જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પર જીએસટી લાગુ થયા બાદ લોકોની ખરીદી અને બજેટમાં મોટા ફેરફાર આવ્યા છે. અનાજ- કઠોળમાં જરૂરિયાત કરતા લોકોએ ખરીદી ઘટાડી છે. પરિવારદીઠ ખર્ચમાં રૂ. 1 હજારનો વધારો આવ્યો છે. છાશમાં દૈનિક 5 હજાર લિટરનો વપરાશ ઘટ્યો છે. હોલસેલર અને રિટેલર બન્નેમાં ખરીદી ઘટી છે.
દાણાપીઠ બજાર કે જ્યાં હોલસેલર અને રિટેલ બન્નેની ખરીદી થાય છે. તે રોડ સવારથી સાંજ આખો દિવસ ધમધમતો હતો. ભારે ટ્રાફિક રહેતો હતો. તેના બદલે હવે આ રોડ પર મોટા- મોટા વાહનો પસાર થઈ જાય તેવો રોડ ખાલી રહે છે. જોકે સામાન્ય દિવસોમાં ખરીદી માટે ટુ- વ્હિલર લઈને પસાર થવું પણ એક રોડ ક્રોસ કરવામાં અંદાજિત 20 મિનિટનો સમય લાગી જાય છે.
અનાજ- કઠોળમાં જીએસટી લાગુ થતા તેની ખરીદી-વપરાશ ઘટ્યો છે. જેની સામે શાકભાજીની ડિમાન્ડ અને ખરીદી વધી હોવાનું શાકભાજીના વેપારીઓ જણાવે છે. વેપારીઓના જણાવ્યાનુસાર જીએસટી લાગુ થયું તે પહેલા લોકો જ્યારે ખરીદી માટે આવે ત્યારે ધક્કાથી બચવા માટે અને બજેટમાં સસ્તું પડે તે માટે એકસામટી ખરીદી કરી લેતા હતા, પરંતુ હવે 25 કિલો કે તેથી વધુ પેકિંગમાં ખરીદી કરે તો જીએસટી લાગુ થાય છે. આથી હવે પેકિંગમાં ખરીદી કરવાનું બંધ કર્યું છે.
સૌથી પહેલા ખરીદી માટે આવતા લોકો જીએસટી લાગુ થશે કે કેમ તે પૂછે છે અને ત્યારબાદ જ ખરીદી કરે છે. મહિલાઓએ જણાવ્યું હતું કે, હવે તેઓને ખરીદી માટે ફિક્સ બજેટ રાખવું પડે છે અને બજેટમાં આવતી હોય તેટલી જ વસ્તુની ખરીદી કરીએ છીએ. એટલું જ નહીં ઘરમાં પણ અનાજ-કઠોળનો વપરાશ ઘટાડી દીધો છે.
સપ્તાહમાં પહેલા બે કે ત્રણ વખત કઠોળ બનાવતા હતા તેના બદલે હવે સપ્તાહમાં એકવાર જ કઠોળનો વપરાશ કરીએ છીએ. જેથી કરીને ઘરમાં રાશન લાંબો સમય ચાલે. રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ જણાવ્યું હતુ કે, સામાન્ય રીતે રાજકોટમાં છાશની જરૂરિયાત 60 હજાર લિટર દૈનિક રહે છે. તેની સામે અત્યારે હવે જરૂરિયાત માત્ર 55 હજાર લિટરની છે. જોકે છાશની જરૂરિયાત ઘટવાનું એક કારણ વાતાવરણ પણ છે. જ્યારે દહીં અંદાજિત 24 ટન ખપી જાય છે. હાલમાં દહીં અને છાશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો છે.
યાર્ડમાં જેટલું શાક આવે તેટલું ખપી જાય છે
હાલ વરસાદી વાતાવરણને કારણે એકબાજુ શાકભાજીની આવક ઓછી છે. તો બીજી બાજુ ડિમાન્ડ પણ વધુ છે. જેથી શાક આવે તે બધું તરત જ ખપી જાય છે. અન્યથા પહેલા એવું બનતું હતું કે, શાકભાજીમાં કોઈ લેવાલ હતું નહિ અને જે વધે તે ઢોરને ખવડાવી દેતા અથવા તો ગૌશાળામાં મોકલાવી દેતા હતા. હાલમાં લીંબુમાં 292 ક્વિન્ટલ, બટેટા 3800 ક્વિન્ટલ, સૂકી ડુંગળી 3 હજાર ક્વિન્ટલ, ટમેટાં 825 ક્વિન્ટલ, કોથમરી 93 ક્વિન્ટલ, રીંગણા 155 ક્વિન્ટલ, કોબીજ 263 ક્વિન્ટલ, ભીંડો 165 ક્વિન્ટલ, ચોળાસીંગ 36 ક્વિન્ટલ, ટીંડોળા 62 ક્વિન્ટલ સરેરાશ આવક થાય છે. શાકભાજીમાં સૌથી વધુ મોંઘા કોથમરી, કંટોળા, ગુવાર, તુરિયાનો છે. હરાજી તુરંત જ થઇ જાય છે.
જીએસટીએ માસિક ખર્ચ રૂપિયા 5 હજારથી 25 હજાર વધાર્યો, હવે ઇ-બિલિંગ પણ આવે એવી સંભાવના
જીએસટી લાગુ થયા બાદ અગાઉની જે સિસ્ટમ હતી એમાં બદલાવ જોવા મળ્યો છે. નામું લખવા, વ્યવહારની નોંધણી કરવા માટે વગેરે માટે જીએસટી પહેલા બજેટમાં 5થી 25 હજારનો ખર્ચ વધી રહ્યો છે. જોકે ટેક્સ કન્સલ્ટન્ટના જણાવ્યાનુસાર હવે ઇ-બિલિંગ આવે એવી સંભાવના છે. વેપારીઓના જણાવ્યાનુસાર જો આવું થશે તો ફરજિયાત ઇ-બિલ બનાવવું પડશે. જેથી કરીને ખર્ચ વધશે. જોકે ઇ-બિલિંગને કારણે ટેક્સચોરી પણ ઘટશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.