તહેવારોમાં ચેતજો:રાજકોટમાં કોરોના પર બ્રેક લાગી તો મચ્છરજન્ય રોગોએ માથુ ઉચક્યું, 7 દિવસમાં ડેન્ગ્યુના 7, મેલેરિયાના 3 કેસ, વાસી ભોજન ન આરોગવા ઓરોગ્યની અપીલ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મચ્છરની ઉત્પતિ સ્થળો પર આરોગ્ય વિભાગનું ચેકિંગ. - Divya Bhaskar
મચ્છરની ઉત્પતિ સ્થળો પર આરોગ્ય વિભાગનું ચેકિંગ.
  • મ્યુનિ.એ મચ્છરજન્ય રોગચાળો રોકવા સર્વેલન્સ, માર્ગદર્શન અને આરોગ્ય ચકાસણીની કામગીરી શરૂ કરી

રાજકોટમાં કોરોના વાયરસ પર બ્રેક લાગી છે. છેલ્લા દોઢ મહિનાથી રોજ એક તો ક્યારેક શૂન્ય કેસ નોંધાય રહ્યાં છે. પરંતુ શહેરમાં મચ્છરજન્ય અને ઋતુજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા આરોગ્ય વિભાગ પર દોડતું થઇ ગયું છે. હાલ વરસાદ પણ ખેંચાય રહ્યો હોવાથી મિશ્ર ઋતુના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસ ધીમી ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ શરદી, ઉધરસ, તાવ જેવા ઋતુજન્ય રોગચાળાઓના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 7 અને મેલેરિયાના નવા 3 કેસ નોંધાતા આરોગ્ય અને મેલેરિયા શાખાએ ફિલ્ડ કામગીરી વધુ સઘન કરી છે. આરોગ્ય વિભાગે તહેવારોમાં વાસી ભોજન ન આરોગવા અપીલ કરી છે.

મિશ્ર વાતાવરણને કારણે મચ્છરમાં ખૂબ બ્રિડિંગ ચાલી રહ્યું છે
આજે લાંબા સમયે મનપાની મેલેરિયા શાખાએ અઠવાડિક હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો હતો. હાલ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયા ફેલાવી શકે તેવા મચ્છરમાં ખૂબ બ્રિડિંગ ચાલી રહ્યું છે. આ રોગ ફેલાવતા મચ્છરો ઘરમાં તથા ઘર આસપાસ રહેલી જગ્યામાં જન્મે છે. ઇંડા મુક્યાના 7થી 12 દિવસમાં આ મચ્છર પુખ્ત બને છે. જે 100થી 300 મીટર સુધી જ ઉડી શકતા હોવાથી નજીકમાં જ રોગચાળો ફેલાવતા હોય છે. આરોગ્ય અધિકારી ડો.વાંઝાએ જણાવ્યું હતું કે, તહેવારના દિવસોમાં ઘણા પરિવારો બે ત્રણ દિવસનું ભોજન એક સાથે તૈયાર કરતા હોય છે. પરંતુ ઘરનું ભોજન પણ બે દિવસથી વધુ વાસી આરોગવું ન જોઇએ. હાલના વાતાવરણમાં બને ત્યાં સુધી બહારનું ફૂડ ટાળવુ પણ જરૂરી છે.

રાજકોટ મનપાની ટીમે ફોગીંગની કામગીરી હાથ ધરી.
રાજકોટ મનપાની ટીમે ફોગીંગની કામગીરી હાથ ધરી.

આ વર્ષમાં ડેન્ગ્યુના 32 અને મેલેરિયાના 20 કેસ નોંધાયા
16થી 22 ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યુના 7, મેલેરિયાના 3 કેસ નોંધાયા છે. ચીકનગુનીયાનો એક પણ નવો કેસ આવ્યો નથી. આ વર્ષમાં ડેન્ગ્યુના 32 અને મેલેરિયાના 20 કેસ નોંધાયા છે. જેમાં ડેન્ગ્યુના 21 અને મેલેરિયાના 8 કેસ માત્ર ઓગષ્ટ માસમાં નોંધાયા છે. પૂરા વર્ષમાં ચીકનગુનીયાનો માત્ર એક કેસ છે. ખાણીપીણી અને વાતાવરણના કારણે ઝાડા-ઉલ્ટી જેવા રોગચાળાના પણ 100 જેટલા કેસ નોંધાયાનું સુત્રોમાં જાણવા મળ્યું છે.

વિવિધ બાંધકામ પર આરોગ્ય વિભાગનું ચેકિંગ.
વિવિધ બાંધકામ પર આરોગ્ય વિભાગનું ચેકિંગ.

મચ્છર ઉત્પતિ બદલ 1101ને નોટિસ ફટકારી
ચાલુ અઠવાડિયામાં આરોગ્ય વિભાગ દ્વારા 2527 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્પતિ બદલ 1101ને નોટિસ આપી રૂ.24,850નો દંડ કરવામાં આવ્યો છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ડેલા, કોમ્પ્લેક્ષ, પેટ્રોલ પંપ, ધાર્મિક સ્થળો સહિત 702 મિલકતની ચકાસણી કરવામાં આવી હતી. 97 શાળામાં આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિમલનગર, સાંઇબાબા પાર્ક, શનેશ્વર પાર્ક, પ્રણામી પાર્ક, આર્યલેન્ડ રેસીડેન્સીમાં પણ જનજાગૃતિ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...