આયોજન:300થી વધુ શાળાઓમાં દોડ સ્પર્ધા યોજવા આદેશ, પરંતુ 70% સ્કૂલોમાં મેદાન જ નથી!

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 ઓગસ્ટ સુધી 100 મીટર દોડનું આયોજન કરવા પરિપત્ર : મેદાન શોધવા આચાર્યોની દોડધામ
  • પ્રથમ આવનાર વિદ્યાર્થીને 15 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સન્માનિત કરાશે

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાજ્યભરમાં જુદા જુદા દેશભક્તિ અને અન્ય જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં 100 મીટર દોડ સ્પર્ધાનું આયોજન કરવા પરિપત્ર કરી આદેશ આપવામાં આવ્યો છે. તારીખ 4થી 10 ઓગસ્ટ દરમિયાન દરેક શાળાઓએ પોતાની શાળામાં સ્પર્ધાનું આયોજન કરવા આદેશ અપાયા છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે રાજકોટ જિલ્લામાં 300થી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે તેમાંથી 70%થી વધુ શાળાઓમાં રમત-ગમતના મેદાન જ નથી.

મેદાન વિના સ્પર્ધા કેવી રીતે અને ક્યાં યોજવી તેને લઈને શાળાના આચાર્યો અને શિક્ષકોમાં દોડધામ મચી છે. રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી કચેરી દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે દોડનું આયોજન હાથ ધરાયું છે જેમાં 100 મીટર દોડ સ્પર્ધાનું આયોજન કરવા જણાવ્યું છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે જુદુ જુદુ આયોજન કરવા આદેશ અપાયો છે.

જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીને 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરાશે. ઉપલેટા, ધોરાજી, ગોંડલ, જેતપુર, જામકંડોરણા, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ તાલુકો, જસદણ, વીંછિયામાં 8 ઓગસ્ટે 100 મીટર દોડ સ્પર્ધા યોજાશે. 15મી ઓગસ્ટના અનુસંધાને રાજ્યભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે શાળાઓમાં પણ જુદા-જુદા કાર્યક્રમો યોજવા સૂચના અપાઇ છે.

છેલ્લા ઘણાં સમયથી રાજકોટ ઉપરાંત રાજ્યની મોટાભાગની શાળાઓમાં મેદાનની સુવિધા નથી. તેમ છતાં 100 મીટર દોડની સ્પર્ધા યોજવા પરિપત્ર કરવામાં આવતા રાજકોટ જિલ્લાની સ્કૂલોના આચાર્યો આસપાસ મેદાન શોધવા દોડધામ કરવા લાગ્યા છે. કેટલીક શાળાઓએ પોતાની સ્કૂલથી નજીકની મેદાન ધરાવતી અન્ય શાળાઓમાં પણ સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત શાળાઓમાં મેદાનના અભાવે કોલેજોના મેદાનમાં સ્પર્ધા યોજાશે.

પ્રથમ વિદ્યાર્થી શાળામાંથી ઝોનમાં અને ત્યાંથી જિલ્લાકક્ષાએ રમશે
શાળા કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજેતા થયેલ પ્રથમ વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. ઝોન કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજેતા થયેલ પ્રથમ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ અલગ અલગ સ્પર્ધા યોજવા જણાવાયું છે.

સ્કૂલમાં ન હોય તો નજીકના મેદાનમાં 100 મીટર દોડની સ્પર્ધા યોજવા કહ્યું છે
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જે 100 મીટર દોડ સ્પર્ધા યોજવાનું આયોજન કરાયું છે એમાં જે સ્કૂલમાં પોતાનું મેદાન ન હોય તો તાલુકામાં નજીકમાં જ્યાં મેદાન હોય ત્યાં દોડની સ્પર્ધા યોજવા જણાવાયું છે. કેટલાક તાલુકામાં આખા તાલુકાની શાળાનું એક જ કોલેજના મેદાનમાં આયોજન કરાયું છે. - બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...