ચૂંટણી:ગ્રામપંચાયતની ચૂંટણીમાં 150થી વધુ ચિહ્ન ફાળવાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે

ગ્રામપંચાયતની ચૂંટણીમાં 150થી વધુ ચિહ્નની ઉમેદવારોને ફાળવણી કરાઈ. જેમાં કચરાપેટીથી લઈને હાથ રેંકડી, કીટલીથી લઈ ટોફી ચોકલેટ સહિતના 150થી વધુ ચૂંટણી પ્રતીકો જાહેર કર્યા છે. આ ચૂંટણી પ્રતીકોમાંથી કેટલાંક વિશેષ ધ્યાનાકર્ષક પ્રતીકો છે, જેમા ગ્રામોફોન, સાઇકલ પંપ , બિસ્કિટ, ફળોની ટોપલી, ડિશ એન્ટેના, ડીઝલ પંપ , સીસીટીવી, ડોલી, મોતીનો હાર, ક્રેન, ભીંડો, કાતર, લાઈટર, રૂમ કૂલર, રૂમ હીટર, દૂરબીન, થાંભલો, ફુવારો, માચિસ, તવો, સીરિંજ, ખાવાની ભરેલી થાળી વગેરેનો સમાવેશ થાય છે.

ગામડાંઓમાં કૃષિકારો અને મજૂર વર્ગને આકર્ષવા કામ લાગી શકે એવાં મગફળી, હાથ રેંકડી, સૂપડું, કરવત, પાંઉરોટી, લીલું મરચું પણ આ લિસ્ટમાં સામેલ છે તો ગ્રામીણ અને ગરીબ વર્ગને જેની સાથે ઓછી નિસ્બત હોય એવાં એરકન્ડિશનર, બેબી વોકર, નૂડલ્સનો કટોરો, ટોફી, જેકફ્રૂટ, કમ્પ્યૂટર માઉસ પણ ઉમેદવારે પસંદ કર્યા હતા.

ક્યાંક વળી ફુગ્ગો, ટીવી રિમોટ, આદુ, ઝુલો, કચરાપેટી, રેઝર, પેટીવાજું, બંગડી, ચીપિયો, ચપ્પલની જોડી, બંગડી, સાઇકલનો પંપ (હવા ભરવાનો) જેવાં કેટલાંક પ્રતીકોનો યા તો પોતે બડાશ હાંકવા અથવા પ્રતિસ્પર્ધીની ફિરકી લેવા પણ ઉપયોગ થયા હોય તો નવાઈ નહીં. આ ઉપરાંત કીટલી (ચા) પણ છે અને ભડકતા ભાવને લઈને એવાં પેટ્રોલનું આઉટલેટ (પેટ્રોલપંપ) પણ છે.ચૂંટણી આડે હવે બે દિવસ બાકી રહ્યા છે તેથી આજે શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. એક દિવસ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર સામે ચૂંટણીપંચ પગલાં લેશે.

અન્ય સમાચારો પણ છે...