જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓમાં નારાજગી નથી અને ભાજપમાં કોઇ જુથ સક્રિય નથી, બધા સાથે મળીને કામ કરે છે. અમારા શહેર ભાજપ પ્રમુખ અને સિનિયર નેતા મોહનભાઇ કુંડારિયાની આગેવાનીમાં બધા શાંતિથી કામ કરે છે. ભાજપમાં કોઇ ગ્રૂપ બન્યું નથી. ભાજપમાં બધા એકસાથે છે. 2022ની ચૂંટણીને લઇને તૈયારી ઉપરથી કરવામાં આવશે. તેઓ જે જવાબદારી સોંપશે તે અમે હોશેહોશે નિભાવીશું. મીડિયામાં જે મારા વિશે છપાયું છે તે ખોટુ છે. આવી વાત મેં કરી નથી.