ત્રાસ:વહુના ત્રાસથી સાસુએ ઘર છોડ્યું, પુત્રએ કહ્યું કે, માતા અસ્વસ્થ હોવાથી ઘરેથી નીકળી જાય છેે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટની 181ની ટીમે વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. - Divya Bhaskar
રાજકોટની 181ની ટીમે વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
  • વૃદ્ધા એક કલાક સુધી એક જ જગ્યાએ બેસી રહેતા સ્થાનિકોએ 181ને જાણ કરી
  • વૃદ્ધાએ પુત્ર-પુત્રવધૂ પાસે જવાને બદલે દીકરી પાસે જવાનું કહેતા ત્યાં મોકલ્યા

મૂળ પડધરીના છેવાડા ગામે રહેતા શાંતાબેન નામના વૃદ્ધા ગુરૂવારે રાત્રે 8.00 કલાકે રાજકોટ શહેરમાં આવી ગયા હતા અને તે એક કલાક સુધી એક જગ્યાએ બેસી રહ્યા હોવાની જાણ 181 ની ટીમને થઈ હતી. 181 ની ટીમ માજી પાસે પંહોંચી અને તેની સાથે વાતચીત કરતા તેને જણાવ્યું કે, તેઓ પોતાની પુત્રવધૂના ત્રાસથી ઘર છોડીને નીકળી ગયા છે.

જ્યારે 181ની ટીમે વૃદ્ધાના પુત્ર-પુત્રવધૂ સાથે વાતચીત કરી તો તેણે જણાવ્યું કે, તેની માતા માનસિક રીતે અસ્વસ્થ છે. અગાઉ પણ ત્રણ ચાર વખત ઘરેથી નીકળી ગયા છે. બાદમાં વૃદ્ધાએ દીકરીને ત્યાં જવાનું કહેતા તેને દીકરીના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા.

આ અંગે 181 ટીમના કાઉન્સેલર તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ માજી પાસે પહોંચ્યા ત્યારે પહેલી વખત જોતા એવું લાગ્યું કે તેઓ દુ:ખી છે અને તેઓ રડતા હતા. ટીમે પહોંચીને તેને સાંત્વના આપી અને તેનું કાઉન્સેલિંગ કર્યું. અંદાજિત એક કલાકના કાઉન્સેલિંગ બાદ શાંતાબેન નામના વૃદ્ધાએ 181ની ટીમ સાથે વાતચીત શરૂ કરી. વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, તે પડધરી તાલુકાના એક છેવાડાના ગામે રહે છે. અને તેઓ વહુના ત્રાસથી ઘરેથી બપોરના નીકળી રિક્ષામાં બેસી રાજકોટ આવી ગયા છે. ત્યારબાદ ટીમે માજીના દીકરા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે, માજી અગાઉ પણ 3-4 વખત ઘરેથી નીકળી ગયેલા છે.

અમે માજીને સાચવીએ છીએ પણ તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાને કારણે ઘરેથી નીકળી જાય છે. 181ની ટીમે માજીના પુત્ર- પુત્રવધૂને માતાની સારવાર કરાવવા અને તેની કાળજી રાખવાનું જણાવતા તેઓએ ખાતરી આપી હતી. જ્યારે 181 ની ટીમે માજીને ઘરે જવા માટે કહ્યું તો માજીએ ત્યાં જવાની ના પાડી હતી અને દીકરીને ત્યાં જવાનું કહેતા આખરે માજીને તેની દીકરીને ત્યાં મોકલી અપાયા હતા. (નોંધ- વૃધ્ધાનું નામ બદલાવેલ છે)

અન્ય સમાચારો પણ છે...