મુસાફરોનો ધસારો વધ્યો:રાજકોટમાં ઉનાળું વેકેશન દરમિયાન એરપોર્ટ પર એક માસમાં 71 હજારથી વધુ મુસાફરોએ પરિવહનનો લાભ લીધો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • માર્ચમાં 62264 અને એપ્રિલમાં 63664 મુસાફરો નોંધાયા હતા જેની સામે મે મહિનામાં દસ હજારનો વધારો

ચાલુ વર્ષે કોરોનાએ વિરામ લેતા લોકો હાશકારો અનુભવી રહ્યા છે. આ વર્ષે કોરોના વગરનું ઉનાળું વેકેશન આવતા રાજકોટવાસીઓ મન ભરીને માણ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ એરપોર્ટ ઉપર મુસાફરોની અવર-જવરના નોંધાયેલા આંકડા પણ આ વાતની ગવાહી પૂરી રહ્યા હોય તેવી રીતે મે મહિના દરમિયાન રાજકોટ એરપોર્ટ પર 71373 મુસાફરોની અવર-જવર થઈ હોવાનું જાણવા સામે આવ્યું છે.

આ શહેરો માટે ફ્લાઈટે ઉડાન ભરી
રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ, દિલ્હી, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોર સહિતના શહેરો માટે ફ્લાઈટ ઉડાન ભરી રહી છે અને આ શહેરોની ફ્લાઈટ રાજકોટમાં લેન્ડ થઈ રહી છે ત્યારે મે મહિનામાં આ શહેરોમાંથી મે મહિના દરમિયાન 71373 મુસાફરો આવ્યા તેમજ ગયા હોવાનું એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ એપ્રિલ મહિનામાં એરપોર્ટ પર 63664 અને માર્ચ મહિનામાં 62264 મુસાફરોની અવર-જવર નોંધાયાનું બહાર આવ્યું છે.

890 મુસાફરોએ રાજકોટથી ઉડાન ભરી
બીજી બાજુ વેકેશન પૂર્ણ થયા બાદ પણ એરપોર્ટ ઉપર ટ્રાફિકનો ધસારો અવિતર રહ્યો હોય તેવી રીતે છેલ્લા બે દિવસની અંદર 3705 મુસાફરો આવ્યા તેમજ ગયા છે. ગઈકાલે રાજકોટ એરપોર્ટ પર 987 મુસાફરો ઉતર્યા હતા તો 830 મુસાફરોએ અહીંથી ઉડાન ભરી હતી. આવી જ રીતે પરમ દિવસે 998 મુસાફરો આવ્યા હતા તો 890 મુસાફરોએ રાજકોટથી ઉડાન ભરી હતી.

એરલાઈન્સ દ્વારા ફ્લાઈટમાં વધારો કરાયો
રાજકોટની ‘તાસીર’ રહેવા પામી છે કે વેકેશન હોય એટલે વાલીઓ પોતાના બાળકોને લઇ બહારગામની ફરવા અવશ્ય લઈ જ જતાં હોય છે. બીજી બાજુ રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટની સેવા સુગમ બની જતાં લોકો ફ્લાઈટમાં જવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં રાખી એરલાઈન્સ દ્વારા પણ અહીં ફ્લાઈટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજકોટથી મુંબઈ અને દિલ્હી જવા માટે ધસારો રહ્યો હોવાનું પણ એરપોર્ટ સૂત્રો જણાવી રહ્યા છે.

ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ ઉપર હવે એપ્રન (વિમાન પાર્કિંગ)ની સંખ્યા વધારીને ચાર કરવામાં આવી હોવાથી હવે એક સાથે ચાર ફ્લાઈટ અહીં પાર્ક થઈ શકે તેવી ક્ષમતા થઈ જતાં આવનારા દિવસોમાં અન્ય શહેરોની ફ્લાઈટ પણ રાજકોટને મળનાર હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થશે તે વાતને નકારી શકાય તેમ નથી.