આંતરિક જૂથવાદનો ઊકળતો ચરુ:રૂપાણીનું રાજકોટમાં વર્ચસ્વ ઘટ્યું, વિવાદ બાદ મોકરિયાનો પ્રભાવ વધ્યો, રાજકોટ ભાજપ કાર્યાલયમાં MPને ચેમ્બર ફાળવી

રાજકોટ2 મહિનો પહેલા
  • સ્નેહમિલનમાં રૂપાણીના તીખા તેવરથી MLA ગોવિંદ પટેલે યોજેલો તા.20મીનો ‘જનસંઘથી ભાજપ’ સમારોહ કેન્સલ થયો
  • 15મીએ યોજાયેલા સ્નેહમિલનમાં સ્ટેજ પર થયેલો વિવાદ કારણભૂત કે અન્ય કોઈ બાબત?, કાર્યકરોમાં ચર્ચા

રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ એની રાજકીય અસર રાજકોટમાં સૌથી વધુ જોવા મળી રહી છે. રાજકોટ શહેર ભાજપનું સૌથી શિસ્તબદ્ધ ગણાતું સંગઠન આજે બે જૂથના મતભેદમાં ફેરવાઈ ગયું છે. મુખ્યમંત્રીપદેથી રાજીનામા બાદ વિજય રૂપાણીના રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની આક્રમક સક્રિયતા અને ધીમે ધીમે તેણે એક અલગ જ ધરી ઊભી કરી હોય એમ બહુ જલદી શહેર ભાજપમાં બે જૂથ રીતસર દેખાવા માંડ્યાં છે, જેની અસર રાજકોટ ભાજપના કાર્યાલયમાં જોવા મળી હતી. હાલ રાજકોટ ભાજપ કાર્યાલયમાં MP રામ મોકરિયાને ચેમ્બર ફાળવવામાં આવી છે.

'પૂર્વ CM વિજય રૂપાણી' લખી વિવાદ ટાળ્યો
આ વિવાદ થયા બાદ હાલ પક્ષના કાર્યાલયમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણીની ચેમ્બર MP રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી છે, સાથોસાથ તેમના નામનું લેટર બોક્સ પણ કાર્યાલયની બહાર લગાડવામાં આવ્યું છે. 9 મહિના પહેલાં રામ મોકરિયા સાંસદ બન્યા બાદ આજે તેમને પક્ષના કાર્યાલયમાં ચેમ્બર ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિવાદ તથા સાંસદ મોકરિયાને જે સવલતો મળી રહી છે એ સાંસદ મોહન કુંડારિયાને હજુ ફાળવવામાં નથી આવી. હજુ સુધી તેમને પક્ષ દ્વારા કાર્યાલયમાં ઓફિસ ફાળવવામાં નથી આવી. જ્યારે CM પરથી રાજીનામું આપ્યા બાદ પણ રાજકોટ ભાજપ માટે હજુ રૂપાણી જ મુખ્યમંત્રી હોય એમ 'CM વિજય રૂપાણી'ના નામનું લેટર બોક્સ હજુ પણ યથાવત્ રાખવામાં આવ્યું હતું, પરંતુ મીડિયાના અહેવાલથી ભાજપ કાર્યાલય સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક 'પૂર્વ CM વિજય રૂપાણી' લખી વિવાદ ટાળ્યો હતો

શહેર પ્રમુખ કમલેશ મીરાણીની ચેમ્બર MP રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી
શહેર પ્રમુખ કમલેશ મીરાણીની ચેમ્બર MP રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી
MP રામભાઈ મોકરિયાના નામનું લેટર બોક્સ પણ કાર્યાલયની બહાર લગાડવામાં આવ્યું
MP રામભાઈ મોકરિયાના નામનું લેટર બોક્સ પણ કાર્યાલયની બહાર લગાડવામાં આવ્યું
સાંસદ મોહનભાઈ કુંડારિયાને પક્ષ દ્વારા કાર્યાલયમાં ઓફિસ ફાળવાઈ નથી- ફાઈલ તસવીર
સાંસદ મોહનભાઈ કુંડારિયાને પક્ષ દ્વારા કાર્યાલયમાં ઓફિસ ફાળવાઈ નથી- ફાઈલ તસવીર

સ્નેહમિલનમાં થયેલા વિવાદના ઘેરા પડઘા પ્રદેશકક્ષાએ પડ્યા
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલાં રૂપાણી અને મોકરિયા વચ્ચે થયેલા વિવાદ બાદ પ્રદેશમાંથી શહેર ભાજપમાં રામભાઇ મોકરિયાને સ્થાન મળવું જોઈએ એવા આદેશ થયા હતા, જેને પગલે હવે શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીની ઓફિસ રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી છે, જેથી હવે કમલેશ મીરાણી હવે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેસશે, પરંતુ રાજકોટ ભાજપમાં રૂપાણી અને મોકરિયાના સમર્થકોએ બે જૂથ પાડી દેતાં નવાં સમીકરણો જોવા મળી રહ્યાં છે.

કાર્યક્રમ રદ કરતાં અનેક ચર્ચાઓ શરૂ
15મીએ રાજકોટમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલનમાં થયેલા વિવાદના પ્રદેશકક્ષાએ ઘેરા પડઘા પડ્યા છે. 20મીએ પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ રાજકોટ આવવાના છે અને તેમની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાવાનું હતું, પરંતુ હવે એ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ રાજકોટ તો આવી જ રહ્યા છે પરંતુ શહેર ભાજપ આયોજિત કાર્યક્રમ રદ કરી દેવાતાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી.

20મીએ યોજનારા કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં પૂર્વ CM રૂપાણી અને અગ્રણી નીતિન ભારદ્વાજનું નામ બાકાત રખાયું છે.
20મીએ યોજનારા કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં પૂર્વ CM રૂપાણી અને અગ્રણી નીતિન ભારદ્વાજનું નામ બાકાત રખાયું છે.

‘જનસંઘથી ભાજપ’ નામનો કાર્યક્રમ રદ થયો છે
સ્નેહમિલનમાં રૂપાણી અને મોકરિયા વચ્ચે જે તડાફડી થઈ એ ક્ષણિક અને ગર્ભિત હતી, પરંતુ રાજકીય રીતે એને બહુ સૂચક માનવામાં આવે છે. બન્ને વચ્ચેની નારાજગીના આ ફ્લેશ એપિસોડનું રિએક્શન એ આવ્યું છે કે તા.20મીએ રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મોરિયા જૂથે રાખેલો ‘જનસંઘથી ભાજપ’ નામનો કાર્યક્રમ રદ થયો છે. આગામી તા.20ના પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ રાજકોટ આવી રહ્યા છે.

પૂર્વ CM રૂપાણી અને નીતિન ભારદ્વાજનાં નામ બાકાત
પ્રદેશ પ્રમુખ બ્રહ્મસમાજ તેમજ ઉદ્યોગપતિઓના કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારે 15મીએ આમંત્રણપત્રિકામાં થયેલા નામના વિવાદ બાદ 20મીએ યોજનારા કાર્યક્રમની આમંત્રણપત્રિકામાં પૂર્વ CM રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજનાં નામ બાકાત રખાયાં છે. ઉલ્લેખનીય છે કે તા.15ને સોમવારે યોજાયેલા શહેર ભાજપના સ્નેહમિલનમાં સ્ટેજ પર થયેલા ડખાની નોંધ ભાજપ હાઈકમાન્ડે લીધી હોય અને એને કારણે પ્રદેશ પ્રમુખનો કાર્યક્રમ રદ કરાયો હોય એવી પણ ચર્ચા છે.

શું હતો રૂપાણી અને મોકરિયાનો વિવાદ
આજથી 2 દિવસ પહેલાં રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણપત્રિકામા શું લોચો છે એમ કહી ખખડાવ્યા હતા. આ સમયે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. ત્યારે રૂપાણીએ રામ મોકરિયાને રોકડું પરખાવી કહી દીધું હતું કે તમે બેસો, તમારી સાથે વાત નથી કરતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. થોડીવાર માટે તો સ્ટેજ પર તણાવભરી સ્થિતિ પણ ઉદભવી હતી.

રૂપાણી અને મોકરિયા વચ્ચે જે તડાફડી થઈ એ ક્ષણિક અને ગર્ભિત હતી, પરંતુ રાજકીય રીતે એને બહુ સૂચક માનવામાં આવે છે - ફાઈલ તસવીર.
રૂપાણી અને મોકરિયા વચ્ચે જે તડાફડી થઈ એ ક્ષણિક અને ગર્ભિત હતી, પરંતુ રાજકીય રીતે એને બહુ સૂચક માનવામાં આવે છે - ફાઈલ તસવીર.

મોકરિયાને એક પછી એક જવાબદારી સોંપાતાં જૂથવાદ વકર્યો
ભાજપનાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ, છેલ્લા કેટલાક સમયથી રામ મોકરિયાને અનેક નાની-મોટી જવાબદારી રાજકોટમાં સોંપવામાં આવી રહી છે, આથી આંતરિક જૂથવાદ વધુ જોવા મળી રહ્યો છે. જોકે ગોવિંદ પટેલે આ મુદ્દાને લઈ જણાવ્યું હતું કે હું તો દિવાળીની શુભેચ્છા પાઠવવા ગયો હતો, પરંતુ આ વાત ગળે ન ઊતરી. જાહેર કાર્યક્રમમાં આ રીતે સ્ટેજ પર શુભેચ્છા પાઠવવી એ કેટલા અંશે સત્ય છે એ કહી ન શકાય. વીડિયોમાં જોતાં સ્પષ્ટ જણાય છે કે રૂપાણી થોડાક ઉગ્ર થઈ ગોવિંદ પટેલ સાથે વાતચીત કરી રહ્યા હતા, આથી આમાં શુભેચ્છા કઈ રીતે આપી શકાય.

મોકરિયા થોડા દિવસો પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પોલિટિક્સમાં પણ એક્ટિવ થઈ એવું બોલેલા કે જૂના જોગીઓ માટે નો-રિપીટ થિયરી લાગુ પડશે - ફાઈલ તસવીર
મોકરિયા થોડા દિવસો પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પોલિટિક્સમાં પણ એક્ટિવ થઈ એવું બોલેલા કે જૂના જોગીઓ માટે નો-રિપીટ થિયરી લાગુ પડશે - ફાઈલ તસવીર

મોકરિયાને દરેક બાબતમાં પ્રદેશ ભાજપનું સમર્થન છે
આ વિવાદ બાદ કાર્યકરો માને છે કે રૂપાણી જ તેમના નેતા છે. હાલનું શહેર ભાજપ વિજય રૂપાણીના બહુમતી સમર્થકો ધરાવે છે. અહીં હોમ ટાઉન હોવાથી શહેર ભાજપ જ નહીં, બલકે મોટા ભાગનાં સામાજિક સંગઠનોમાં પણ રૂપાણીનો પ્રભાવ છે. નવા રાજકીય સમીકરણોમાં મોરિયા રૂપાણીના પ્રભાવ સામે મોરચો માંડી રહ્યા છે. સિનિયર નેતાઓ કહે છે કે મોકરિયા દરેક બાબતમાં પ્રદેશ ભાજપનું સમર્થન છે એમ જણાવી નવા-નવા નિર્ણયો લઈ રહ્યા છે, જેને પગલે રાજકોટ ભાજપમાં ભડકા થાય તો નવાઈ નહીં

અન્ય સમાચારો પણ છે...