જિલ્લામાં ચૂંટણીને લીધે જાહેર થયેલી આચારસંહિતામાં ઘણા વેપારીઓ, સામાન્ય નાગરિકોને અટકાવીને પૂછપરછ કરાતી હતી અને તેમની પાસે 50,000થી વધુની રોકડ મળે તો રકમ ક્યાંથી આવી તેના પુરાવા મગાતા હતા. પુરાવા ન અપાય તો રકમ જપ્ત કરાતી હતી. 10 લાખ રૂપિયા સુધીની રોકડ રકમ હોય તો તે મામલે ચૂંટણી તંત્ર કાર્યવાહી કરે છે જ્યારે 10 લાખથી વધુની રોકડ હોય તો ફરજિયાત ITને જાણ કરવાની રહે છે અને ત્યારબાદ કાર્યવાહી તેમની રહે છે. ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર જે જે રોકડ રકમ અગાઉ પકડાઈ ચૂકી છે અને યોગ્ય પુરાવા આવી શક્યા નથી તે તમામની સુનાવણી સોમવારથી શરૂ કરાશે અને શક્યતા છે કે, મતગણતરી પહેલાં સુનાવણી પૂરી કરી દેવાશે.
મતદાનની પૂર્વ સંધ્યાએ સરપંચના પતિ રૂ.10 લાખની રોકડ સાથે ઝડપાયા હતા
નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ગત ગુરુવારે થયું ત્યારે મતદાનની ગણતરીની કલાકો પહેલાં જ બુધવારે સાંજે લોધિકા પંથકના એક ગામના મહિલા સરપંચના પતિ રૂ.10 લાખની રોકડ સાથે પકડાતા ચકચાર મચી ગઇ હતી, લાખો રૂપિયા મળી આવતા પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી હતી, સરપંચ પતિ મતદારોને રિઝવવા માટે નાણાં લઇને નીકળ્યો હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ થઇ હતી.
ઇન્કમટેક્સની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી
રાજકોટ કાલાવડ હાઇવે પર ખીરસરા પોલીસની ચેક પોસ્ટ નજીકથી બુધવારે સાંજે એક આઇ-20 કાર પસાર થતાં પોલીસ અને સર્વેલન્સની ટીમે કાર અટકાવી હતી. પોલીસે તલાશી લેતા કારમાંથી રૂ.10 લાખની રોકડ મળી આવી હતી, પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ લોધિકાના ચીભડા ગામનો દિનેશ દાફડા હોવાનું કહ્યું હતું, પોલીસે રકમ જપ્ત કરી આ અંગે જાણ કરતાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી.
આ રકમ માયા વસોયાની હતી
આ સમગ્ર ઘટના અંગે રાજકોટ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડાએ જણાવ્યું હતું કે, દિનેશ દાફડા તેમના નાના ભાઇ છે, અને દિનેશના પત્ની ચીભડા ગામના સરપંચ છે, ચીભડામાં રહેતા માયા રત્ના વસોયાએ ડૈયા ગામમાં આવેલી તેની ખેતીની જમીન વેચી હતી તેના પૈસા આવ્યા હતા અને માયા વસોયાએ મેટોડામાં એક દુકાન ખરીદ કરી હતી તે દુકાનના પૈસા આપવા માયા વસોયા સાથે નીકળ્યા હતા, આ રકમ માયા વસોયાની હતી અને તે અંગેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.
મતદારોને રિઝવવા નાણાં લઇને નીકળ્યાની ચર્ચા
મતદાન પૂર્વે મતદારોને રિઝવવા માટે રાજકીય આગેવાનો અનેક લોભામણી ઓફર આપતા હોય છે, દિનેશ દાફડા પણ આવા જ હેતુથી રૂ.10 લાખની રોકડ સાથે નીકળ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું એટલું જ નહીં દિનેશ દાફડા રોકડ સાથે ઝડપાયો ત્યારે કલાકો સુધી ચર્ચાઓ ચાલી હતી, પરંતુ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો પહોંચી જતાં મામલો દફતરે લેવાની તંત્રને ફરજ પડ્યાની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું.જો કે સમગ્ર મામલે સોમવાર સત્ય સામે આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
કરોડો રૂપિયા પાણીની જેમ રાજકોટમાં વહી ગયા
જિલ્લાની 8 બેઠકમાં ત્રણેય પક્ષના ઉમેદવારે પ્રચાર-પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી દેવાયા હતા હવે મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે ચૂંટણી તંત્ર આ તમામનો હિસાબ કરવા તૈયારી કરી રહ્યું છે અને સોમવારે અમુક ઉમેદવારોને નોટિસ ફટકારાશે. મતદાન પૂર્ણ થયા બાદ અને EVMની સીલિંગ કામગીરી પતિ ગયા બાદ ચૂંટણી ખર્ચ નોડલ અધિકારીએ રિટર્નિંગ ઓફિસર સાથે બેઠક કરી ખર્ચના હિસાબ ઉમેદવારોએ નિયમ મુજબ રજૂ કર્યા છે કે કેમ તેમજ શું ઊણપ રહી છે તેની વાત કરી અને રિપોર્ટ આપવા જણાવ્યું હતું.
ઉમેદવારોના ખર્ચના હિસાબ થશે
સોમવારથી ઉમેદવારોને નોટિસ આપવાની, ખર્ચમાં વિગતો ન હોય તો પૂર્તતાની કામગીરી કરી શકાય. અમુક ઉમેદવારોને હિસાબ જાહેર કરવા રિમાઈન્ડર અપાયા હતા. પ્રચાર ખર્ચ માટે પ્રતિ ઉમેદવાર 40 લાખ નિયત કરાયા હતા. ખરેખરનો પ્રચાર ખર્ચ કરોડો સુધી પહોંચી ગયો છે પણ કાગળ પર તેટલો દેખાશે નહિ અને મોટાભાગના ઉમેદવારોએ ‘મર્યાદા’માં રહીને જ ખર્ચ કર્યાનો છેલ્લે રિપોર્ટ આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.