ભાસ્કર એક્સક્લુઝિવ:સૌરાષ્ટ્રની 4500થી વધુ શાળાએ ફી વધારો માંગ્યો!

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારણો આપ્યા કે કોરોનામાં 2 વર્ષથી ફી નથી વધારી, શિક્ષકોના પગાર વધારવા છે, મહામારીમાં અનેક વાલીઓએ ફી નથી

કોરોના મહામારી દરમિયાન છેલ્લા બે વર્ષથી શાળાઓને ફી વધારો મળ્યો નહીં હોવાથી હવે જયારે પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 10 જિલ્લાની 4500થી વધુ શાળાઓએ એફઆરસી સમક્ષ ફી વધારાની માંગણી કરી છે. શાળા સંચાલકોએ ફી વધારાની માંગણી સાથે કારણો પણ રજૂ કરવાના હોય છે જેમાં મોટાભાગના શાળા સંચાલકોએ ફી વધારો કરવાનાં કારણો આપ્યા છે કે બે વર્ષથી કોરોનામાં ફી વધારો કરી શક્યા નથી, બે વર્ષથી શિક્ષકોને પણ પગાર વધારો મળ્યો નથી તેથી હવે શિક્ષકોનો પણ પગાર વધારવો છે.

આ ઉપરાંત મહામારીના વર્ષમાં સરકારે 25% ફીમાં રાહત આપી હતી તેના લીધે પણ નુકસાન થયું છે. અનેક વાલીઓ એવા છે જેમણે કોરોના મહામારી દરમિયાન કોઈએ 6 મહિનાની તો કોઈએ બે-બે વર્ષથી ફી નથી ભરી જેના કારણે શાળાને સૌથી વધુ નુકસાન થયું છે. આવા તમામ કારણો રજૂ કરીને સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 4500થી વધુ શાળાઓએ એફઆરસીમાં ફી વધારા માટે દરખાસ્ત કરી છે.

સૌરાષ્ટ્રની 200થી વધુ શાળાઓએ તો 10%થી વધુનો ફી વધારો માંગ્યો છે. જો કે એફઆરસી આગામી જુલાઈ માસ સુધીમાં સૌરાષ્ટ્રની દરેક સ્કૂલની ફી નિર્ધારિત કરી દેશે તેવું જણાવ્યું છે. ફી રેગ્યુલેશન કમિટી હાલ જે શાળાઓની ફી વધારા માટેની દરખાસ્ત આવી છે તેની ચકાસણી કરી રહી છે.

ફી વધારો માગનાર સૌરાષ્ટ્રની 4500 સ્કૂલમાંથી 33% રાજકોટની
સૌરાષ્ટ્રના 10 જિલ્લાની 4500થી વધુ ખાનગી શાળાઓએ આ વર્ષે ફી વધારો માગ્યો છે જેમાં 33% શાળાઓ માત્ર રાજકોટ જિલ્લાની હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદરનો સમાવેશ થાય છે. રાજકોટ એફઆરસી ઝોનમાં બોટાદ અને કચ્છની શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...