• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • More Than 5000 Products Are Manufactured In 50 Regional Industries, Foreign Company Owners Visit The Industries, Rajkot Industries Grow 10 Times Faster Than The World.

ઉદ્યોગની શરૂઆત:50 ક્ષેત્રના ઉદ્યોગોમાં 5000થી વધુ પ્રોડક્ટ બને છે, વિદેશની કંપનીના માલિકો ઉદ્યોગોની મુલાકાતે આવે છે, વિશ્વની સરખામણીએ રાજકોટના ઉદ્યોગો 10 ગણા ઝડપથી વિકસે છે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં ઘરે બેઠા-બેઠા પણ રાજકોટના ઉદ્યોગકારોએ ધંધામાં સુધારો વધારો કર્યો, વિદેશમાં પણ રાજકોટના ઉદ્યોગનું મોડેલ અપનાવાય છે

રાજકોટનો ઉદ્યોગ એ આઝાદીના વખતનો છે. અહીં ઉદ્યોગની શરૂઆત ડીઝલ એન્જિન ઉદ્યોગથી થઇ હતી. એ સમયે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર હતું. જેને કારણે ખેડૂતો જરૂરી સાધનો ખરીદવા માટે આવતા હતા. આ સમયમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ સાહસ કરીને અહીં આ પ્રકારના ડીઝલ એન્જિન બનાવવાનું શરૂ કર્યું અને આ સાથે જ ડીઝલ એન્જિન ઉદ્યોગના શ્રીગણેશ થયા. ત્યારબાદ મશીન ટુલ્સ ઉદ્યોગની શરૂઆત થઇ. અત્યારે 50થી વધુ ક્ષેત્રના ઉદ્યોગો આવેલા છે કે જેમાં 5 હજારથી વધુ પ્રોડક્ટ બને છે.

વિદેશની કંપનીના માલિકો અહીંના ઉદ્યોગની મુલાકાત માટે આવે છે. અને અહીં પોતાની કંપની શરૂ કરે છે તો વિદેશમાં પણ રાજકોટના ઉદ્યોગનું મોડલ લાગુ કરે છે. અહીં દરેક પ્રકારના ઉદ્યોગો આવેલા છે અને બધા પ્રકારની સુવિધા હોવાને કારણે અન્ય શહેર- દેશ કરતા ઉદ્યોગો 10 ગણા ઝડપથી વૃદ્ધિ પામી શકે છે. રાજકોટ ઓટોમોબાઈલનું હબ છે. અહીં તમામ પ્રકારના સાધનો બને છે. આખા વિશ્વમાં એક માત્ર રાજકોટ એવું શહેર છે કે જેને આંતરરાષ્ટ્રીય ઓટો એક્સ્પોમાં પોતાનું પેવેલિયન મળે છે. ગત વખતે 200 મીટરનું પેવેલિયન મળ્યું હતું.

જ્યારે હવે જાન્યુઆરીમાં જે એક્સ્પો થવાનો છે તેમાં 500 મીટરનું પેવેલિયન મળશે. આ સિવાય ભક્તિનગર ઈન્ડસ્ટ્રીઝ એરિયા એ આખા દેશની પ્રથમ જીઆઈડીસી છે. અત્યારે શાપર-વેરાવળ, મેટોડા, વાવડી, કુવાડવા, હડમતાળા, લોઠડા- પડવલા, આજી જીઆઈડીસી સહિત કુલ 15થી વધુ ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે.

લોકાડાઉનમાં જ્યારે બધા વેપાર-ઉદ્યોગ બંધ હતા ત્યારે અહીંના ઉદ્યોગકારોએ હાથ પર હાથ મૂકીને બેસી રહેવાને બદલે ભવિષ્યનું પ્લાનિંગ કર્યું, વેપાર ઉદ્યોગમાં નવીનીકરણ લાવ્યા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યું જેથી કપરા કાળમાં પણ સૌથી ઝડપથી આત્મનિર્ભર બની શક્યા. રાજકોટના ઉદ્યોગકારો દરેક પ્રકારની વસ્તુ ઓછા બજેટમાં, સારી ગુણવત્તાવાળી બનાવી શકવાની કોઠાસૂઝ ધરાવે છે. તેમજ સાહસ ઉઠાવવાની વધુ ક્ષમતા અને તૈયારી રાખે છે. જેને કારણે અહીં સૌથી વધુ ઉદ્યોગો આવેલા છે. તેમ રાજકોટ એન્જિનિયરિંગ એસો.ના સેક્રેટરી નરેન્દ્ર પાંચાણી જણાવે છે.

ડિફેન્સ ઉદ્યોગ
જે દેશમાં- કંપનીને પાર્ટસ પૂરા પાડવા માટે સક્ષમ

રાજકોટનો ડિફેન્સ ઉદ્યોગ આખા દેશમાં કંપનીને પાર્ટસ પૂરા પાડવા માટે સક્ષમ છે. આ ઉદ્યોગ બહુ જૂનો છે. શરૂઆતમાં બોંબ સેલના પાર્ટસ બનતા હતા. ભૂતકાળમાં મંગળયાનના પાર્ટસ પણ બની ચૂક્યા છે. જ્યારે ભવિષ્યમાં હવે આ ઉદ્યોગ રાફેલના પાર્ટસ બનાવવા માટે પણ સક્ષમ છે. શરૂઆતમાં સાધનો આયાત કરવા પડતા હતા જ્યારે અત્યારે રાજકોટ આખા દેશને સાધનોની સપ્લાય કરી શકે તે માટે સક્ષમ છે.
સંરક્ષણની વિવિધ જરૂરિયાત પૂરી કરવા માટે રાજકોટ સિવાય જબલપુર, અંબરનાથ અને કાનપુરમાં ડિફેન્સની ફેક્ટરી આવેલી છે. આમા મોટાભાગની ફેક્ટરીમાં રાજકોટના ઉદ્યોગકારો કાચો માલ સપ્લાય કરે છે. હાલ ડિફેન્સના સાધનો બનાવતા હોય એવા એકમોની સંખ્યા અંદાજિત 100થી વધુ છે.

મશીન ટુલ્સ ઉદ્યોગ
સ્પેશિયલ પર્પઝ મશીન રાજકોટની ખાસિયત છે

રાજકોટનો મશીન ટુલ્સ ઉદ્યોગ એ આઝાદીના વખતનો છે. રાજકોટમાં સીએનસી મશીન, એનસી મશીન, લેથ મશીન, ડ્રીલ મશીન, ગ્રાઈન્ડિંગ મશીન, શીપરિંગ, પ્રેસબેક, શોપિંગ, પ્લાનિંગ, હેક્સો, વેલ્ડિંગ સહિતના અસંખ્ય મશીન બને છે. પરંતુ આ બધામાં સ્પેશિયલ પર્પઝ મશીન બનાવવામાં રાજકોટની મોનોપોલી છે. રાજકોટમાં બનતા મશીનની ગુણવત્તાની સરખામણીએ જર્મની- જાપાનમાં બનતું મશીન પણ ટૂંકું પડે. ધીમે- ધીમે ટેક્નોલોજીનો વપરાશ વધી રહ્યો છે. સ્પેશિયલ પર્પઝ મશીન એ રાજકોટની ખાસિયત છે. આ ઉદ્યોગ પર વિશ્વના બીજા દેશના લોકો આધારિત છે.

એગ્રિકલ્ચર વિભાગ
એગ્રિકલ્ચરના સાધનો વિદેશમાં પણ વપરાય છે
રાજકોટમાં જે એગ્રિકલ્ચરના સાધનો બને છે તે યુરોપ, અમેરિકા અને આફ્રિકામાં પણ વપરાય છે. નાના ખેડૂતોને પરવડી શકે તેવી કિંમતના સાધનો રાજકોટના ઉદ્યોગપતિ બનાવી શકે છે. આ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ હવે ટ્રાન્સ પ્લાન્ટરના સાધનો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. ટ્રાન્સ પ્લાન્ટર સિસ્ટમ એટલે એક છોડ હોય જે જગ્યાએ વાવેલો હોય તેને મૂળ સાથે ઉપાડીને બીજી જગ્યાએ વાવેતર કરવું.

હાર્ડવેર ઉદ્યોગ
અહીં બનતી પ્રોડક્ટ વિદેશના એરપોર્ટમાં વપરાય છે

રાજકોટનો હાર્ડવેર ઉદ્યોગએ અંદાજિત 20 વર્ષ જૂનો છે. કોરોના પછી આ ક્ષેત્રમાં રિસર્ચ વધ્યું છે. આ ક્ષેત્રમાં જે ચીજવસ્તુ બને છે. એના થકી મહિલાઓને અને યુવાનોને ઘેરબેઠાં પણ રોજીરોટી મળી રહી છે. જેને કારણે ગૃહઉદ્યોગનો પણ વિકાસ થયો છે. અહીં જે પ્રોડક્ટ બને છે તેનો ઉપયોગ દેશ-વિદેશના એરપોર્ટ અને રેલવેમાં થાય છે. આ ઉપરાંત વ્યાપાર- ઉદ્યોગમાં પણ વપરાય છે. કોરોના પછી આ ઉદ્યોગએ ચાઈનાને પણ હંફાવ્યું છે.

દેશની 30% જરૂરિયાત પૂરી પાડે છે
સૌરાષ્ટ્રની કુલ રોજગારીમાં પ્લાસ્ટિક ઉદ્યોગનો 10 ટકા હિસ્સો, પેકેજિંગમાં એક્સપોર્ટ સૌથી વધુ
સૌરાષ્ટ્રમાં જેટલી રોજગારી છે તેમાં 10 ટકા હિસ્સો પ્લાસ્ટિક ઉદ્યોગનો છે. આ સિવાય રાજકોટ પ્લાસ્ટિક ઉદ્યોગ ભારતના એગ્રિકલ્ચર પાઈપની લગભગ 30 ટકા જરૂરિયાત પૂર્ણ કરે છે. તે ઉપરાંત દુનિયાની પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ નિકાસમાં મોટો હિસ્સો ધરાવે છે. 1990-1995માં આ ઉદ્યોગની શરૂઆત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...