કૌભાંડની શંકા:લોકલ ફંડના ઓડિટમાં રાજકોટ મનપા ફરી નાપાસ, 5 લાખથી વધુની 377 કરોડની ચૂકવણીના 1364 વાઉચર ગાયબ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મનપા - ફાઈલ તસ્વીર - Divya Bhaskar
રાજકોટ મનપા - ફાઈલ તસ્વીર
  • ચીફ એક્ઝામિનર સહિતના લોકલ ફંડના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ આવ્યા, ક્લોઝિંગ મિટિંગમાં રેકર્ડ મુદ્દે 20 મિનિટ સુધી નિંદા કરી ધરમૂળથી ફેરફાર કરવા કહ્યું
  • મહાનગરપાલિકાની પસંદગીના બે મહિનામાંથી ચૂકવણીનું ઓડિટ કર્યું તો તેમાંથી પણ 129 કરોડ રૂપિયાના વાઉચરના રેકર્ડ ન મળ્યા

રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત હિસાબી ગોટાળામાં સપડાઈ છે. લોકલ ફંડે 2017-18ના પૂરા થતા વર્ષના મનપાના હિસાબો ઓડિટ કરતા તેમાં 377 કરોડ રૂપિયાની ચૂકવણી કરેલા 5 લાખથી વધુની એક જ વાઉચરથી ચૂકણવી થઈ હોય તેવા 1364 વાઉચર લોકલ ફંડને અપાયા ન હતા. આ ઉપરાંત નિયમ મુજબ મનપાએ બે મહિના પસંદ કરવાના હોય જે મહિનામાં ચૂકવણી થઈ હોય તે તમામ બિલ અને વાઉચર રજૂ કરવાના હોય છે.

મનપાએ આ માટે ઓક્ટોબર 2017 અને માર્ચ 2018 પસંદ કર્યા હતા તેના બધા વાઉચર આપ્યા હતા પણ લોકલ ફંડ ઓડિટે ડ્રોઈંગ શીટ સાથે વાઉચરોનું મેળવણું કરતા 1640 વાઉચર ગાયબ હતા જેમાં 129 કરોડ રૂપિયા ચૂકવાયા છે. આ રીતે મનપાએ કરેલી બેફામ ચૂકવણીઓમાં હિસાબ જ નથી મળતા. વાઉચરો ઉપરાંત મનપાના કામમાં અલગ અલગ 21 વાંધા રજૂ કર્યા હતા જેમાં કરોડો રૂપિયાની રિકવરી કરવાની થાય છે.

આ તમામ વિગતોને લઈને રાજ્યના લોકલ ફંડના ચીફ એક્ઝામિનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ચારૂબેન ભટ્ટ, એમ.કે. પટેલ, સમીર ગામોત સહિતના રાજકોટ આવ્યા હતા. તેઓએ મનપાના તમામ શાખાઅધિકારીઓ, સિટી ઈજનેરો તેમજ બધા ડીએમસી અને મ્યુનિસિપલ કમિશનરની સાથે ક્લોઝિંગ મિટિંગ રાખી હતી.

આ બેઠકમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા રેકર્ડ રાખવામાં સાવ કંગાળ છે. ક્યુ કામ ક્યારે થયું તેની કોઇ વિગતો મળતી નથી. વાઉચર પણ આડેધડ રખાય છે. 20 મિનિટ સુધી રેકર્ડની પદ્ધતિ અંગે નિંદા કરી ધરમૂળથી ફેરફારો સૂચવ્યા છે. આ ઉપરાંત જે પણ પેરા લોકલ ફંડે કાઢ્યા છે તે તમામના જવાબ નિયત સમયમાં આપી દેવા કહ્યું છે.

2017-18ના વર્ષમાં લોકલ ફંડ ઓડિટે આ ગેરરીતિઓ શોધી વાંધા ઉઠાવ્યા
1. આવાસોની ફાળવણી અને બાકી લેણાની વસૂલાત
2. વોર્ડ નં.9માં નવી લાઇબ્રેરીના કામમાં
3. વોર્ડ નં. 5માં ટીપી. 8, ફાઈનલ પ્લોટ 160માં હોકર ઝોન
4. વોર્ડ નં.6માં મહિકા રોડ પર સી.સી. રોડ
5. આઈસીડીએસના હિસાબોની નિભાવણી
6. જાહેર સ્થળો પર જાહેરાત પ્રસિદ્ધ કરવાના કામ
7. શોપિંગ સેન્ટરમાં દુકાનોના ભાડાં વસૂલાતનું કામ
8. મોબાઈલ ટાવરના પોલ ઊભા કરવાના કામ
9. ઈસ્ટ ઝોનમાં પેડક રોડ પર સર્વિસ રોડ તથા સ્ટોર્મ વોટર ડ્રેનેજ
10. મોરબી રોડ પર મુખ્ય પમ્પિંગ સ્ટેશનમાં સિવિલ વર્ક
11. રૈયાધાર એસટીપીથી ઘંટેશ્વર સુધીની લાઈન નાખવાનું કામ
12. વાહનોના સ્પેર પાર્ટસની ખરીદી
13. નાકરાવાડીમાં કચરો નાખવાની તમામ કામગીરી
14. બાલક્રીડાંગણ તથા બગીચાઓમાં રમતગમતના સાધનો
15. રેલનગરમાં ફ્લાવર બેડ રોડ ડિવાઈડર બ્લોકનું કામ
16. સાઇકલ શેરિંગ પ્રોજેક્ટમાં વાઉચરોની ચૂકવણી
17. વોટરવર્કસમાં પ્રેસર લાઈનની ખરીદીમાં રેટ કોન્ટ્રાક્ટ
18. મનપા યોજિત કાર્યક્રમોમાં રેટ કોન્ટ્રાક્ટ
19. શિક્ષણ ઉપકરની વસૂલાત અને તેનો ખર્ચ
20. મિલકત વેરાના ચડત વ્યાજમાં નિયમ વિરુદ્ધ વળતર

પત્રકો નહિ બધા દસ્તાવેજો જોઈએ : એક્ઝામિનર
રાજકોટ મનપાએ ઓડિટરોને માત્ર પત્રકો જ આપીને સંતોષ માની લીધો હતો. બેઠકમાં આવાસને લગતા પેરામાં પત્રક રજૂ થતા એક્ઝામિનરે પત્રક ઉઠાવીને સ્પષ્ટ કહી દીધું હતું કે, આવા પત્રકો ન ચાલે ઓડિટ માટે જે વિગત માગી હોય તેના તમામ આધાર પુરાવા પણ આપવા પડે.

6 વર્ષમાં લોકલ ફંડ ઓડિટ : 1194 વાંધા કાઢ્યા તંત્રે એકનો પણ જવાબ નથી આપ્યો
આ એકવાર નથી કે મનપાના હિસાબી ગોટાળા બહાર આવ્યા હોય. અત્યાર સુધીમાં અનેક ગોટાળા બહાર આવ્યા છે પણ મનપા તેના જવાબો પણ આપતી નથી. લોકલ ફંડ ઓડિટે આ મામલે ગંભીર નોંધ કરી છે કે ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ 1963ની કલમ 9(1) મુજબ પ્રાથમિક વાંધાની પ્રથમ પૂર્તતા રિપોર્ટ મળ્યાના 4 મહિનામાં કરવાની હોય છે. પણ, રાજકોટ મહાનગરપાલિકામાં 2010-11થી 2016-17 સુધીના વર્ષમાં ઓડિટના બાકી 1194 ફકરાઓના જવાબ દેવાની પૂર્તતા હજુ સુધી મનપાએ કરી નથી જે ગંભીર બાબત છે.