વિરોધ:રાજકોટ સિવિલના 300 જેટલા સફાઈકર્મીઓ પગાર મુદ્દે ધરણા પર ઉતર્યા, વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી

રાજકોટ2 વર્ષ પહેલા
પોલીસે સફાઈકર્મીઓની અટકાયત કરી - Divya Bhaskar
પોલીસે સફાઈકર્મીઓની અટકાયત કરી
  • સફાઈકર્મીઓએ પગાર વધારાની માંગ કરી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 300 જેટલા સફાઈ કર્મચારીઓ પગાર મુદ્દે બેનરો સાથે ધરણાં પર ઉતર્યા છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા સફાઈકર્મીઓની પોલીસે અટકાયત કરતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સિવિલના 300 જેટલા સફાઈ કર્મચારીઓ હોસ્પિટલ ચોક ખાતે ધરણાં પર ઉતર્યા હતા. સફાઈકર્મીઓએ પગાર વધારા સાથે આઉટ સોર્સિંગ નાબૂદ કરવાની માંગ કરી છે.

કર્મચારીઓએ પગાર ઓછો આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો
કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે ઓછા પગારમાં અમારી પાસે વધુ કામ કરાવવામાં આવે છે. ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ અમારી પાસે એકસ્ટ્રા કામ કરાવે છે. એજન્સીઓ દ્વારા મહિનાના માત્ર 7800 રૂપિયાના પગારમાં કામ કરાવવામાં આવે છે. તેમાં પણ નાઈટ ડ્યૂટી સહિતની અનેક વધારાની જવાબદારીઓ સોંપી શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વિરોધ કરવા પર નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારીમાં જીવના જોખમે કામ કરતા હોય સરકારે ત્વરિત અમારી માંગણીઓ પુરી કરવામાં આવે તેવી માંગ કરી છે.

'પુરો પગાર નહીં કામ નહીં'ના બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો
'પુરો પગાર નહીં કામ નહીં'ના બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

વિરોધ કરી રહેલા કર્મચારીઓની અટકાયત
સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે તેવી સંભાવના છે. હાલ તો પોલીસે વિરોધ કરી રહેલા સફાઈ કર્મીઓની અટકાયત કરી છે અને હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.