રાજ્યભરમાં અત્યારે સૌથી વધારે ચર્ચા હાર્ટએટેકને લઈને થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે કોવિડ બાદ હાર્ટ એટેકના કેસમાં ખૂબ વધારો આવ્યો છે અમુક લોકોએ વેક્સિનેશનને લઈને પણ સવાલો કર્યા છે. આ બધી વાતો વચ્ચે ખરેખર હકીકત શું છે તે જાણવા અલગ અલગ પ્રયત્નો થયા છે પણ ક્યાંયથી ચોક્કસ આંકડા અને ખાસ કરીને સમગ્ર રાજ્યનું બેરોમીટર બને તેવું અવલોકન થયું નથી. આ કારણે ભાસ્કરે સમગ્ર રાજ્યમાં જેની સેવા ફેલાયેલી છે અને હાર્ટએટેક હોય કે પછી કોઇપણ અકસ્માત કે બીમારી હોય સૌથી પહેલા લોકોને જે યાદ આવે છે તે 108 સેવાના આંકનો ઉપયોગ કર્યો હતો.
રાજ્યભરમાં સૌથી વધારે ચર્ચા હાર્ટએટેકને લઈને થઈ રહી
108માં નોંધાયેલી કાર્ડિયાક ઈમર્જન્સીના કેસના આંકડા મેળવી છેલ્લા 5 વર્ષનો અભ્યાસ કરતા જોવા મળ્યું છે કે, કોરોના બાદ જે હાર્ટએટેકના કેસ આવ્યા છે તેના કરતા ક્યાંય વધારે કેસ કોરોના પહેલા આવી ચૂક્યા છે. જે સાબિત કરે છે કે દરેક હાર્ટએટેકમાં માત્ર કોરોના કે કોવિડને જ જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. ડિસેમ્બર 2022 સુધીમાં રાજ્યભરમાં કાર્ડિયાક ઈમર્જન્સીના કોલની સંખ્યા 56277 રહી હતી જે આંક વધારે લાગે પણ કોરોના પહેલાનું વર્ષ એટલે કે 2019માં આ આંક 63628 હતો. જ્યારે 2018માં 53700 કોલ આવ્યા હતા.
કોવિડ બાદ હાર્ટ એટેકના કેસમાં ખૂબ વધારો આવ્યો
2020 અને 2021 કે જે દરમિયાન કોરોનાએ સૌથી વધુ ઉપાડો લીધો હતો તે ગાળામાં હાર્ટએટેકને લગતા કોલ્સ ઘટી ગયા હતા કારણ કે એક તરફ લોકડાઉન હતું અને બીજી તરફ દર્દી કોરોનાગ્રસ્ત હતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આ આંકડાઓ એ વાતનું ખંડન કરે છે કે કોરોના બાદ અચાનક જ હાર્ટએટેક વધી ગયા છે. આટલું જ નહીં ઉંમર મુજબ કાર્ડિયાક ઈમર્જન્સીના કેસ જોઈએ તો તેમાં પણ એવું ક્યાંય ચિહ્ન નથી કે સૌથી વધુ કેસ યુવાનોના છે હકીકતે તેમાં ઘટાડો નોંધાયો છે.
ચર્ચા વધારે થાય છે એટલે કેસ વધ્યાનું લાગે છે, વાસ્તવમાં કેસ વધ્યા નથી: ડો. વણઝારા
ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો.સંકલ્પ વણઝારા જણાવે છે કે, કોરોનાને કારણે હાર્ટએટેક વધ્યા છે તે વાત સદંતર ખોટી છે. કોરોના પહેલા પણ કેસ વધારે જ આવતા હતા અત્યારે હાર્ટએટેકની ચર્ચા વધારે થાય છે એટલે એવું લાગી રહ્યું છે. 2019માં કેસ વધારે હતા કારણ કે ત્યાર સુધીમાં આપણી લાઈફસ્ટાઈલ ઘણી બગડી ચૂકી હતી. કોરોના દરમિયાન બધાએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું એટલે કોરોના સિવાયના રોગ સામે લડી શક્યા. હવે ફરી પૂર્વવત થતા લાઈફસ્ટાઈલને લગતા રોગ ફરી માથું ઊંચકી રહ્યા છે. દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડી વધારે હોય એટલે ત્યારે કેસ વધારે બને પણ આ વખતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડી રહી એટલે ત્યારે કેસ વધ્યા છે અને વર્ષના અંત સુધીમાં 2019 જેટલા જ હૃદય સંબંધી કેસ જોવા મળશે. જો લાઈફસ્ટાઈલ નહીં સુધારી અને ખાસ કરીને બાળકોને જંક ફૂડ જ આપીશું તો હાર્ટએટેક ક્રમશ: વધતા જશે અને 2025માં સૌથી મોટો વધારો જોવા મળશે.
છાતીમાં દુ:ખે તો 108ને ફોન કરો બીજું કશું નહિ
108 ઈએમઆરઆઈ સેવાના કેર હેડ ડો. હાર્દિક શાહે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઇ વ્યક્તિને છાતીમાં દુખાવો કે પછી હૃદયને રોગને લગતી સમસ્યા ઉદભવે તો સૌથી પહેલા 108ને ફોન કરવો જોઇએ. ફોન કર્યા બાદ દર્દીને સારી સ્થિતિમાં આરામ મળે તે રીતે સુવડાવવા જોઈએ અને તેની સાથે જ રહેવું જોઇએ બીજી કોઇ વસ્તુ કરવી જોઇએ નહિ અને 108ની ટીમ આવે એટલે તમામ વિગતો તેમને આપવી જોઈએ.
યુવાનોમાં જ હાર્ટએટેક વધ્યા તે પણ ખોટું સાબિત થયું | |||||
વય જૂથ | 2018 | 2019 | 2020 | 2021 | 2022 |
11થી 20 | 2430 | 4857 | 5374 | 5174 | 1703 |
21થી 30 | 6606 | 7767 | 7185 | 6487 | 5077 |
31થી 40 | 8261 | 6749 | 3467 | 4010 | 6970 |
41થી 50 | 8745 | 6933 | 2542 | 2712 | 9353 |
50થી વધુ | 24361 | 22815 | 9078 | 8115 | 25970 |
2018થી 2022 સુધીના કાર્ડિયાક ઈમર્જન્સી કેસ | |||||
વર્ષ | ગુજરાત | અમદાવાદ | વડોદરા | સુરત | રાજકોટ |
2018 | 53700 | 14595 | 2567 | 3525 | 2931 |
2019 | 63628 | 16692 | 2949 | 4299 | 3828 |
2020 | 44797 | 12164 | 2021 | 2902 | 3075 |
2021 | 42555 | 12060 | 2211 | 2888 | 2807 |
2022 | 56277 | 16718 | 2760 | 4126 | 3458 |
કુલ | 260957 | 72229 | 12508 | 17740 | 16099 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.