ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત વિશેષ ખર્ચ નિરીક્ષક બી. મુરલીકુમારના અધ્યક્ષસ્થાને તથા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની ઉપસ્થિતિમાં આજે રાજ્યના તમામ ખર્ચ નિરીક્ષકોની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં પોલીસની કામગીરી રજૂ કરાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લામાં ચાલતી ચેકીંગ ડ્રાઈવમાં એક કરોડથી વધુનું સોનું, 48.5 કિલો ગાંજો અને 30 લાખનો દારૂ જપ્ત કરાયો હતો તેની વિગતો રજૂ કરાઈ હતી.
એક કરોડથી વધુની રકમનું સોનું જપ્ત
જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ જિલ્લામાં 8 વિધાનસભા વિસ્તારોમાં કરાયેલી કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 22 અને શહેરમાં 11 મળીને 33 પોલીસનાકા કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત ફલાઈંગ સ્કવોડ પણ સતત તહેનાત છે. તંત્ર દ્વારા એક કરોડથી વધુની રકમનું સોનું જપ્ત કરાયું છે, જે અંગે હાલ ઈન્કમટેકસની ટીમ તપાસ કરી રહી છે.
બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર નજર
જ્યારે એસ.ઓ.જી. દ્વારા 48.5 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. શહેર તથા ગ્રામ્યમાંથી આશરે 30.40 લાખની રકમનો દારૂ જપ્ત કરાયો છે. અત્યારસુધીમાં 43 બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ધ્યાનમાં આવ્યા છે, જેના પર ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ તપાસ થઈ રહી છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં નાકાઓ પર ટીમ સક્રિય છે તેમજ એરપોર્ટ પર સામાનનું ચેકીંગ પણ કરાઈ રહ્યું છે, સાથે ઇન્કમટેક્સની ટીમ મૂકવામાં આવી છે. જ્યારે રેલવે સ્ટેશન પર પણ 03 સ્કેનર મૂકવામાં આવ્યા છે. સી વિજીલ એપ દ્વારા આચાર સંહિતાને લગતી ફરિયાદના થતાં તત્કાળ નિકાલની વિગતો પણ તેમણે રજૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.