રાજકોટના સમાચાર:યુપીથી ભાજપના 145થી વધુ હોદ્દેદારો આવ્યા, સૌરાષ્ટ્રની 48 બેઠક પર બે-બે અગ્રણીની ફાળવણી, બે દિવસ રોકાઇ સ્થિતિનો તાગ મેળવશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશથી ભાજપના હોદ્દેદારો રાજકોટ આવ્યા. - Divya Bhaskar
ઉત્તરપ્રદેશથી ભાજપના હોદ્દેદારો રાજકોટ આવ્યા.

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા વિવિધ રાજ્યોના અગ્રણી કાર્યકર્તાઓની ટીમને ‘પ્રચાર’ માટે ઉતારવાનું શરુ થયું છે. તેમાં સૌરાષ્ટ્રની ​​48 વિધાનસભા બેઠકો માટે ઉતરપ્રદેશથી 145થી વધુ હોદ્દેદારોની પ્રથમ ટીમ ગઇકાલે રાજકોટ આવી ગઇ હતી. હવે તે આગામી બે દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જિલ્લા અને મહાનગરોમાં મુકામ કરીને ગ્રાઉન્ડ પરિસ્થિતિનો તાગ લેવા પ્રયત્ન કરશે. દરેક બેઠક પર બે-બે અગ્રણીની ફાળવણી કરાઇ છે.

સૌરાષ્ટ્રમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકો કરશે
ખાસ કરીને યુપીમાં શહેર અને તાલુકા કક્ષાએ ભાજપના હોદેદારો રહેલા અને ચૂંટણીના એક્સપર્ટ, તમામ બાબતો સમજી શકનાર આ હોદેદારોને હવે અલગ-અલગ વિધાનસભા બેઠકમાં બે દિવસ મોકલાશે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ બન્ને આજે રાજકોટમાં છે અને અટલબિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે ઉતરપ્રદેશથી આવેલા 145થી વધુ અગ્રણીઓ તથા સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના અગ્રણીઓ સાથે બેઠકોનો દૌર ચલાવી રહ્યા છે.

આવતીકાલથી ટીમ ગ્રાઉન્ડ સરવે કરશે
જેમાં રાજકોટ સહિતની બેઠકો માટે પણ આવતીકાલથી યુપીની આ ટીમ ગ્રાઉન્ડ સરવે કરશે. પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ દરેક વિધાનસભા બેઠકદીઠ ઉતરપ્રદેશના બે કે ત્રણ અગ્રણીઓને બે દિવસ દરેક વોર્ડમાં બેઠકોનો દૌર યોજવા જણાવાયું છે અને તે રીતે તેઓ પક્ષના કાર્યકર્તાઓ તથા અગ્રણીઓને પણ મળશે અને બાદમાં તેમનો રિપોર્ટ ગુજરાત ભાજપને સુપ્રત કરશે તેવા સંકેત છે. સૌરાષ્ટ્રમાં કુલ 15 જિલ્લા અને મહાનગરો માટે આ ટીમને એક્શનમાં મૂકવામાં આવી છે. પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ વિધાનસભામાં તેઓ અલગ-અલગ અગ્રણીઓને મળીને આગામી ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગીથી લઇ ભાજપનાં પ્લસ-માઇનસ ફેક્ટરની પણ માહિતી મેળવીને તેમનો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ આપશે.

રાજકોટમાં હોકી અને સ્વિમિંગ કોમ્પિટિશન
ગુજરાત ખાતે યોજાનારી 36મી નેશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે. રાજકોટ ખાતે હોકી અને સ્વિમિંગ કોમ્પિટિશન યોજાવા જઈ રહી છે. જેની જોરશોરથી તૈયારીઓ તંત્ર તેમજ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા શરુ કરી દેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્સને નવા રૂપરંગ સાથે સજ્જ કરવામાં આવી રહ્યો છે. હાલ સ્વિમિંગ પુલ ખાતે રિનોવેશન, ફિલ્ટર પ્લાન્ટ મેઇન્ટેનન્સ, કલરકામ, ફ્લોરિંગ, લાઈટિંગ્સ સહિતની કામગીરી ચાલી રહી છે.

આર.માધવનના પુત્ર આવે તેવી શક્યતા
રાજકોટ ખાતે યોજાનારી સ્વિમિંગ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 500થી વધુ સ્વિમર્સ ભાગ લેવા જઇ રહ્યા છે. ફિલ્મ સ્ટાર આર. માધવનના પુત્ર વેદાંત માધવન પણ ભાગ લે તેવી સંભાવના હોવાનું રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના સેક્રેટરી અને કોચ શ્રી બંકિમ જોશી જણાવે છે. આ સાથે આંતરરાષ્ટ્રીય તરવૈયાઓ સજ્જન પ્રકાશ, હરિ નટરાજન, તેમજ ગુજરાતના સ્ટાર માના પટેલ ઉપરાંત આર્યન નહેરા, અંશુલ કોઠારી, દેવાંશ પંચાલ, કલ્યાણી સક્સેના સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લેશે.

રાજકોટમાં 2થી 8 ઓક્ટોબર સ્વિમિંગ કોમ્પિટિશન
રાજકોટ ખાતે 2થી 8 ઓક્ટોબર દરમ્યાન 50 મી., 100 મી., 200 મી., 400મી., 800 મી., તેમજ 1500 મી. ફ્રી સ્ટાઇલ તેમજ 50 મી., 100 મી., 200 મી., બેકસ્ટ્રોક, બટરફ્લાય ગેમ્સ તેમજ 9 ટીમ વચ્ચે વોટર પોલો ખેલાશે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ટરનેશનલ રેફરી કમલેશભાઈ નાણાવટી સહિત સ્ટાર્ટર, ટાઈમ કીપર, રેકોર્ડર, ચીફ ઇન્સ્પેકટર ઓફ ટર્ન્સ, જજ સહિત 150 જેટલા ટેક્નિકલ ઓફિશિયલ્સ સેવા આપશે.

ધ ગ્રેટ ભગવતી હોટેલ સહિત 70 સ્થળે મચ્છરના બ્રિડીંગ મળ્યા
​​​​​​​
રાજકોટમાં હાલ વાયરલ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. તેમાંય ડેન્ગ્યુના કેસ સામે આવતા મનપા તંત્ર સાબદું બન્યું હોય તેમ આજે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં હોસ્પિટલ, હોટલ અને બાંઘકામ સાઇટ પર ચેકીંગ ડ્રાઈવ યોજાઈ હતી. જ્યાં મધુભાઈ ચેવડાવાલા અને ધ ગ્રેટ ભગવતી હોટેલ સહિત 70 સ્થળોએ ભારે ગંદકીને પગલે મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા હતા. જેથી આરોગયા વિભાગે કુલ રૂ.90,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે
આ અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડની યાદીમાં જણાવ્યાનુસાર વરસાદના વિરામ બાદ સ્થિર અને ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7 થી 10 દિવસનો સમય લાગે છે.મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થયપ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રખડતા અને અડચણરૂપ 459 પશુઓ ડબ્બે પુરાયા
રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.22-08થી 05-09 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 459 પશુઓને પકડવામાં આવ્યા છે.

લાઈટહાઉસની કામગીરી સત્વરે પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરે આદેશ આપ્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્ટ હેઠળ 11 ટાવરમાં 1144 આવાસોની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે તેમજ સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી પણ પ્રગતિમાં છે. ત્યારે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. જેમાં PGVCL અને ગુજરાત ગેસની કામગીરી પણ ચાલુ છે જે સત્વરે પૂર્ણ કરવા તેમણે સંબંધિત અધિકારીને સુચના આપી હતી.