માર્ચ મહિનાથી સતત વધતા અને એપ્રિલ અને મે માસની શરૂઆતમાં ટોચ પર પહોંચેલા કોરોનામાં અંતે રાજકોટને રાહત મળી છે. છેલ્લા એક સપ્તાહથી સ્થિતિ તંત્રના નિયંત્રણ હેઠળ આવી ગઈ છે. છેલ્લા એક માસમાં જ શહેરમાં 48% જેમાં પણ છેલ્લા 12 દિવસમાં જ 40% બેડ ખાલી થયા છે. ઓક્સિજન, રેમડેસિવિર, હોસ્પિટલ બેડ પરનું ભારણ નોંધપાત્ર ઘટી ગયું છે. દરમિયાન ગઇકાલથી યુવાનોનું ફરી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.
આજે માત્ર 33% ભરેલા છે
ગત તારીખ 19 એપ્રિલથી 23 એપ્રિલ સુધીના સમયમાં રોજ 600થી વધુ કેસો નોંધાતા હતા અને તારીખ 20ના રોજ રેકોર્ડબ્રેક 764 કેસ નોંધાયા હતા. જેની સામે છેલ્લા 2 દિવસથી શહેરમાં 200થી પણ ઓછા કેસ નોંધાય રહ્યાં છે. રાહતની વાત એ છે કે શહેરમાં 19 એપ્રિલના રોજ 81% બેડ ભરેલ હતા. ત્યારબાદ 6 મેના રોજ પણ 72% બેડ ભરેલા હતા તે આજે ઘટીને માત્ર 33% ભરેલા છે. અર્થાત હાલ સ્થિતિ કાબૂમાં આવતા 67% બેડ ખાલી છે.
નવા આયોજનના ભાગરૂપે સમરસ હોસ્ટેલને મ્યુકરમાઈકોસિસની સારવાર માટે જાહેર કરાશે
હાલ કોરોના મુદ્દે રાજકોટમાં ચિંતાજનક વાત માત્ર મ્યુકરમાઈકોસિસ જેવી સાઈડ ઈફેક્ટની છે. તેના કેસો હજુ ઘટતા નથી. પરંતુ, લોહીના ગઠ્ઠા જામી જવાથી હાર્ટ એટેકથી, ફેફસાંમાં ઈન્ફેક્શન વગેરેથી જે મૃત્યુ થતા તેનું પ્રમાણ ખાસ્સું ઘટ્યું છે. મે મહિના પ્રારંભમાં આશરે 70 લોકોના મૃત્યુ થતા જે હવે સતત ઘટતા આજે 19 અને ગઈકાલે 21 નોંધાયા હતા. હાલ નવા આયોજનના ભાગરૂપે સમરસ હોસ્ટેલને મ્યુકરમાઈકોસિસની સારવાર માટે જાહેર કરાશે. સમરસ હોસ્ટેલ કોરોનાની સારવાર માટે મહત્વનું કેન્દ્ર સાબિત થયું હતું ત્યાં 1000 બેડની ક્ષમતા છે જોકે હવે દર્દીઓ ઘટતા ત્યાં 100 જ સારવાર હેઠળ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.