કડક પાલન થશે:મંત્રી વિનોદ મોરડીયાએ નોન-વેજની લારીઓ હટાવો ઝુંબેશને લઇ રાજકોટના મેયરને અભિનંદન પાઠવ્યા, કહ્યું- ધાર્મિકસ્થળો પર આ પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયાની મુલાકાત. - Divya Bhaskar
રાજકોટમાં શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયાની મુલાકાત.
  • સરપંચથી લઇ સાંસદ સુધી તમામ પાટીદાર એવા નરેશ પટેલના નિવેદનને લઇ કહ્યું- આ તેનું વ્યક્તિગત નિવેદન છે

ગઇકાલે જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ સમારોહમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, સરપંચથી લઇ સાંસદ સુધી તમામ પાટીદાર હોવા જોઇએ. ત્યારે રાજકોટ આવેલા રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ તેના નિવેદનને લઇને કહ્યું હતું કે, આ નરેશ પટેલનું વ્યક્તિગત નિવેદન હશે, આ ભાજપ છે અને બધાને સાથે લઇને ચાલે છે. બીજી તરફ રાજકોટમાં નોન-વેજની લારીઓ હટાવો ઝુંબેશને લઇને મેયર ડો.પ્રદીપ ડવને અભિનંદન પાઠવ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ લોકો રજુઆતકરશે તો નોન-વેજની લારીઓ બંધ કરવામાં આવશે. ધાર્મિકસ્થળો પર આ પ્રકારની પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય.

વર્ષોથી લોકોની માગ રાજકોટના મેયર પુરી કરી રહ્યા છે
વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરોમાં હાલ લારીઓના દબાણ હટાવવામાં આવી રહ્યા છે. રસ્તાઓ ઉપરના ઢોરને પકડવાની ઝુંબેશ પણ ક્યારેય ન ચાલી હોય તેવી રાજકોટની અંદર ચાલી રહી છે. રાજકોટના મેયર અને મનપાની ટીમને આ બદલ અભિનંદન આપું છું. વર્ષોથી લોકોની માગ મેયર પુરી કરી રહ્યા છે. રાજકોટની અંદર જે વિસ્તાર વિકાસ પામી રહ્યો છે ત્યાં નવા નવા કામોની માગ છે. રામવન, રિવરફ્રન્ટ, તળાવનું ડેવલોપમેન્ટ સહિતના કામોની દરખાસ્ત મનપા કરશે તેને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપશે. નોન-વેજની લારીઓને લઇને ધાર્મિક સ્થળોની ફરિયાદ હશે તો તેને દૂર કરવા પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે.

વિનોદ મોરડિયાએ મીડિયા સાથે વાત કરી હતી.
વિનોદ મોરડિયાએ મીડિયા સાથે વાત કરી હતી.

લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ
વિનોદ મોરડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો ગુજરાતભરનો પ્રવાસ છે ત્યારે આજે હું રાજકોટ આવ્યો છું. મહાનગરો સાથે રિવ્યૂ બેઠક કરી હતી. તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વર્ષોથી રસ્તાનો પ્રશ્ન હતો તે 9.40 કરોડના રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્ય સરકારની નેમ છે કે, રાજ્યમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. આથી આ કામને વહેલી તકે આગળવધારી રહ્યા છીએ.

વાવડી ઔદ્યોગિક ઝોનમાં રૂ.9.40 કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત
રાજકોટના વાવડી ઔદ્યોગિક ઝોનમાં રૂ.9.40 કરોડના ખર્ચે વોર્ડ નં.12માં પાંચ પ્રોજેક્ટ હેઠળ રોડને પેવર કાર્પેટ કરવાના કામના ખાતમુહૂર્ત પ્રસંગે મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના હબ સમાન રાજકોટ શહેરના સમતોલીત વિકાસ સાથે ઔદ્યોગિક ઝોનમાં પણ જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં મહાનગરપાલિકા દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. મંત્રી વિનોદ મોરડિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે વાવડી ખાતે રસ્તાના કામનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી વિનોદ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. નવનિયુક્ત મંત્રી વિનોદ મોરડિયાએ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે આયોજીત આ બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાની સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં અધિકારીઓને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો વધુને વધુ લાભ મેળવી મહાનગરપાલિકાએ આંતરમાળખાકીય વિકાસને વેગ આપવાના મહત્તમ પ્રયત્નો કરવા જોઇએ.

મનપા કમિશનરે પ્રોજેક્ટની માહિતી આપી
સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રાજકોટ શહેરમાં આપવામાં આવતી જનસુવિધાની માહિતી પુરી પાડી હતી. અરોરાએ રાજકોટ શહેરમાં ઉપલબ્ધ ટી.પી. સ્કીમ, અમૃતમ યોજના હેઠળ પમ્પિંગ અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નળ સે જલ યોજના હેઠળ નળ કનેક્શન, પાણી વિતરણ વ્યવસ્થા, ગાર્બેજ કલેક્શન સુવિધા, એનિમલ હોસ્ટેલ્સ, રેન બસેરા, અર્બન ફોરેસ્ટ રામ વન, આજી રિવર ફ્રન્ટ, સમ્રાટ સિટી સહિતના પ્રોજેક્ટ્સની હાલની સ્થિતિથી મંત્રીને વાકેફ કર્યા હતાં.