નિર્ણય પરત ખેંચ્યો:મોકાનો પ્લોટ હેતુફેર કરવા મામલે આખરે શાસકોની પીછેહઠ, દરખાસ્ત નામંજૂર થશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ માટેનો પ્લોટ વર્ષોથી ખાલી પડ્યો છે, તેને ‘વાણિજ્ય વેચાણ’ હેતુ કરવાનો હતો

રાજકોટ મનપાનું જનરલ બોર્ડ 19મીએ મળશે. જેમાં એક દરખાસ્ત રૈયા ટી.પી. સ્કીમ નં. 4માં આવેલા 5300 સ્ક્વે. મીટરના 60 ફૂટ રોડ પર કોર્નર પરના હોસ્પિટલ હેતુના પ્લોટનો હેતુફેર કરી તેને વાણિજ્ય વેચાણ હેતુ કરવાની હતી. હેતુફેર થયા બાદ કોઇપણ સમયે આ પ્લોટને વેચી શકાય છે. મનપા પાસે 1995થી આ પ્લોટ હતો અને અત્યાર સુધીમાં અન્ય મનપાની જેમ હોસ્પિટલ બનાવી શકી ન હતી. ભવિષ્યમાં હોસ્પિટલનું આયોજન કરવાને બદલે પ્લોટને જ વેચાણનું આયોજન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈ હવે શાસકોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે.

આ મુદ્દે મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, પ્લોટ વેચવાનો કોઇ ઈરાદો જ નથી ફક્ત તેનો હેતુફેર કરીને ઉપયોગ કરવાનો હતો પણ લોકોમાં કોઇપણ પ્રકારની શંકા ન રહે તે માટે હાલ પૂરતી આ દરખાસ્ત ન પસાર કરવાનો નિર્ણય લેવાયો છે. જનરલ બોર્ડમાં બે મહત્ત્વના પદ માટે ભરતીની અરજન્ટ દરખાસ્ત થશે આ માટે ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠક 15મીએ સવારે 10 વાગ્યે મળશે.જેમાં છ મહિના પહેલા લેવાયેલા સિટી એન્જિનિયરની જગ્યા માટે ઈન્ટરવ્યૂના પરિણામ તેમજ તાજેતરમાં લેવાયેલી મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની જગ્યા કે જે બંને વર્ગ-1ના અધિકારી છે તેમની નિમણૂકના નામો પસંદ કરાશે ત્યારબાદ જનરલ બોર્ડમાં પસાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...