મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવતા જ આખો દિવસ કાર્યક્રમોની ભરમાર રહી હતી. સવારે રામપર બેટીમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત, મનપા કચેરીએ પ્રથમ વખત સીએમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, કલેક્ટર કચેરીએ ફરિયાદ સહ સંકલન, આ ઉપરાંત ઉદઘાટન, લોકાર્પણ તેમજ ખાનગી કાર્યક્રમોમાં હાજરી આપી. આ બધા શિડ્યૂલ વચ્ચે તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળવાનો પણ સમય આપ્યો હતો જો કે બેમાંથી ફક્ત કોંગ્રેસને મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોને કલેક્ટર ઓફિસની બહાર જવા ન દેવાતા મામલો ગરમાયો હતો.
મુખ્યમંત્રીને મળવા માટે કોંગ્રેસ અને આપ બંનેએ સમય માંગ્યો હતો. કોંગ્રેસને 3.30 અને આમ આદમી પાર્ટીને 3.45નો સમય આપ્યો હતો. જો કે સીએમ કલેક્ટર ઓફિસે મોડા પહોંચ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો વિપક્ષી નેતાને મળ્યા હતા. અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે તેમણે સીએમને પોલીસ વ્યવસ્થા, બાંધકામ મંજૂરી, ટી.પી., પાણી અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા અને 10 મિનિટ સુધી યોગ્ય રીતે સાંભળ્યા અને પછી તપાસ કરાવશે તેવું કહ્યું હતું.
આમ આદમી પાર્ટીને મળ્યા કે નહીં તે માટે સંગઠન મંત્રી રાજભા ઝાલા તેમજ કોર્પોરેટર વશરામ સાગઠિયાને પૂછતા તેઓએ કહ્યું હતું કે, ‘અમને સમય આપવા છતાં કોંગ્રેસને મળીને સીધા બેઠકમાં ચાલ્યા ગયા હતા.’ વશરામ સાગઠિયાએ કહ્યું કે, ‘મનપાના તમામ કૌભાંડ અને ગેરરીતિઓ લઈને આવ્યા છીએ તે પોલ ખૂલે નહિ એટલે અમને ન મળ્યા અને કોંગ્રેસ સાથે તો પહેલાથી સાંઠગાંઠ છે એટલે તેમને મળી લીધું’ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું કે ‘આ સાબિત કરે છે કે ભાજપની સરકાર આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે કારણ કે, અમે લોકોના પ્રશ્નો સીધા પૂછીએ છીએ.’
મુખ્યમંત્રી મનપા કચેરીએ પહોંચ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી મેયર ચેમ્બરમાં તેમની રાહ જોતા હતા. ત્યારબાદ સમીક્ષા બેઠક નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારો સાથે બંધબારણે મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ પ્રશ્નો પૂછવાનું કહેતા સૌથી પહેલા ધારાસભ્ય ગોવિંદ પટેલે તેમના વિસ્તારમાં ઓડિટોરિયમ માટે માંગ કરી હતી.
બાદમાં ગોવિંદ પટેલે કહ્યું હતું કે, રાજકોટમાં ઘણા સરકારી ખરાબા છે જેના પર દબાણ થાય છે, કોઇ ધ્યાન આપતું નથી. જેથી મુખ્યમંત્રી ગંભીર બન્યા હતા અને બધા કોર્પોરેટરને કહ્યું હતું કે, તમે ચિતા ન કરો કોઇ લખે કે ન લખે હું બધું નોટ કરું જ છું. છેલ્લે મુખ્યમંત્રીએ સંકલનના વખાણ કરતા કહ્યું હતું કે ‘રાજકોટમાં ખૂબ સારી કામગીરી થાય છે, લોકપ્રશ્ન આવ્યા છે જે સારી વાત છે. મેયર સારી રીતે કામ કરે છે, સંગઠન અને સંકલન શહેરમાં સારું છે તેથી તમામ અભિનંદનને પાત્ર છે.
રૂપાણીની બાજુમાં બેસીને જીતુ વાઘાણી બોલ્યા
સમીક્ષા બેઠક શરૂ થઈ એટલે મુખ્યમંત્રીની બાજુમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની બાજુમાં મંત્રી જીતુ વાઘાણી બેઠા હતા. જીતુ વાઘાણીએ રૂપાણી પાસે હાથ રાખી પટેલ સામે ઈશારો કરી બોલ્યા કે ‘રાજકોટમાં આ પ્રથમ વખત બન્યુ છે કે મુખ્યમંત્રી મનપા કચેરીએ આવી પ્રશ્નો સાંભળી રહ્યા છે.’ રૂપાણી સીએમ હતા ત્યારે અવારનવાર રાજકોટ આવતા હતા અને હવે ભુપેન્દ્ર પટેલ સીએમ છે ત્યારે વાઘાણીનું રૂપાણીની હાજરીમાં આ નિવેદન ઘણુ સુચક રહ્યુ હતું.
મનપા કચેરીમાં જઈ પટેલે પોતાનુ વજન વધાર્યું
કોઇ મુખ્યમંત્રી રાજકોટ મનપાની કચેરીએ આવીને સમીક્ષા કરે તેવો આ પ્રથમ બનાવ હતો. અગાઉ નીતિન ભારદ્વાજ જેવા સ્થાનિક આગેવાનો જ મનપાના મોટાભાગના કામોની સમીક્ષા કરતા અને ટ્રબલશુટરની ભૂમિકા ભજવતા એટલે રૂપાણીની મનપા પર પકડ મજબૂત હતી તેથી જ કચેરીએ જવાનું થયું ન હતું. આથી ભૂપેન્દ્ર પટેલે નગરસેવકો અને વોર્ડના સંગઠન હોદ્દેદારોને મુખ્યમંત્રી સાથે સીધા કનેક્ટ થયાની લાગણી કરાવી અને પોતાનું વજન કાર્યકરોમાં વધાર્યું હતું.
દરેક ફિલ્ડમાં ચાંચ ડુબાડીએ તો બધાને ગમેય નહીં : CM
સોની બજારમાં આવેલા કોમન ફેસેલિટી સેન્ટરનું સીએમના હસ્તે શુક્રવારે ઉદઘાટન કરાયું હતુ. વેપારીઓને સંબોધતા સીએમે જણાવ્યું હતું કે, અત્યારે દરેક ફિલ્ડમાં ચાંચ ડુબાડીએ તો બધાને ગમેય નહીં. અત્યારે સીએમ છીએ તો કોઇ વાંધો ના લે. તેમને ચાંદીના ગુજરાતના નકશાની ભેટ અપાઈ હતી.
રામપર બેટી ખાતે ભાવવાહી દ્દશ્યો સર્જાયાં
વગડામાંથી વ્હાલપની વસાહત કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શુક્રવારે સોસાયટીનું લોકાર્પણ કરી વિચરતી જાતિના લોકોને 65 જેટલા મકાનો અને 300 જેટલા પ્લોટની સનદ ફાળવી હતી. આ તકે ભાવવાહક દ્દશ્યો સર્જાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિચરતી જાતિના લોકો કે જેની પાસે રહેવાનો કોઇ આશરો નથી તેવા જરૂરિયાતમંદ લોકોને ઘર ફાળવીને આનંદ થઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.