તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી એ દિવસો આવ્યાં:રાજકોટમાં 18 મહિના પછી ધો.6થી 8ના બાળકો શાળામાં પહોંચતા ખુશખુશાલ, વિદ્યાર્થિનીએ કહ્યું- ઓફલાઇનમાં બહુ જ ભણવાની મજા આવે છે

રાજકોટ19 દિવસ પહેલા
ઓફલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ ખુશ.
  • સરકારી અને ખાનગી શાળાઓમાં કોરોનાની ગાઇડલાઇન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
  • એક બેંચમાં બે વિદ્યાર્થી, હેન્ડ સેનિટાઇઝ અને થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર મપાયું

કોરોનાની બીજી ઘાતક લહેર પૂરી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રથમ 9થી 12 અને ત્યારબાદ ધોરણ 6થી 8ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે. ત્યારે Divya Bhaskarએ રાજકોટની ખાનગી અને સરકારી શાળામાં જઇને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં 18 મહિના પછી વિદ્યાર્થીઓ શાળાએ આવતા ખુશખુશાલ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઇન કરતા ઓફલાઇનમાં બહુ જ ભણવાની મજા આવે છે. તેમજ શાળા તરફથી ગાઇડલાઇનનું બહુ મસ્ત પાલન થઇ રહ્યું છે. 65થી 70 ટકા બાળકોની હાજરી શાળામાં જોવા મળી રહી છે.

ઓફલાઇનમાં બહુ જ મજા આવી રહી છેઃ વિદ્યાર્થિની
ન્યૂ એરા સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સત્યા ગોપાલાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન કરતા ઓફલાઇનમાં બહુ જ મજા આવે છે. ઓનલાઇનમાં સમજાતું નહોતું અને અહીં બોર્ડમાં શિક્ષક ભણાવે છે તે બધુ સમજાય જાય છે. પ્રિશા મણિયાર નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અહીં એટલી મસ્ત ગાઇડલાઇનનું પાલન થાય કે અમને બહુ જ મજા આવે છે. હેન્ડ સેનિટાઇઝર, ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે. એક બેંચમાં એક વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે. ઓફલાઇનમાં બહુ જ મજા આવી રહી છે.

સ્કૂલે આવેલી વિદ્યાર્થિની સત્યા (ડાબી બાજુ) અને પ્રિશા (જમણી બાજુ).
સ્કૂલે આવેલી વિદ્યાર્થિની સત્યા (ડાબી બાજુ) અને પ્રિશા (જમણી બાજુ).

1.43 લાખ વિદ્યાર્થીનું આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ
જન્માષ્ટમીની રજા બાદ રાજકોટ શહેરની સરકારી અને ખાનગી સ્કૂલના 68 હજાર વિદ્યાર્થી અને ગામડાં-તાલુકાની સરકારી અને ખાનગી સ્કૂલમાં 75 હજાર વિદ્યાર્થી સહિત કુલ 1.43 લાખ વિદ્યાર્થી આજથી ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે. જોકે, સરકારના નિયમ મુજબ દરેક વિદ્યાર્થીએ ઓફલાઈન વર્ગમાં આવતા પહેલા વાલીનું સંમતિપત્ર લાવવું ફરજીયાત કરાયું છે. ત્યારે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરાય ત્યારથી અત્યાર સુધીમાં અંદાજીત 65 ટકા વાલીઓએ ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપી છે.

હેન્ડ સેનિટાઇઝ કર્યા બાદ જ શાળામાં પ્રવેશ.
હેન્ડ સેનિટાઇઝ કર્યા બાદ જ શાળામાં પ્રવેશ.

સ્કૂલોમાં ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન
સ્કૂલમાં ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે તેનું પણ શાળા સંચાલકોને ધ્યાન રાખવા જણાવાયું છે. રાજકોટ સ્વનિર્ભર શાલ સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, આજથી અપર પ્રાઈમરી 6થી 8ના વર્ગો શરૂ થયા છે. તમામ તકેદારી શાળા તરફથી રાખવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. બીજી લહેર બાદ તમામ મોટાભાગના શિક્ષકો અને વાલીઓ વેક્સિનેટેડ થઈ ગયા છે. ચિંતા ઓછી પણ સરકાર દ્વારા વહેલી તકે બાળકો માટે પણ વેક્સિન લાવવામાં આવશે તેવા સંકેત આપવામાં આવ્યા છે.

થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપ્યું.
થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપ્યું.

બાળકોને કોરોના સહિત અલગ અલગ રોગોની સમજૂતી અપાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી એકથી બે સપ્તાહ બાદ ધોરણ 3થી 5ના વર્ગો શરૂ કરવા માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે. ઓનલાઇન શિક્ષણથી બાળકોના માનસ પર ગંભીર અસર જણાય રહી છે અને તેમનું શિક્ષણ બગડી રહ્યું છે. આ સાથે બાળકોને કોરોના સહિત અલગ અલગ રોગો માટે સમજૂતી આપવામાં આવશે અને અલગ અલગ ડોક્ટર બોલાવી માર્ગદર્શન આપવામાં આવશે.
સતત 18 મહિના સુધી ઓનલાઇન શિક્ષણ મેળવ્યા બાદ આજે બાળકો શાળાએ આવતા ચહેરા પર ખુશી જોવા મળી હતી.

એક બેંચમાં બે વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા.
એક બેંચમાં બે વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા.

શાળા અને વાલીઓએ આટલા નિયમનું પાલન કરવું પડશે

  • ક્લાસની કેપેસિટીને ધ્યાને રાખી 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવા.
  • વર્ગમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
  • સ્કૂલમાં દરેક વિદ્યાર્થી, શિક્ષકો, અન્ય સ્ટાફે માસ્ક ફરજિયાત પહેરવું.
  • ક્લાસ પૂર્ણ થયા બાદ આખો ક્લાસ સેનિટાઇઝ કરવાનો રહેશે.
  • સ્કૂલ કેમ્પસમાં હેન્ડવોશ-સેનિટાઇઝર મૂકવાના રહેશે.
  • વાલીઓએ વિદ્યાર્થીને તકેદારી રાખવાની સમજ આપી સ્કૂલે મોકલવાનો રહેશે.
  • વાલીઓએ વિદ્યાર્થીઓને પાણીની બોટલ અને નાસ્તો લઇને સ્કૂલે મોકલવા.
  • ઘર કન્ટેન્મેન્ટ ઝોનમાં હોય, ઘરમાં કોઈ સભ્યને કોરોના થયો હોય તો વાલીએ વિદ્યાર્થીને સ્કૂલે મોકલવો નહીં.
ઓફલાઇન શિક્ષણમાં મશગૂલ બન્યા વિદ્યાર્થીઓ.
ઓફલાઇન શિક્ષણમાં મશગૂલ બન્યા વિદ્યાર્થીઓ.

એસઓપીનો ભંગ થયો હશે તે શાળા સામે કાર્યવાહી કરાશેઃ DEO
જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ રાજકોટની ન્યૂએરા સ્કૂલ ખાતે ચેકીંગ કરી બાદમાં જણાવ્યું હતું કે, શાળામાં સરકારે જાહેર કરેલી એસઓપી મુજબ વ્યવસ્થા છે કે કેમ તેની ચકાસણી કરવા ડીઈઓની ટીમ શહેર અને જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરી રહી છે જ્યાં એસઓપીનો ભંગ થયો હશે તે શાળા સામે કાર્યવાહી કરાશે. અને આજથી ગ્રામ્ય વિસ્તારમાં પણ 60% આસપાસ સંખ્યા જોવા મળી રહી છે.