ભાસ્કર વિશેષ:એઈમ્સમાં 8300થી વધુ લોકોએ કરાવ્યું નિદાન ટેલિમેડિસિનમાં એક મહિનામાં 46 ટકા કેસ વધ્યા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોગ્ય કેન્દ્રના તબીબોએ એઈમ્સના નિષ્ણાતો પાસેથી બે મહિનામાં લીધી 3239 સલાહ!

રાજકોટમાં એઈમ્સ કાર્યરત થઈ ગયું છે જોકે હજુ તેમાં ઓપીડી સેવા ચાલી રહી છે પણ તેના એક્સપર્ટનો લાભ ખૂણે ખૂણાને મળી રહ્યો છે કારણ કે ઈ-સંજીવની અંતર્ગત રાજકોટના ગામેગામ અને તાલુકાની હોસ્પિટલ સહિત કુલ 272 આરોગ્ય કેન્દ્ર લાભ લઈ રહ્યા છે.

એઈમ્સ રાજકોટના ડિરેક્ટર ડો. સીડીએસ કટોચના જણાવ્યા અનુસાર એઈમ્સમાં ઓપીડી સેવા ડિસેમ્બરના અંતમાં શરૂ કરી દેવાઈ હતી. 13 ફેબ્રુઆરીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એઈમ્સની મુલાકાત લીધી હતી અને ત્યારે એઈમ્સમાં ટેલિમેડિસિન સેવાઓ ઈ-સંજીવની ઓપીડી મારફત ચાલુ કરવા સૂચન કર્યું હતું જેમાં પહેલા ફેઝમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય, બીજા ફેઝમાં સૌરાષ્ટ્ર અને ત્રીજા ફેઝમાં સમગ્ર ગુજરાતને આવરી લેવાની સલાહ આપી હતી. જેને લઈને પ્રથમ ફેઝ માટે આયોજન કરાયું અને 24 ફેબ્રુઆરીથી જ ઈ-સંજીવની ઓપીડી શરૂ કરાઈ હતી.

આ માટે રાજકોટની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ ઉપરાંત શહેરના આરોગ્ય કેન્દ્ર સહિત કુલ 272 સેન્ટર આવરી લઈ તમામ સ્થળે માર્ગદર્શન આપી 12 સ્પેશિયાલિટી સેવાઓ માટે તમામ સ્થળે બ્રોશર અપાયા છે તેમજ એઈમ્સના તબીબોએ ત્યાં જઈને સ્ટાફને માર્ગદર્શન પણ આપ્યું છે આ કારણે ટેલિમેડિસિનના કોલમાં માત્ર એક મહિનામાં 46 ટકા ઉછાળો આવ્યો છે.

એપ્રિલ માસમાં 1312 તબીબે ઈ-સંજીવનીમાં ફોન કરીને એઈમ્સના નિષ્ણાતો પાસેથી કન્સલ્ટેશન લઈ દર્દીઓની સારવાર કરી હતી જે મે મહિનામાં સંખ્યા 1927 થઈ હતી. આ ઉપરાંત ઈ-સંજીવનીમાં દર્દીઓ પણ ફોન કરતા હોય છે તે દર્દીઓની સંખ્યા એપ્રિલમાં 1056 હતી જે વધીને મે માસમાં 1471 થઈ છે. 3398 તબીબી સલાહ અને 2368 દર્દીને સલાહ સહિત 5766ના નિદાનમાં એઈમ્સની ભૂમિકા રહી છે આ ઉપરાંત છ જ મહિનામાં એઈમ્સ સુધી નિદાન માટે 8300થી વધુ દર્દીઓ આવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...