પોતાના સ્વાર્થ માટે સગાં ભત્રીજાને મોતને ઘાટ ઉતારનાર જિગ્નેશ હરિશભાઇ મકવાણાને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂ.20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. અને દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજાનો આદેશ કર્યો છે. નાનામવા સર્કલ પાસે આવેલી પૂર્ણિમા સોસાયટીમાં તા.20-3-2017ના રોજ રોહન ફાલ્ગુનભાઇ મકવાણા નામના છ વર્ષના માસૂમ બાળકનો તેના જ મકાનની અગાશી પરથી મૃતદેહ મળી આવ્યો હતો. તે સમયે અપમૃત્યુની નોંધ થઇ હતી.
બનાવના દસ દિવસ બાદ મૃતકના મોટા બાપુ જિગ્નેશે ભત્રીજા રોહનની હત્યા કર્યાની વાત કરતા પરિવારજનો ભાંગી પડ્યા હતા અને પોલીસમાં જાણ કરતા રોહનના પિતા ફાલ્ગુનભાઇની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી જિગ્નેશની ધરપકડ કરી હતી. જિગ્નેશની પૂછપરછમાં તેને અનેક લોકો પાસેથી ઉછીના તેમજ વ્યાજે નાણાં લીધા હતા, પરંતુ તેની પાસે નાણાં ન હોય તેની પાસે સતત ઉઘરાણી થતી હતી. ત્યારે પોતાના પરિવારના કોઇ સભ્યનું મોત થાય તો લેણદારોની ઉઘરાણીથી બચી શકે અને સહાનુભૂતિ મેળવી શકે તેવો વિચાર આવ્યો હતો.
જેથી તેને નાના ભાઇના પુત્ર રોહનનું જ કાશળ કાઢી નાંખવાનો પ્લાન કર્યો હતો. બાદમાં ભત્રીજા રોહનને શ્વાનને ખવડાવવાના બિસ્કિટ અગાશી પરથી લઇ આવીએ તેમ કહીને લઇ ગયા બાદ અગાશી પર મોઢે ડૂમો દઇ મોતને ઘાટ ઉતારી દીધાની કેફિયત આપી હતી. બાદ પોલીસે દફનાવેલા માસૂમ બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
જેમાં ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે તમામ દસ્તાવેજી પુરાવા તેમજ આરોપીના પિતા, ભાઇ સહિતના નિવેદનો લીધા બાદ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. જે કેસ ચાલતા અદાલતમાં ફરિયાદપક્ષે એડવોકેટ રિપન ગોકાણી અને સરકારી વકીલ બિનલબેન રવેશિયાએ મૃતકના 14 સાક્ષીને તપાસ્યા હતા. જેમાં મૃત બાળકના દાદા સહિતના સાક્ષીએ બનાવને સમર્થન આપ્યું હતું. જ્યારે આ કેસના ચાર સાક્ષી હોસ્ટાઇલ થયા હતા.
ઘરનો ઘાતકી બન્યો પરંતુ પારકા વકીલે ફી લીધા વગર ન્યાય અપાવ્યો
ફૂલ જેવા ભત્રીજાને ક્રૂરતાથી રહેંસી નાખવામાં સગાં મોટાબાપુના હાથ ધ્રુજ્યા નહોતા. સંબંધો સામે લોકોમાં સવાલો ઉઠ્યા હતા, માનવતા મરી પરવારી છે, સંબંધોનું કોઇ મૂલ્ય નથી તેવી અનેક વાતો લોકોના મુખે ચર્ચાતી હતી પરંતુ એકલ દોકલ આવી ક્રૂર વ્યક્તિને કારણે આખો સમાજ આવો જ હોય તેવું માની શકાય નહીં, અને તે વાત એડવોકેટ રિપન ગોકાણીએ સાબિત કરી આપી હતી, એડવોકેટ રિપન પાસે હત્યા કેસ આવ્યો, મકવાણા પરિવારની આર્થિક સ્થિતિ જોતા એડવોકેટ રિપને કેસ માટે પોતે એકપણ પૈસો નહીં લે અને મૃતકને ન્યાય અપાવશે, હત્યા કેસનો ચુકાદો આવ્યો ત્યારે ફરીથી કોર્ટ સંકુલમાં આંસુ વહ્યા હતા, અને એડવોકેટ રિપન ગોકાણીએ પૈસા માટે નહીં પરંતુ માનવતા માટે જે રીતે જંગ લડી ન્યાય અપાવડાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.