ચૂંટણી પહેલા ડાયરાની મૌસમ:રાજકોટમાં ભાજપના MLAના લોકડાયરામાં ઢગલા મોઢે પૈસા ઉડ્યા, લોકોએ મોબાઈલની ફ્લેશલાઈટ કરતા અદભૂત નજારો

રાજકોટ21 દિવસ પહેલા
  • કિંજલ દવે, રાજભા ગઢવી અને ધીરૂભાઈ સરવૈયાએ જમાવટ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે આવનાર છે. ત્યારે ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લામાં ભાજપના નેતાઓમાં લોકડાયરાની મૌસમ ખીલી હોય તેમ એક પછી એક ધારાસભ્યના ડાયરા યોજી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ જામકંડોરણામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોતાની ભાગવત કથામાં લોકડાયરો યોજ્યો હતો. ત્યારે ગઈકાલે રાજકોટ ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય લાખા સાગઠિયાએ લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ લોકડાયરામાં ઢલા મોઢે રૂપિયા ઉડ્યા હતા. તેમજ લોકોએ એકસાથે પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ કરી અદભૂત દૃશ્ય સર્જ્યું હતું.

કિંજલ દવે અને રાજભા ગઢવી લોકગીતો લલકાર્યા
લાખા સાગઠિયાએ લોધિકા, કોટડાસાંગણી અને રાજકોટ પંથકની ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં કલાકાર તરીકે કિંજલ દવે, રાજભા ગઢવી અને ધીરૂભાઈ સરવૈયાએ લોકગીતો, સાહિત્યરસ અને હાસ્યરસ પીરસીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કિંજલ દવે અને રાજભા ગઢવી લોકગીતો લલકારતા લોકો મન મુકીને વરસ્યા હતા અને ઢગલા મોઢે રૂપિયા ઉડાડ્યા હતા.

લોકોએ લાખા સાગઠિયા પર રૂપિયાનો વરસાદ કર્યો.
લોકોએ લાખા સાગઠિયા પર રૂપિયાનો વરસાદ કર્યો.

સ્ટેજ પર રૂપિયાની નોટોની ચાદર પથરાઇ
આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પગ મુકવાની પણ જગ્યા ન મળે તે રીતે હકડઠઠ્ઠ જનમેદની એકઠી થઈ હતી. તેમજ લોકોએ રૂપિયાના બંડલો ઉડાડતા સ્ટેજ પર રૂપિયાની નોટોની ચાદર પથરાઇ ગઈ હતી. તેમજ સ્ટેજ નીચે પણ કોથળા મોઢે રૂપિયાની નોટો પથરાઇ ગઈ હતી. આ તમામ રૂપિયા લોધિકા, કોટડાસાંગણી અને રાજકોટ પંથકની ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવશે.

લોકોએ એકસાથે મોબાઈલમાં ફ્લેશલાઈટ કરતા અદભૂત નજારો જોવા મળ્યો
લોકોએ એકસાથે મોબાઈલમાં ફ્લેશલાઈટ કરતા અદભૂત નજારો જોવા મળ્યો

પૂર્વ CM વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા
આ લોકડાયરામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ કલાકારોએ પણ લાખા સાગઠિયા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. સૌરાષ્ટ્રની પરંપરા પ્રમાણે લોકડાયરામાં રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા.

લોકડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
લોકડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...