મુશ્કેલી:70 હજારથી વધુ કરદાતા હજુ રિટર્ન ફાઈલ નથી કરી શક્યા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોર્ટલ ચાલતું નહિ હોવાની ફરિયાદ : રિટર્ન ફાઈલ માટે બે જ દિવસ બાકી, TDS માટે પણ મુશ્કેલી

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાને આડે હવે બે દિવસ બાકી છે, પરંતુ પોર્ટલ નહિ ચાલતા રાજકોટના હજુ 70 હજારથી વધુ કરદાતાઓ રિટર્ન ફાઈલ નથી કરી શક્યા. ટીડીએસ સહિતના અપડેશન નહિ મળતા કરદાતાઓને વધુ મુશ્કેલી પડી રહી છે. કરદાતાઓ સમયસર રિટર્ન ફાઈલ કરી શકે તે માટે રાજકોટ ચેમ્બર અને ગ્રેટર ચેમ્બરે મુદત વધારી દેવા માટે રજૂઆત પણ કરી છે.

ટેક્સ કન્સલ્ટન્ટ દીપક સેતાના જણાવ્યાનુસાર રિટર્ન ફાઈલિંગની કામગીરીને કારણે સામાન્ય દિવસો કરતા કામકાજ વધુ પડતું છે. તેમજ એક રિટર્ન ફાઈલિંગમાં 10 મિનિટથી લઇને 3 કલાક સુધીનો સમય લાગે છે. જે ફોર્મમાં શેરબજાર અને મિલકતના રોકાણ તેમજ રોકડ વ્યવહારની માહિતી રજૂ કરવાની છે તેના અપડેશન માટેના ફોર્મ મોડા મળ્યા છે.

પોર્ટલ પણ ધીમે-ધીમે કામ કરી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં તો કલાકો સુધી નેટવર્ક ચાલતું નહિ હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને મુદત વધારવામાં આવે તે જરૂરી બન્યું છે. વધુમાં ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યાનુસાર સર્વર પર ભારે ધસારો હોવાને કારણે સર્વર બંધ થઇ જાય છે. તેમજ એકસાથે રિટર્ન ફાઇલ થતા હોવાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ ડાઉન થઇ જાય છે. મુદત ઓછામાં ઓછી એક મહિના સુધી વધારવા માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...