ચૂંટણી પૂર્વે રાજકોટ કલેક્ટર એક્શનમાં:દિવ્યાંગ અને વૃદ્ધો ઘેરબેઠા મતદાન કરી શકે તેવી વ્યવસ્થા થશે,બેન્કમાં થતા રૂ.10 લાખથી વધુના ટ્રાન્સેક્શન પર બાજ નજર

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ જિલ્લા કલેકટર અરુણમહેશ બાબુ

રાજકોટમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ વહીવટી તંત્ર સતત એક્શન મોડમાં આવી ગયું છે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણમહેશ બાબુ દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી દરમિયાન કોઈ અઘટિત બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે તેમણે આજે નવા 7 જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર દિવ્યાંગો તેમજ વૃદ્ધો માટે ખાસ બુથ ઉભા કરવાની તથા ઘેરબેઠા મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.આ જાહેરનામામાં પોલિંગ બુથથી 100 મીટર વિસ્તારમાં અનઅધિકૃત રીતે લોકોએ એકઠા ન થવું. કોઈપણ મોબાઈલ કે ઇલેક્ટ્રિક ગેઝેટનો ઉપયોગ ન કરવો અને બુથ આસપાસ દારૂ સિગરેટ ગુટકા જેવી વસ્તુઓનાં વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ચૂંટણી લક્ષી બેઠકો યોજવામાં આવી
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુનાં જણાવ્યા મુજબ, હાલમાં વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં વિવિધ રાજકીય પક્ષના લોકો, બેન્ક અધિકારી, પોસ્ટ ઓફિસ, ઇન્કમટેક્સ, અને પ્રેસ મીડિયા સાથે ચૂંટણી લક્ષી બેઠકો યોજવામાં આવી રહી છે. બેંકોમાં થતા ટ્રાન્ઝેક્શન પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. અને 10 લાખથી વધુ અથવા બલ્કમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો તેનો રિપોર્ટ કરવા માટેની સૂચના બેઠકમાં આપવામાં આવી છે. સાથે ફ્લાઇંગ્સ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમની રચના કરી દેવામાં આવી છે. અને ચૂંટણીને લઈને કોઈપણ ગેરકાયદેસર પ્રક્રિયા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં પ્રચારાત્મક સામગ્રી હટાવવવામાં આવી.
રાજકોટમાં પ્રચારાત્મક સામગ્રી હટાવવવામાં આવી.

ફેક ન્યુઝ અટકાવવા ટીમની રચના
ફેક ન્યુઝ અટકાવવા માટે તેમણે જણાવ્યું હતું કે, આ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. મીડિયાને પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોઇ સમાચાર ખરાઈ કર્યા વિના નહીં ચલાવવા અપીલ તેમણે કરી છે. અને જ્યારે કોઈપણ મેસેજ સોશિયલ મીડિયામાં વધુ પડતો વાયરલ થાય ત્યારે તેની ખરાઈ કરવા આ ટીમનો સંપર્ક કરવા જણાવ્યું છે. ઉપરાંત કોઈ ખોટા સમાચાર પ્રસારિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ચેતવણી પણ તેમણે આપી હતી. આ સાથે દિવ્યાંગો તેમજ વૃદ્ધો માટે ખાસ બુથ ઉભા કરવા ઉપરાંત તેઓ ઘેરબેઠા મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે
ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એકસાથે પ્રવેશી શકશે. આ આદેશોનો અમલ 3 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે રાજકોટના શહેર, તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

રાજકોટ જિલ્લામાં સભા સરઘસ બંધી
રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુએ રાજકોટ શહેર, રાજકોટ તાલુકા તથા સમગ્ર જિલ્લા વિસ્તારમાં 10 ડિસેમ્બર સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઈ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સભા-સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે. તેમજ સભા-સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ઉમેરવાનો રહેશે. સરકારી અથવા અર્ધસરકારી નોકરી પર કે અન્ય સરકારી ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની નોંધણી કરાવવાની રહેશે
રાજકોટ જિલ્લા તથા શહેરમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણીનો પ્રચાર માટે વપરાતા કોઈ પણ પ્રકારના વાહનોની સબંધિત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી પાસે ફરજિયાતપણે નોંધણી કરાવવા રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આદેશો જારી કર્યા છે. આ મંજૂરી વાહનના વિન્ડસ્ક્રીન પર સ્પષ્ટ પણે દેખાઈ આવે એ રીતે લગાડવાની રહેશે. આ હુકમો 10 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. ઉપયોગમાં લેવામાં આવતા વાહનોનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણાવામાં આવશે. આ જાહેરનામાના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લામાંથી 3600થી વધુ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઈ
રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઇ છે, જેના અમલ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તત્કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નિર્દેશ મુજબ જિલ્લાના આઠેય વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા સમિતિ સક્રિય થઈ ગઈ છે. ચૂંટણી જાહેરાતના પ્રથમ દિવસે જ જિલ્લામાં સરકારી તથા ખાનગી ઈમારતો પરથી આશરે 3647 પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. આ કામગીરી હજુ આજે શુક્રવારે પણ ચાલુ રહેશે

અન્ય સમાચારો પણ છે...