રાજકોટમાં છેલ્લા 15 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને હજુ ત્રણ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ રહેશે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર છેલ્લા બે મહિનામાં સરેરાશ કરતા રાજકોટમાં 16 ઈંચ વધુ વરસાદ વરસી ગયો છે. ગત સિઝનનો કુલ વરસાદ 51 ઈંચ વરસાદ હતો. જ્યારે અત્યાર સુધી રાજકોટમાં 28 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, ગત સિઝનની સરખામણીએ 50 ટકા પાણી વરસી ચૂક્યું છે. પાંચ ઓગસ્ટ બાદ નવી સિસ્ટમ બનશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ મોન્સૂન ટ્રફનો પૂર્વ છેડો હિમાલયની તળેટીમાં છે. પશ્ચિમ બાજુનો છેડો નોર્મલ પોઝિશનથી ઉત્તર તરફ છે. જેને કારણે હાલ વરસાદ માટેની કોઈ સિસ્ટમ સક્રિય નથી. પશ્ચિમ બાજુનો છેડો ક્રમશ: નીચે જાશે. આ સિવાય હાલ વરસાદ માટેની કોઇ સિસ્ટમ છે નહિ. જોકે હજુ ચોમાસું ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી રહેશે. આ બે મહિનામાં જૂન-જુલાઈ જેવો જ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.
હાલ વરસાદે વિરામ લીધો છે. બીજી બાજુ હવામાં ભેજનું પ્રમાણ વધારે રહેવાને કારણે બફારો શરૂ થયો છે. દિવસભર તડકો અને વાદળછાયુ વાતાવરણ- ગરમી જોવા મળે છે. જ્યારે રાત્રિના સમયે ઠંડક હોવાને કારણે મિશ્રઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેથી વાઇરલ ઈન્ફેક્શનમાં પણ વધારો થયો છે. ગત સિઝનમાં 2 ઓગસ્ટ સુધીમાં 533 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ જૂનથી ઓગસ્ટ સુધીમાં 360 મીમી વરસાદ રાજકોટમાં નોંધાતો હોય છે. જ્યારે અત્યાર સુધી 416 મીમી વરસાદ પડી ચૂક્યો છે. આમ, સરેરાશ કરતા 16 ટકા વધુ વરસાદ છે.
પાછળથી વરસાદ ખેંચાશે તો પણ પાક- પાણી પર તેની અસર આવશે નહિ. હાલ વરાપ નીકળવાને કારણે ખેડૂતો પણ ખેતી કાર્યમાં જોડાઈ ગયા છે. રાજકોટમાં મંગળવારે લઘુતમ તાપમાન 26.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 83 ટકા રહ્યું હતું. પવનની ઝડપ 12થી 14 કિલોમીટર રહેતા બફારાની સાથે ગરમી પણ અનુભવાઈ હતી.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં 51 ટકા વરસાદ, દ્વારકામાં 91 ટકા થયો
અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 51 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા સૌથી વધુ વરસાદ દ્વારકામાં 91 ટકા નોંધાયો છે. જ્યારે અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં હજુ વરસાદની ખાધ જોવા મળે છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જૂન- જુલાઇમાં પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે. આ વરસાદનું પાણી જમીનમાં ઉતર્યુ હોવાને કારણે જમીન સંતૃપ્ત થઇ છે.સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીનું વાવેતર પૂરતા પ્રમાણમાં થયું છે જેથી ચિત્ર ઉજળું જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.