તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હે ઇશ્વર આ લાઇનનો અંત લાવો:રાજકોટ સિવિલ બહાર આજે 20થી વધુ એમ્બ્યુલન્સની લાઇન, ધોમધખતા તાપમાં એમ્બ્યુલન્સમાં જ સારવાર, દર્દીના જીવ સાથે રમત શરૂ?

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં ચિંતાજનક સ્થિતિનું
  • ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડના દરવાજા સુધી એમ્બ્યુલન્સની લાઇન પહોંચી
  • હવે વારો નહીં આવે તો દર્દીઓની પરિસ્થિતિ બગડે તેવી શક્યતા સેવાઇ

રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે સંક્રમણ વધતુ જાય છે અને રોજ પોઝિટિવ કેસની સંખ્યા 600ને પાર કરી જાય છે. ત્યારે આજે ફરી સિવિલ હોસ્પિટલ બહાર 20થી વધુ એમ્બ્યુલન્સની લાઇન લાગી જતા ચિંતાનો વિષય બન્યો છે. ધોમધખતા તાપમાં જ એમ્બ્યુલન્સની અંદર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ લાઇન ક્યારે ખતમ થશે તે એક મોટો સવાલ છે. તંત્રએ દર્દીના જીવ સાથે રમત શરૂ કરી કે શું તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યો છે.

2થી 3 કલાકનું વેઇટિંગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગી છે. એક એમ્બ્યુલન્સને 2થી 3 કલાકે અંદર જવા દેવામાં આવે છે. 108 અને ખાનગી એમ્બ્યુલન્સની લાઇનનું દ્રશ્ય લોકોમાં ભય ઉભો કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી ન હોવાથી ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા છે. બેડ વધ્યા છે તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ વારો કેમ આવતો નથી તેવો મણ એકનો સવાલ લોકોમાં થઇ રહ્યો છે.

ચૌધરી હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ ટૂંકુ પડ્યું.
ચૌધરી હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ ટૂંકુ પડ્યું.

શું દર્દીના જીવ સાથે રમત શરૂ થઇ
કોરોના મહામારીમાં દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા મળતી નથી. શું તંત્ર દ્વારા દર્દીના જીવ સાથે રમત શરૂ કરવામાં આવી છે તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો છે. સિવિલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની લાઇનથી ચૌધરી હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ પણ ટૂંકુ પડી રહ્યું છે. હાલ ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડના દરવાજા સુધી એમ્બ્યુલન્સની લાઇન પહોંચી ગઇ છે. સવારના 7 વાગ્યાના દર્દીઓ પોતાના વારાની રાહ જોઇ રહ્યાં છે. આથી એમ્બ્યુલન્સની અંદર જ સારવાર આપવામાં આવી રહી છે. હવે વારો નહીં આવે તો દર્દીઓની પરિસ્થિતિ બગડે તેવી શક્યતા સેવાઇ રહી છે.

દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાય છે.
દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાય છે.

તંત્રએ બે દી’માં 137 મોત જાહેર કર્યા, 4 સ્મશાનમાં 331ની અંતિમવિધિ થઇ
રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન થતા દર્દીઓના મોતનો આંક રાજ્યમાં સૌથી વધારે નોંધાયો છે. જોકે આ ફક્ત તંત્રએ જાહેર કર્યા છે. બે દિવસમાં 137નાં મોત થયાનું સરકારી ચોપડે બતાવાયું છે પણ ભાસ્કરે માત્ર કોવિડ પ્રોટોકોલથી અંતિમવિધિ થાય છે તે ચાર સ્મશાનમાં બે દિવસમાં આંક મેળવતા 331 મૃતદેહની અંતિમવિધિ કરાઈ હોવાનું સામે આવ્યું છે એટલે કે તંત્રના જાહેર કરેલા આંકથી ત્રણ ગણા મૃતદેહો સ્મશાન લઇ જવાયા હતા અને તંત્રની વધુ એક પોલ ખુલી હતી.

એમ્બ્યુલન્સની લાઇન ક્યારે બંધ થશે.
એમ્બ્યુલન્સની લાઇન ક્યારે બંધ થશે.

અંતિમક્રિયા કરતા કર્મચારીઓ પોઝિટિવ, બેડ પણ માંડ મળ્યા
રામનાથપરા સ્મશાન ગૃહમાં મૃતદેહોની અંતિમવિધિ કરતા કર્મચારીઓ પૈકી 4 કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. આ કારણે અંતિમવિધિ કરવા માટે ખાસ મોરબીથી માણસો બોલાવાયા હતા તે પણ જતા રહેતા મનપાએ સ્ટાફ ફાળવ્યો હતો પણ આ સ્ટાફને અંતિમવિધિ અનુકૂળ ન આવતા એક જ રાતમાં ચાલ્યા ગયા હતા જેથી નાયબ કમિશનર એ.આર. સિંઘ સ્મશાને પહોંચ્યા હતા અને ટ્રસ્ટી ગુણવંત ડેલાવાળા સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ અન્ય ત્રણ સ્મશાનમાં પણ કર્મચારીઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું છે એક કર્મચારીનું ઓક્સિજન ઘટતા સંચાલકોએ ભલામણ કરતા પણ બેડ ન મળતા સિવિલ હોસ્પિટલ મોકલવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...