રાજ્યભરના તબીબી શિક્ષકોની 10 પડતર માંગણીને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગર ખાતે તબીબી શિક્ષકના હોદેદારો અને સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજકોટથી GMTA રાજકોટ પ્રમુખ ડો. કમલ ડોડીયા અને સેક્રેટરી ડો. ઉમેદ પટેલને બોલાવવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાત્રે સરકારે પડતર 10 માગણી સ્વીકારી હોવાનું કહેવામાં આવ્યું પરંતુ તબીબી શિક્ષકોનો સૂર છે કે, જ્યાં સુધી માગણીની સ્વીકૃતિ લેખિતમાં મળશે તો જ હડતાળ પૂર્ણ કરવામાં આવશે. રાજકોટમાં 140થી વધુ તબીબી શિક્ષકોએ મેડિકલ કોલેજમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.
રાજકોટની સિવિલમાં તમામ વિભાગની સેવા ચાલુ રહેશે
આજથી રાજકોટના મેડિકલ કોલેજ ખાતે હડતાળ શરૂ કરવામાં આવી છે અને હડતાળમાં 140થી વધુ તબીબી શિક્ષકો જોડાયા છે. બાકીના શિક્ષકો કોવિડ દર્દીઓની સારવારમાં રહ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ, એનેસ્થેસીયા, પીડિયાટ્રિક વિભાગ અને ખાસ હાલમાં કોવિડ બાદ વધતો મ્યુકરમાઈકોસિસ વિભાગની સેવા અવિરત ચાલુ રાખવામાં આવશે. જેથી દર્દીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય.
સરકાર આશ્વાસન આપે છે જે યોગ્ય નથી-તબીબી શિક્ષક
તબીબી શિક્ષક ડો. કલ્પેશે જણાવ્યું હતું કે, હાલ અમારા સેવાને લગતા પ઼તર પ્રશ્નો છે તેનું સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી. આથી અમે હડતાળ પર ઉતર્યા છીએ. એક વખત તબીબીની નિમણુક થયા બાદ તેનું પ્રમોશન થવું જોઇએ જે થઇ રહ્યું નથી. 2012માં અમે આ અંગે રજુઆત કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર અને તંત્ર દ્વારા અમારા યોગ્ય ઠરાવો થવા જોઇએ તે થઇ રહ્યાં નથી. માત્રને માત્ર આશ્વાસન આપવામાં આવે છે જે યોગ્ય નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.