પાણીની સમસ્યા દૂર થશે:રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક બેટી નદી પર ડેમ બનાવવા MLAની રજૂઆત સફળ, એરપોર્ટ ઓથોરિટીએ NOC આપી

રાજકોટ6 મહિનો પહેલા
રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે ડેમ બનાવવા રજૂઆત કરી હતી.
  • ​​​​​​​રાજકોટની ભાગોળે ચેકડેમ બનશે, ઊંડાઇ 13 ફૂટ, લંબાઇ 170 મીટર, 20 MCFT પાણીનો થશે સંગ્રહ, 400 હેક્ટરમાં સિંચાઇનું પાણી મળશે!
  • સરવે અને ડિઝાઇન થઇ ગયા છે, ચેકડેમનો અંદાજ કાઢ્યા બાદ મંજૂરી લઇ ટેન્ડર્સ થયા પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે

રાજકોટમાં ઉનાળાના પ્રારંભમાં જ પાણીની સમસ્યા જોવા મળે છે. આથી રાજકોટે નર્મદા નીર પણ નિર્ભર રહેવું પડે છે. ત્યારે રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ નજીક નવો ડેમ બનાવવા બે-ત્રણ વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી. જેને સફળતા મળી છે. અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર ડેમ બનાવવા ગોવિંદ પટેલે કરેલી રજૂઆતને પગલે એરપોર્ટ ઓથોરિટીએ NOC આપી દીધી છે.

સૌરાષ્ટ્રનું ભૂતળ પથરાળ હોવાથી પાણી જમીનમાં સંગ્રહ થતું નથી
આ અંગે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પાણીની અછત છે. સૌરાષ્ટ્રનું ભૂતળ પથરાળ હોવાથી ગમે તેટલો વરસાદ પડે તો પણ આપણે એને રોકી શકતા નથી. આથી બધુ પાણી દરિયામાં જતુ રહે છે. આથી જ્યાં જ્યાં નાના-નાના ડેમ બની શકતા હોય તેવી જગ્યાએ પાણીનો સંગ્રહ કરવા ડેમ બનાવવા જોઇએ. અમદાવાદ નેશનલ હાઇવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર જો નાનકડો ડેમ બને તો નદી પહોળી અને ઊંડી કરી શકાય. જેમાં મોટી માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકે છે. આ સાઈટ ધ્યાનમાં આવતા મેં સરકારમાં માગણી કરી હતી. પરંતુ અત્યારના ગાળામાં એરપોર્ટ ઓથોરિટીને આપણે અરજી કરી હતી.

એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી દીધી
ગોવિંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી નહોતી. જેના કારણે બે-ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. હવે એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી દીધી છે. આથી એરપોર્ટ ઓથોરિટીએ આપણને મંજૂરી અને NOC પણ આપી દીધી છે. NOC મળ્યા પછી હવે જે-તે વિભાગ દ્વારા સરકારમાં મંજૂરી માટે રિપોર્ટ મોકલશે. આ મંજૂરી મળ્યા બાદ ડેમ બનાવવાની કામગીરી આગળ વધશે.

‘બેટી આસપાસના ગામડાંઓ માટે ચેકડેમ આશીર્વાદ સમાન સાબિત થશે’
રાજકોટથી 23.5 કિલોમીટરના અંતરે મોટો ચેકડેમ બનતા ખાસ કરીને બેટી આસપાસના પાંચથી સાત ગામમાં પાણીનો પ્રશ્ન નહીં રહે. આ બાબતે રામપર બેટી ગામના સરપંચ વિજયભાઇ ભલગામડાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ‘થોડા વર્ષો પહેલા તંત્ર દ્વારા આ જગ્યાએ ઊંડા બોર કરી ચકાસણી કરી હતી. હાલ ચેકડેમ બનાવવાનો નિર્ણય કરીને લાંબાકોટડી, પારેવાડા, વાદીવસાહત, રામપરા બેટી સહિતના અનેક ગામડાંઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે.’

ચેકડેમની ટેક્નિકલ માહિતી

  • રાજકોટથી 23.5 કિ.મી. અંતર
  • હિરાસર એરપોર્ટથી ખૂબ જ નજીક
  • ચેકડેમની હાઇટ 4 મીટર
  • લંબાઇ અંદાજે 170 મીટર
  • જળસંગ્રહ 20 એમસીએફટી
અન્ય સમાચારો પણ છે...