ધોરાજીમાં પણ રાદડિયાનો વટ:PM બન્યા પછી મોદીની ધોરાજીમાં પ્રથમવાર સભા યોજાઇ, મોદીએ જયેશ રાદડિયાની પીઠ થપથપાવી, બન્ને ખડખડાટ હસ્યા

રાજકોટ11 દિવસ પહેલા
ધોરાજીમાં મોદીએ જયેશ રાદડિયાની પીઠ થપથપાવી.

ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભંગાણ પર પરિવર્તન કરી બેઠકો કબજો લેવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાને ઊતરી ગયા છે. કોંગ્રેસના ગઢ ધોરાજીની બેઠક કબજે કરવા ભાજપના સ્ટારના સ્ટાર પ્રચારક મોદીએ જંગી સભા સંબોધી હતી. પરંતુ સભા પહેલાં સ્ટેજ પર મોદીએ જયેશ રાદડિયાની પીઠ થપથપાવી હતી અને બાદમાં બન્ને વચ્ચે વાતચીત થઈ અને ખડખડાટ હસ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ નરેન્દ્ર મોદીએ જયેશ રાદડિયાને પૂછ્યું કે, શું પરિસ્થિતિ છે તો જયેશ રાદડિયાએ જવાબ આપતા કહ્યું કે, બહુ સારી છે. ત્યારે મોદીએ જયેશ રાદડિયાની પીઠ થપથપાવી હતી. ઉલ્લેખનીય છે કે, ધોરાજી બેઠક પર છેલ્લી ઘડીએ ભાજપે કડવા પાટીદારને ટિકિટ આપી હતી. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલીવાર ધોરાજીમાં સભા સંબોધી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકોટના જામકંડોરણામાં કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જામકંડોરણા તાલુકા કોગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અને પોતાના સમર્થકો સાથે જયેશ રાદડિયાના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા.

કોગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા ભાજપમાં જોડાયા
કોગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા ભાજપમાં જોડાયા
મોદીની સભા સાંભળવા લોકો ઊમટ્યા.
મોદીની સભા સાંભળવા લોકો ઊમટ્યા.

12.45 વાગ્યે નરેન્દ્ર મોદી ધોરાજી આવી પહોંચશે
આજે સોમનાથ અને અમરેલી બાદ 12.45 વાગ્યે પ્રધાનમંત્રી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવી પહોંચ્યા હતા અને ધોરાજી ખાતે તેઓએ જંગી સભાને સંબોધી હતી. છેલ્લી ઘડી સુધી ધોરાજી બેઠક પરના ભાજપના ઉમેદવાર કોણ તે ભાજપ નક્કી કરી શક્યું નહોતું અને અંતે ભાજપે ડો. મહેન્દ્ર પાડલિયાનું નામ જાહેર કર્યું હતું અને અંતે આ બેઠક લેઉવા પટેલ વર્સીસ મહેન્દ્ર પાડલિયા એટલે કે લેઉવા વર્સીસ કડવા પાટીદાર વચ્ચે જંગ જામવાનો છે.

સભા સાંભળવા મોટી સંખ્યામાં મહિલાઓ ઊમટી.
સભા સાંભળવા મોટી સંખ્યામાં મહિલાઓ ઊમટી.

ધોરાજી બેઠક પર કોંગ્રેસનો દબદબો
ધોરાજી વિધાનસભા બેઠક પર સૌપ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ત્યારબાદ વર્ષ 1990થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ 2009 અને 2012ની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી. જો કે 2013માં પેટાચૂંટણી થતા આ બેઠક ફરી ભાજપના પ્રવીણ માકડિયાએ કબજે કરી હતી અને 2017માં ફરી પાટીદાર અનામત આંદોલનની અસર થતાં આ બેઠક પર કોંગ્રેસના લલિત વસોયાએ જીત મેળવી હતી અને ફરી આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર જાહેર કરતા ભાજપના ડો. મહેન્દ્ર પાડલિયા, કોંગ્રેસના લલિત વસોયા અને આપના વિપુલ સખીયા વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જામશે.

ધોરાજીમાં નરેન્દ્ર મોદીએ જયેશ રાદડિયા સાથે વાતચીત કરી.
ધોરાજીમાં નરેન્દ્ર મોદીએ જયેશ રાદડિયા સાથે વાતચીત કરી.

ધોરાજીમાં 2,50,287 મતદારો
રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠકમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,50,287 છે. જેમાં 1,31,106 પુરુષ મતદારો અને 1,19,181 મહિલા મતદારો છે. જ્યારે જાતિવાદી સમીકરણની વાત કરીએ તો અહીં લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, આહીર, ક્ષત્રિય, માલધારી, બ્રાહ્મણ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં લેઉવા પટેલ 25%, દલિત 5%, લધુમતી 18%, કડવા પટેલ 23%, આહીર 8%, ક્ષત્રિય 5% અને અન્ય 16% મતદારો છે. એટલે કે આ બેઠક પર પાટીદારોનો મુખ્ય પ્રભાવ છે તેમ કહી શકાય છે.

ચૂંટણીને લઈ મોદીની રાજકોટ જિલ્લામાં ત્રીજી મુલાકાત
વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ત્રીજી મુલાકાત છે. જેમાં 11 ઓક્ટોબરના રોજ પ્રથમ સભા જામકંડોરણા ત્યારબાદ 19 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર અને આજે ત્રીજી મુલાકાત રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે લેશે. ઉલ્લેખનીય છે કે હજુ પણ આગામી સમયમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં રાજકોટ શહેરમાં એક સભાનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

કોંગ્રેસે લલિત વસોયાને રિપીટ કર્યા છે.
કોંગ્રેસે લલિત વસોયાને રિપીટ કર્યા છે.

કોણ છે ડો. મહેન્દ્ર પાડલિયા?
ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરાજી બેઠક પર ડો.મહેન્દ્ર પાડલિયાના નામની જાહેરાત કરી છે. તેમની કારકિર્દીની વાત કરીએ તો ડો.મહેન્દ્ર પાડલિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ ગ્રેડ અપાવ્યો છે. ડો.મહેન્દ્ર પાડલિયા, જેમણે બી.એસસી., એલએલ એમ., પીએચ.ડી સુધીનો અભ્યાસ કર્યો છે, જેઓ 1997થી 2000 રાજકોટ મહાનગરના ઉપપ્રમુખ, 2000થી 2005 રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, 2005થી 2010 જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, 2009થી 2011 માનવઅધિકાર સેલના પ્રદેશ કન્વીનર તરીકે તેમજ પોરબંદર જિલ્લાના પ્રભારી, 1981થી 2011 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા વિદ્યાશાખાના અધ્યાપક, 2011થી 2014 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, 2016થી 2019 ગોવિંદગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ તરીકેની સફળ કામગીરી કરી હતી.

આમ આદમી પાર્ટીએ લેઉવા પાટીદાર વિજય સખિયાને ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ લેઉવા પાટીદાર વિજય સખિયાને ટિકિટ આપવામાં આવી છે.

ત્રિ-પાંખિયા જંગમાં કોની જીત થશે?
ઉલ્લેખનીય છે કે ધોરાજી AAPમાં જૂથવાદ વકરી રહ્યો છે, કારણ કે ગત ઓકટોબર માસમાં જ્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સમયે ધોરાજીમાં બેનર યુદ્ધ શરૂ થયું હતું. એમાં ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર વિપુલ સખિયા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યાં હતાં. એમાં 'કેજરીવાલ સાહેબ જિંદાબાદ, ઉમેદવાર વિપુલ સખિયા મુર્દાબાદ', 'પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોનો એક જ સૂર- આયાતી ઉમેદવારને કરો દૂર', 'આમ આદમી પાર્ટી કો બચાવો, પાર્ટી કે દલાલો કો ભગાવો', સહિતનાં લખાણ સાથેનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. ત્યારે જોવાનું રહેશે કે આ ત્રિ-પાંખિયા જંગમાં કોની જીત થશે.

અન્ય સમાચારો પણ છે...