રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લેટરબોમ્બ ફોડીને સનસનાટી સર્જી છે. જેને પગલે આજે રાજકોટ કોંગ્રેસના આગેવાનોને પણ CP વિરુદ્ધ ધરણા કરવાની હિંમત મળી હોય તેમ આજે જિલ્લા પંચાયત ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ ધરણા કરવા પહોંચ્યા હતા. હજુ કોંગ્રેસના આગેવાનોએ 'પોલીસ કમિશનર ચોર હૈ' ના નારા શરૂ કર્યા એ જ સમયે પોલીસે 15થી વધુ આગેવાનોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. જ્યાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા.અટકાયત મામલે પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે,મંજુરી વિના ધરણા કર્યા એટલે અટકાયત કરી છે.
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લખેલો પત્ર
આજથી 2 દિવસ પહેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો પત્ર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું હતું કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.
15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશ સખિયાએ કર્યો હતો
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્સો માગ્યો હતો.
8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવી નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રમાણે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરી છે, જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના PI મારફત વસૂલ્યા છે, બાકીની 30 લાખની ઉઘરાણી જે-તે PI ફોનથી કરી રહ્યા હતા પરંતુ આ રકમ આવી નથી. ત્યાર બાદ આપના પાસે ફરિયાદ થતાં FIR દાખલ થઈ હતી, જેમાં બે આરોપીને પકડ્યા પણ ખરા, એક આરોપી ભાગતો ફરે છે અને આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે. આમ, પોલીસ કમિશનર આવા ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. આ અંગેની આપને આપેલી ફરિયાદ પછી અને FIR ફાડ્યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી તેમજ પોલીસ કમિશનરે લીધેલી 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલાં ભરો તેવી વિનંતી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.