રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 10 જિલ્લાની 4500થી વધુ શાળાઓએ FRC સમક્ષ ફી વધારાની માંગણી કરી છે. મોટાભાગના શાળા સંચાલકોએ બે વર્ષથી કોરોનામાં ફી વધારો કરી શક્યા નથી, બે વર્ષથી શિક્ષકોને પણ પગાર વધારો મળ્યો નથી તેથી હવે શિક્ષકોનો પણ પગાર વધારવો છે.
મહામારીના વર્ષમાં સરકારે 25% ફીમાં રાહત આપી હતી તેના લીધે પણ નુકસાન થયું છે. અનેક વાલીઓએ 6 મહિનાની તો કોઈએ બે-બે વર્ષથી ફી નથી ભરી જેના કારણે શાળાને સૌથી વધુ નુકસાન થયું છે. આવા કારણો રજૂ કર્યા છે. સૌરાષ્ટ્રની 200થી વધુ શાળાઓએ તો 10%થી વધુનો ફી વધારો માંગ્યો છે. જોકે FRC આગામી જુલાઈ માસ સુધીમાં સૌરાષ્ટ્રની દરેક સ્કૂલની ફી નિર્ધારિત કરી દેશે તેવું જણાવ્યું છે.
ફી વધારો માગનાર સૌરાષ્ટ્રની 4500 સ્કૂલમાંથી 33% રાજકોટની
સૌરાષ્ટ્રના 10 જિલ્લાની 4500થી વધુ ખાનગી શાળાઓએ આ વર્ષે ફી વધારો માગ્યો છે જેમાં 33% શાળાઓ માત્ર રાજકોટ જિલ્લાની હોવાનું જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદરનો સમાવેશ થાય છે. રાજકોટ એફઆરસી ઝોનમાં બોટાદ અને કચ્છની શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
પ્રાથમિકમાં 15, માધ્યમિકમાં 25, ઉચ્ચત્તર માધ્યમિકમાં 30 હજાર ફીનો સ્લેબ
FRCનો કાયદો 2017માં આવ્યા બાદ સરકારે ફીના ત્રણ સ્લેબ નક્કી કર્યા છે જેમાં પ્રાથમિક શાળાઓની ફી 15,000, માધ્યમિકની ફી 25,000, ઉચ્ચત્તર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ)ની ફી 30,000 નિર્ધારિત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.