દેશના PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. બાદમાં સભાસ્થળે પહોંચ્યા હતા અને પોતાના સંબોધનમાં ગુજરાતીમાં પૂછ્યું હતું કે તમારા બધાનું રસીકરણ થઈ ગયું છે ને? લોકોએ હાથ ઊંચો કરી એકસૂરમાં કહ્યું, હા. રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારુ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી...મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં તેને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળું મારી દે.
હવે માતૃભાષામાં ભણીને ડોક્ટર થઈ શકાય
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલના દાતાઓને અભિનંદન, તેમની માતાઓને અભિનંદન, જેમણે આવા પુત્રોને જન્મ આપ્યો, આવા ઉનાળાના તાપમાં બહેનોએ માથા પર કળશ લઇ મારું સ્વાગત કર્યું એ બદલ તેમનો પણ આભાર માનું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે નિયમ બદલ્યો કે ડોક્ટર અને એન્જિનિયર બનવું હોય તો માતૃભાષામાં થઈ શકે, મોસાળે જમણવાર ને મા પીરસનાર હોય તેમ આ ડબલ એન્જિનની સરકાર છે. આખી દુનિયામાં સરદાર પટેલનું નામ ગુંજી રહ્યું છે. વિશ્વનું મોટામાં મોંટું સ્ટેચ્યૂ સરદાર પટેલ સાહેબનું બનાવ્યું છે. મેડિકલમાં પહેલા 1100 બેઠક હતી, હવે 8000 થઈ ગઈ. પહેલા અંગ્રેજી મિડિયમમાં જ ડોક્ટર થઈ શકાતું, પણ હવે માતૃભાષામાં ભણીને ડોક્ટર થઈ શકાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર રાજ્ય માટે ગૌરવ
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 2001માં રાજ્યભરમાં મેડિકલની કુલ 1100 સીટ હતી. જે વધીને વર્ષ 2022માં 8000 થઈ છે. રાજ્યભરમાં સરકારી અને ખાનગી મળીને કુલ 30 મેડિકલ કોલેજો કાર્યરત છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ સ્થાપવાની રાજ્ય સરકારની નેમ છે, સમગ્ર વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાન પામ્યું છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે. આવડું મોટું કામ આટલી ઝડપથી પૂર્ણ કરીને ગુજરાતે પોતાની તાકાત સ્થાપિત કરી છે.
2001માં રાજકોટમાં મને મોકો આપ્યો
તેમણે આગળ જણાવ્યું હતું કે ખુશી છે કે આજે માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પૂરાં કર્યાં છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકાં મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર, આ ફક્ત આંકડા નથી, પણ ગરીબની ગરિમા સુનિશ્ચિત કરવાનું અમારું પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજો, આપણે આ કરી બતાવ્યું છે તેમજ સરકારની વિવિધ યોજના વિશે વડાપ્રધાને લોકોને માહિત આપી હતી.
ઔદ્યોગિક પ્રગતિની ઝાંખી કરાવી
મોદીએ ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિની ઝાંખી કરાવતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વિકસેલા મધ્યમ, સૂક્ષ્મ, લઘુ ઉદ્યોગો જ ગુજરાતની સાચી તાકાત અને આગવી ઓળખ છે. વડોદરાથી વાપી સુધીના અગાઉના ઔદ્યોગિક વિકાસની સાપેક્ષે સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ વધુ પ્રસર્યો છે. તેમજ આંતરમાળખાકિય સુવિધા થકી ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર પણ પૂરતી પ્રયત્નશીલ છે એમ તેમણે ઉમેર્યું હતું. મોરબીનો સેનિટરી ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટસ ઉદ્યોગ તથા રાજકોટનો ઓઇલ એન્જિન ઉદ્યોગ વિશ્વસ્તરે નામના મેળવી ચૂક્યા છે. તદુપરાંત નવી ફાર્મા કંપનીઓ ગુજરાતમાં તેમના એકમો સ્થાપી રહી છે, જેનાથી ગુજરાત તમામ ક્ષેત્રે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.
સિક્સ લેન ધોરી માર્ગોથી ગુજરાતના બંદરોની તાકાત વધી
વડાપ્રધાન મોદીએ નવા અમલી બનાવાયેલા નિયમની જાણ કરતાં કહ્યું હતું કે, હવેથી માતૃભાષામાં શિક્ષણ મેળવેલો વિદ્યાર્થી પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. જેનાથી સમગ્ર રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનો દર વધશે. સરકારે દેશના ગરીબ, મધ્યમ વર્ગના લોકોને કપરી સ્થિતિનો સામનો ન કરવો પડે તેની દરકાર કરી છે. ભાજપની સરકાર દરેક નાગરિકને યોજનાનો 100 ટકા લાભ મળે તેનું અભિયાન ચલાવી રહી છે. છેવાડાના માનવી સુધી યોજના પહોંચાડવાનું લક્ષ્ય હોય ત્યારે ભેદભાવ, ભ્રષ્ટાચાર કે પરિવારવાદને કોઈ સ્થાન રહેતું નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં બનાવાયેલા સિક્સ લેન ધોરી માર્ગોથી ગુજરાતના બંદરોની તાકાત વધી છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આજે મુર્તિમંત થઇ છે. જેનાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચેનું 300થી વધુ કિમીનું અંતર ગણતરીની મિનિટોમાં જ કાપી શકાય છે.
હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો.ભરત બોઘરાએ એક-એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. બાદમાં સભાસ્થળે પહોંચતાં કીર્તિદાને મોદીજી ભલે પધાર્યા...ના ગીત સાથે સ્વાગત કર્યું હતું. મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારું ભેટમાં આપ્યું હતું. મંચ પરથી ભરત બોઘરાએ જણાવ્યું હતું કે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. હું ભણતો ત્યારે સપનું હતું એ આજે સાકાર થયું છે. ગામડામાં નથી રહેતા, વડાપ્રધાનના દિલમાં રહીએ છીએ. આ હોસ્પિટલમાં આવેલા દરેક લોકોને તંદુરસ્ત બનાવીને ફરી ઘરે મોકલીશું એવી કામગીરી કરાશે.
ગામડાંના લોકો ટ્રેક્ટરમાં આટકોટ પહોંચ્યા હતા
આટકોટમાં જવા માટે આસપાસનાં ગામડાંમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજેના તાલે ગામડાંના લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ આટકોટ પહોંચ્યા હતા. વીરનગર ગામમાં હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરાનું ડીજેના તાલે અને 70 શણગારેલા ટ્રેક્ટર સાથે રેલી યોજાઇ હતી.
70 ટ્રેક્ટર સાથે રેલી યોજાઈ
આટકોટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરત બોઘરાનું વીરનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 70 ટ્રેક્ટર દ્વારા ભવ્ય રેલી યોજાઇ હતી. લોકો ડીજેના તાલ સાથે મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોહન કુંડારિયા અને ગામના સરપંચ પરેશ રાદડિયા સહિતના ગામના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
3500 પોલીસ જવાન ખડેપગે રહ્યા
સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એ માટે સભાસ્થળની આસપાસ અને નજીક 500 વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ સાથે 600×1200 ફૂટનો વિશાળ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા તથા 4 હેલિપેડ તૈયાર કરવામાં આવ્યાં હતાં. 1500 જેટલા સ્વયંસૈનિકોએ પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપી હતી, જ્યારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહ્યા હતા.
આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું
આ ઉપરાંત આજે એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે, જેને પગલે બે એ૨લાઈન્સ કંપનીની દિલ્હીની ફ્લાઈટના સમયમાં ફે૨ફા૨ ક૨વામાં આવ્યો છે. સ્પાઈસ જેટની સવા૨ની દિલ્હી અને ઈન્ડિગોની સવા૨ની દિલ્હી ફ્લાઈટના સમયમાં ફે૨ફા૨ કરાયો છે. આજે સવારે સ્પાઈસ જેટ SEJ 3701/3703 દિલ્હી રાજકોટ-દિલ્હી સવારે 7.45ના બદલે 7.00 કલાકે લેન્ડ થઈ 7.30 કલાકે ટેક ઓફ થશે. ત્યા૨ બાદ ઈન્ડિગો IGO 2476/2163 દિલ્હી-રાજકોટ દિલ્હી સવારના 9.45ના બદલે બપોરે 1.00 કલાકે લેન્ડ થઈ 1.30 કલાકે દિલ્હી જવા ટેકઓફ થશે
સૌરાષ્ટ્રની 300થી વધુ ST બસ PMના કાર્યક્રમમાં ફાળવાઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જસદણના આટકોટ ગામે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા ગામેગામ અને શહેરમાંથી પણ લોકોને આટકોટ લઇ જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 300થી વધુ એસ.ટી બસ ફાળવી હતી. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં એસટી બસ આટકોટના કાર્યક્રમમાં ફાળવી દેવાઈ હતી.
વ્યવસ્થાના ભાગરૂપે 3500 સ્વયંસૈનિકો તહેનાત રહ્યા
રાજકોટમાં મોદી એરપોર્ટ બહાર નહીં નીકળે છતાં તમામ ઈમર્જન્સી વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેક્ટર અને પોલીસતંત્ર છેલ્લી ઘડી સુધીની તૈયારીમાં વ્યસ્ત રહ્યાં હતાં. આટકોટમાં મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ માટે વ્યવસ્થાના ભાગરૂપે 3500 સ્વયંસૈનિકો સભાસ્થળ પર તહેનાત રહ્યા હતા. આટકોટ ખાતે નવનિર્મિત હોસ્પિટલ અને સભાસ્થળ તેમજ પાર્કિંગ સ્થળ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
એરપોર્ટ પર SPG કમન્ડો તહેનાત રહ્યા
તમામ નેતાઓ ચાર હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આ માટે હેલિકોપ્ટરોએ પોતાની રન પણ પૂર્ણ કરી હતી. આજે સવારે 9:30 વાગ્યે મોદી દિલ્હીથી રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થયા હતા. આ માટે આજથી જ એરપોર્ટ ઉપર વધારાનો પોલીસ-બંદોબસ્ત ઉપરાંત SPG કમાન્ડોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આસપાસનાં બિલ્ડિંગ ઉપર સ્નાઈપરને પણ ગોઠવી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતી બોલતા હતા પણ હિન્દી શબ્દો આવી જતા હતા
નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ હિન્દીમાં ચાલુ કર્યું હતું અને બાદમાં ગુજરાતીમાં બોલ્યા હતા જોકે ગુજરાતી વખતે પણ તેમના ઘણા શબ્દો હિન્દીમાં થઈ જતા હતા. જેમ કે, ‘બચપનમાં અમે વિચારતા હતા’, ‘નાનામાં નાના પુરજા’, ‘રસ્તાને ચૌડા કરાયા છે’ આ ઉપરાંત અમુક શબ્દોમાં તેમને તકલીફ પડી હતી જેમ કે આયુષ્માન ભારત વિશે તેમણે ‘વિશ્વના સૌથા સૌથી મોટી યોજના’ વગેરે સહિતની ભૂલો રહી હતી. તે એ વાતનો નિર્દેશ કરે છે કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ સતત 8 વર્ષ સુધી હિન્દીમાં જ વાણી અને લખાણ કરતા હિન્દી ભાષા તેમની અંદર ઊંડે સુધી ઉતરી ગઈ છે અને તેથી ગુજરાતીમાં પણ તેની છાંટ વર્તાય છે.
(રક્ષિત પંડ્યા અને કરશન બામટા, આટકોટ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.