માંગ:રાજકોટમાં MLA નો શિક્ષણમંત્રીને પત્ર, લખ્યું- ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપો

રાજકોટ5 મહિનો પહેલા
  • એક બે કે ત્રણ વિષયમાં નાપાસ થયા હોય તેવા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ કરી

કોરોના મહામારીએ આર્થિક, શારીરિક- માનસિક અવદશા કરવાની સાથે સાથે શિક્ષણની પણ દશા બગાડી નાંખી છે. રાજ્યમાં સવા વર્ષથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આ વખતે તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપવું પડ્યું છે. જો કે ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપતા રિપીટર વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે આજે રાજકોટમાં MLA ગોવિંદ પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે,' ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપો.

મારી વિનંતી છે કે રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો - MLA
પત્રમાં MLA ગોવિદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના સમગ્ર વિશ્વવ્યાપી હૂમલાના કારણે સમગ્ર તંત્ર અસ્તવ્યસ્ત થઇ ગયેલ અને છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણ કાર્ય પણ બંધ છે અને પરિક્ષાઓ પણ લઇ શકાય તેવી સ્થતિ રહી નથી જે પરિસ્થિતિને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે ધો.10-12ની પરિક્ષા રદ કરવાનો નિર્ણય કરેલ અને તેના અનુસંધાને રાજ્ય સરકારે પણ સમયોચીત નિર્ણય કરેલ છે જે અવકારને પાત્ર છે.મારી આપ સાહેબને વિનંતી છે કે ધો.10ના રીપીટર વિદ્યાર્થીઓ કે જેઓ એક બે કે ત્રણ વિષયમાં ફેઈલ થયા હોય તેવા વિદ્યાર્થીઓ અંગે પણ નિર્ણય કરીને તેમને પણ આ માસ પ્રમોશન તેમના આગામી પરિણામોને ધ્યાને લઈને તે પ્રમાણે માર્ક્સ આપી પાસ કરવા જોઈએ જેથી તે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય આપ આ અંગે ઘટતું કરશો તેવી અપેક્ષા છે.

MLA ગોવિંદ પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખ્યો
MLA ગોવિંદ પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખ્યો

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માંગ
ઉલ્લેખનીય છે કે હવે MLA ગોવિંદ પટેલની રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માંગને અનુસરીને આગામી દિવસોમાં સરકાર દ્વારા રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈ કયા પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે.