રશિયા- યુક્રેન યુદ્ધને કારણે સોનાના ભાવમાં સતત ઊથલપાથલ જોવા મળી રહી છે. સોમવારે ખૂલતી બજારે રૂ.650નો વધારો આવતા સોની બજારમાં જૂનું સોનું વેચવા માટે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. એક અંદાજ મુજબ સોમવારે બપોરે 12 થી લઇને રાત્રિના 8 સુધીમાં અંદાજિત 15 કિલોથી વધુ સોનું વેચાયું હતું. અંદાજિત 50 હજારથી વધુ લોકોએ પોતાની પાસે રહેલું 25 ગ્રામથી લઇને 1 કિલો સુધીનું સોનું વેચ્યું હતું. તેમ રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ સોની જણાવે છે.
હાલની પરિસ્થિતિને કારણે નવી ખરીદી અને એક્સપોર્ટ માટેના વેપાર અટકી જતા અંદાજિત 50 ટકાથી વધુ ટર્નઓવર ઠપ થયું હોવાનું અનુમાન છે.આ અંગે વધુ માહિતી આપતા સોની વેપારીઓ જણાવે છે કે, ભાવમાં વધઘટ થવાને કારણે ઈન્કવાયરી 5 ગણી વધી ગઈ છે. અગાઉ ખરીદેલું સોનું વેચવા માટે જે આવે છે તેમાં મધ્યમવર્ગીય પરિવારથી લઇને બુલિયન વ્યાપાર સાથે સંકળાયેલા હોય તેનો સમાવેશ થાય છે. વધુમાં વેપારીઓના જણાવ્યાનુસાર જૂનું સોનું વેચવા માટેનું પ્રમાણ વધી જતા એક તબક્કે કેશ લિક્વિડિટી ઘટી ગઈ હતી. જોકે અત્યાર સુધી સોનામાં હાઈએસ્ટ ભાવ રૂ.58 હજાર નોંધાયો છે. જે કોરોના બાદ સૌથી વધારે હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.