ભાસ્કર એનાલિસિસ:અલગ અલગ કંપનીના નામ લઇ મોદીએ ચોક્કસ સમાજને આકર્ષ્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય સંજોગોમાં મોદી પોતાના વક્તવ્યમાં રાજકીય આગેવાનોના નામ લેતા નથી પરંતુ આજે જનસંઘના સ્થાપક પૈકીના ચીમનભાઇ શુક્લ અને સૂર્યકાંતભાઇ આચાર્યના નામનો ઉલ્લેખ કર્યો હતો, તેમના વક્તવ્યની સહુથી આકર્ષક વાત જ્યારે તેમણે રાજકોટના ઉદ્યોગોની વાત કરીને રાજકોટની નવ કંપનીનો નામજોગ ઉલ્લેખ કર્યો હતો.

વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવીને ભાજપે તેમને ગુજરાતની ચૂંટણીથી દૂર કરી દેવાયાની ચર્ચા ચાલી રહી છે, આ સંજોગોમાં વજુભાઇ વાળાએ તેમના માટે સીટ ખાલી કરી દીધાનું કહીને આગામી ચૂંટણીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જવાબદારી વાળાને સોંપાશે તેવા સંકેતો આપ્યા હતા, મોદીએ રાજકોટના ઉદ્યોગોની વાત કરીને શહેરની અલગ અલગ નવ કંપનીના નામ લીધા હતા, અને આ કંપનીઓએ દેશ-વિદેશમાં નામના મેળવ્યાનું કહ્યું હતું

મોદીએ જે કંપનીઓના નામ લીધા તે કંપનીના સંચાલકો ચોક્કસ સમાજના હોય અને તેની અસર માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પર થઇ શકે તેવી વાતો પણ શરૂ થઇ હતી, રાજકોટ-2 માં વિજયભાઇ ધારાસભ્ય છે અને આગામી ચૂંટણી તેઓ નહીં લડે તેવું નિશ્ચિત મનાઇ રહ્યું છે તો બીજીબાજુ આ બેઠક પર કડવા પાટીદાર સમાજ મોટી સંખ્યામાં હોય કડવા પાટીદાર સમાજના આગેવાને આ બેઠક માટે અગાઉ દાવેદારી કરી હતી, ત્યારે મોદીએ પણ વિવિધ કંપનીઓના નામ લઇને તે અંગે પણ સંકેત આપ્યો હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.

મોદીએ રૂપાણી સાથે ચર્ચા કરી
વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવીને ગુજરાતના રાજકારણથી દૂર કરી દેવાયાની અને આગામી ચૂંટણીમાં તેમને કોઇ મહત્ત્વની ભૂમિકા આપવામાં નહીં આવે તેવું ભાજપમાં જ ચર્ચાઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ ફરીથી રૂપાણી સાથે ગુપચુપ ચર્ચા કરતા અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા, સભાસ્થળે મોદી પોતાની સીટ પર બેઠા હતા ત્યારે તેમણે ઇશારો કરતાં રૂપાણી તેમની નજીક ગયા હતા અને મોદીએ કોઇ મુદ્દે તેમની સાથે ચર્ચા કરી હતી, જામકંડોરણાની સભામાં પણ મોદીએ રૂપાણીને સ્ટેજ પર પોતાની પાસે બોલાવીને કોઇ વાત કરી હતી, સતત બીજી વખત રૂપાણી સાથેની ગુપ્ત ચર્ચાએ અનેક ચર્ચા શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...