રાજકોટના સમાચાર:HCG, સિનર્જી સહિત 6 હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલ,આગમાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવાની તાલીમ અપાઈ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની 6 હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.જેમાં સ્ટાર સિનર્જી.હોસ્પિટલ, HCG હોસ્પીટલ, કે.જે.પટેલ હોસ્પિટલ, આસ્થા મલ્ટી સ્પેસ્યાલીસ્ટ હોસ્પીટલ, આસ્થા હોસ્પીટલ અને સાઇનાથ હોમીયોપેથી હોસ્પિટલનો સમાવેશ થાય છે.

હિરાસર એરપોર્ટ ખાતે પ્રથમ તબક્કાની એરીયલ નેવિગેશન સુવિધાઓનું પરીક્ષણ કરાયું
રાજકોટની ભાગોળે આકાર લઈ રહેલા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આજ રોજ ફ્લાઇટ ઇન્સ્પેક્શન યુનિટના સી.એન.એસ.ના નિષ્ણાત પ્રસાદ અને તેમની ટીમે પ્રથમ તબક્કાનું એરીયલ નેવિગેશન સુવિધાઓ અંગેનું પરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હિરાસર એરપોર્ટ પર રન-વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તેમજ અન્ય કામો પણ તીવ્ર ગતિએ ચાલી રહયા છે. ત્યારે હીરાસર એરપોર્ટ પર લેન્ડિંગ અને નેવિગેશન ટેસ્ટ સાથે જમીનથી હવામાં સંતોષપ્રદ સિગ્નલ મળે છે કે કેમ તે વિશે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં ફ્લાઈટનું ઉડ્યન અને ઉતરણ માટે અનુકૂળ વાતાવરણ છે કે નહી તેમજ નેવિગેશન સીસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ? તે વિશે નિષ્ણાતોની ટીમે તપાસ કરી હતી. નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરીટી ફ્લાઈટ ઇન્સ્પેકશન યુનિટ દ્વારા આવા નિરીક્ષણો નિયમિત રીતે કરવામાં આવતા હોય છે.

હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી પુરજોશમાં
હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરી પુરજોશમાં

આઠ આરોગ્ય કેન્દ્ર પ૨ વેક્સિનનો સ્ટોક ખાલી
ચીન અને જાપાન સહીત દેશોમાં કોરોનાના નવા કેસ આવતા ભારતમાં તમામ રાજ્યમાં તકેદારી રાખવા સુચનાઓ જાહેર કરવામાં આવતા લોકો સાબદા બન્યા હતાં અને જે લોકોએ વેક્સીનનો બીજો અને ત્રીજો ડોઝ લીધો ન હતો તેઓ વેક્સિન લેવા દોડયા હતા. અંતે સ્ટોક આવતા ફરી ૨સીક૨ણ શરૂ કરવામાં આવ્યું હતું. દ૨મ્યાન ધીમે ધીમે એક વર્ગ ૨સી લેવા પહોંચતા હવે આઠ આરોગ્ય કેન્દ્ર પ૨ વેક્સિનનો સ્ટોક ખાલી થઇ ચુક્યો છે જયારે બાકીના કેન્દ્ર પ૨ 10 થી 20 ડોઝ ઉપલબ્ધ છે ત્યારે હાલ આરોગ્ય વિભાગ પાસે માત્ર 320 ડોઝ બચ્યા હોય માટે સ૨કા૨ પાસે વધુ 2000 ડોઝની માંગણી મુક્વામાં આવી છે.

આવાસનાં હપ્તા પેટે એક માસમાં રૂ.28.04 કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31,000 થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.આવાસ યોજના વિભાગ દ્વારા તા.1.01.2023 થી તા.31.01.2023 સુધીમાં રૂ.28.04 કરોડની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્યારે તા.1.04.2022 થી તા.31.01.2023 સુધીમાં રૂ.239.80 કરોડની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.

ખેડુતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે સૂચના
ગુજરાતના ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે, તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ2022-23ની રવિ સિઝનમાં તુવેર, ચણા અને રાયડો ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તુવેર પાકનો ટેકાનો ભાવ રુ. 6600 પ્રતિ ક્વિંટલ, ચણા પાકનો ટેકાનો ભાવ રુ.5335 પ્રતિ ક્વિંટલ તેમજ રાયડા પાકનો ટેકાનો ભાવ રુ.5450 ક્વિંટલ નિયત કરાયો છે.ખેડુતોએ તુવેર, ચણા અને રાયડો ટેકાના ભાવે વેચવા માટે તા.28 ફેબ્રુઆરી,2023 સુધીમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. જે માટે જરૂરી સાધનિક કાગળો જેવા કે ગામનો નમૂનો 8-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા 7/12આધાર કાર્ડની નકલ, IFSC કોડ ધરાવતા બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ ઓનલાઈન જોડવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીનો ખેડુતોએ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી એ. એલ. સોજીત્રાની યાદીમાં જણાવાયું છે.

અકસ્માત સહાય યોજના હેઠળ 64 લાખની રકમ ચૂકવાઈ
વાહનોની વધતી જતી સંખ્યા સાથે, રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ઘરના એક વ્યક્તિને અકસ્માત થાય પરંતુ તેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા ‘‘માર્ગ અકસ્માત સારવાર સહાય યોજના’’ અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં થયેલા કોઈ પણ વાહન અકસ્માતમાં ઇજા પામેલા કોઇ પણ વ્યક્તિને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે નિશ્ચિત નાણાકીય મર્યાદામાં મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ઇજાગ્રસ્ત લાભ લેવા ઇચ્છે છે તે અંગેના સંમતિપત્રકમાં ઈજાગ્રસ્ત કે ઈજાગ્રસ્તના સગા-સંબધીએ સહી કરવાની હોય છે અને પોલિસ ફરિયાદની નકલ રજુ કરવાની હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જે તે હોસ્પિટલમા દાખલ કરતી વખતે રજુઆત કરવી જરૂરી છે. નોંધનીય છે કે આ યોજના 2018થી અમલમાં છે અને રાજકોટ જિલ્લામાં વર્ષ 2022-23 દરમ્યાન રજુ કરાયેલાં 207માંથી 205 દાવાઓ અંતર્ગત 64 લાખથી વધુ રકમનું ચુકવણું કરવામા આવ્યુ છે.

નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને પગલે આ ટ્રેન રદ થશે
દક્ષિણ રેલવેના જોકાટ્ટે અને પાડીલ સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર આ બ્લોક ના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનાર કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ 10.02.2023 થી 25.02.2023 સુધી રદ.
  • ટ્રેન નંબર 19577 તિરુનાલવેલી-જામનગર એક્સપ્રેસ 13.02.2023 થી 28.02.2023 સુધી રદ.
  • ટ્રેન નંબર 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ 11.02.2023 થી 27.02.2023 સુધી રદ.
  • ટ્રેન નંબર 16338 એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 08.02.2023 થી 01.03.2023 સુધી રદ.
  • ટ્રેન નંબર 20910 પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ 09.02.2023 થી 23.02.2023 સુધી રદ.
  • ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ 12.02.2023 થી 26.02.2023 સુધી રદ.
અન્ય સમાચારો પણ છે...