દિવાળીમાં મીઠાઈ ખરીદતાં પહેલાં ચેતો:કાજુકતરી, કેસરકતરીની મીઠાઈને સસ્તી બનાવવા સ્પાર્ક અને શિંગોડાંના પાઉડરની ભેળસેળ, ખાવાથી લિવર-કિડનીના ગંભીર રોગને આમંત્રણ

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • રાજકોટના નાયબ આરોગ્ય અધિકારીએ મીઠાઈમાં થતી ભેળસેળ અંગે દિવ્ય ભાસ્કરને સત્યતા જણાવી
  • હાઇજેનિક જળવાતું ન હોય એવી મીઠાઈનો ઉપયોગ ટાળવો, નહીંતર ફૂડ પોઇઝનિંગ થવાનું જોખમ

દિવાળીના તહેવારોમાં સૌથી વધુ મીઠાઈની ખરીદી કરવામાં આવે છે, ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે આ મીઠાઈમાં શુ શું ભેળસેળ અને કયા કયા રોગ થાય એ વિશે રાજકોટના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, જેમાં તેમણે ચોંકાવનારી હકીકત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કાજુકતરી, કેસરકતરી, માવાની મીઠાઈને સસ્તી બનાવવા માટે વેપારીઓ સ્પાર્ક પાઉડર અને શિંગોડાંના પાઉડરનો ઉપયોગ કરે છે તેમજ વરખમાં ચાંદીને બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરે છે. આવી મીઠાઈ આરોગવાથી એલર્જી, ચામડીના રોગો, ગેસ, લિવર પર સોજો અને કિડનીના ગંભીર રોગને આમંત્રણ મળે છે.

દિવ્ય ભાસ્કરે પૂછેલા પ્રશ્નોના ડો.પંકજ રાઠોડે આપ્યા ચોંકાવનારા જવાબો

દિવ્ય ભાસ્કરઃ દિવાળીનો તહેવાર આવે છે તો કંઇ કંઇ મીઠાઇનો વધુ ઉપયોગ થાય છે?

ડો.પંકજ રાઠોડઃ દિવાળીનો તહેવાર એવો છે કે એમાં સૌથી વધુ મીઠાઈનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ડ્રાયફ્રૂટમાંથી બનાવેલી કાજુકતરી અને કેસરકતરીનો ઉપયોગ વધુ થાય છે.

દિવ્ય ભાસ્કરઃ કાજુકતરી અને કેસરકતરીમાં શું શું ભેળસેળ થાય છે?

ડો.પંકજ રાઠોડઃ ડ્રાયફ્રૂટ્સના ભાવ હાલ ખૂબ જ વધારે છે, પરંતુ આ મીઠાઈ સસ્તી બનાવવા માટે સ્પાર્ક પાઉડર અને શિંગોડાંના પાઉડરનો ઉપયોગ થાય છે, આથી મીઠાઈની કિંમત નીચી આવે છે. બીજું ચાંદીનો વરખ લગાડવાને બદલે એલ્યુમિનિયમનો વરખ લગાડવામાં આવે છે. આ બંને વસ્તુ ખૂબ જ નુકસાનકારક છે.

દિવ્ય ભાસ્કરઃ આ મીઠાઈ ખાવાથી શું શું નુકસાન થાય?

ડો.પંકજ રાઠોડઃ સ્પાર્ક પાઉડર અને શિંગોડાનો પાવડર મીઠાઈમાં નાખવાથી ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કરઃ આ મીઠાઈ ખાવાથી કયા કયા રોગ થઇ શકે?

ડો.પંકજ રાઠોડઃ એલ્યુમિનિયમના વરખથી કિડનીના રોગ, એલર્જી રિએક્શન અને ફૂડ-પોઈઝનિંગ થઇ શકે છે.

માવાની મીઠાઈને આકર્ષક બનાવવા ભડકીલા કલર વાપરવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર).
માવાની મીઠાઈને આકર્ષક બનાવવા ભડકીલા કલર વાપરવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર).

દિવ્ય ભાસ્કરઃ માવાની મીઠાઈમાં શું શું ભેળસેળ થાય છે?

ડો.પંકજ રાઠોડઃ માવાની મીઠાઈમાં ભડકીલા કલરનો ઉપયોગ ન કરવો જોઇએ. માવાની મીઠાઇની કિંમત નીચી લઇ જવા માટે સ્પાર્ક પાઉડર અને મેઝનો ઉપયોગ થાય છે. મીઠાઇ એક એવી વસ્તુ છે કે યોગ્ય તાપમાને જાળવેલી હોવી જોઇએ. પૂરી રીતે ઢાંકેલી હોવી જોઇએ. એનું પૂરેપૂરું પાલન ન થાય તો એમાં પણ ફૂડ-પોઇઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે.

માવામાંથી બનતી મીઠાઈમાં પણ શિંગોડાંનો પાઉડર ભેળસેળ કરવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર).
માવામાંથી બનતી મીઠાઈમાં પણ શિંગોડાંનો પાઉડર ભેળસેળ કરવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર).

દિવ્ય ભાસ્કરઃ મીઠાઈમાં કલરનો ઉપયોગ થાય છે, એનાથી શરીરને શું નુકસાન થાય?

ડો.પંકજ રાઠોડઃ કલર એ એક કેમિકલ વસ્તુ છે. ખાસ કરીને મીઠાઈને આકર્ષક બનાવવામાં ઉપયોગ થાય છે, જેનાથી એલર્જી, ચામડીના રોગો, ગેસ, લિવર પર સોજો, કિડનીની પણ બીમારી થવાની પૂરેપૂરી શક્યતા છે.

કાજુકતરી અને કેસરકતરીને સસ્તી બનાવવા માટે ચાંદીને બદલે એલ્યુમિનિયનનો વરખ લગાડવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર).
કાજુકતરી અને કેસરકતરીને સસ્તી બનાવવા માટે ચાંદીને બદલે એલ્યુમિનિયનનો વરખ લગાડવામાં આવે છે (પ્રતીકાત્મક તસવીર).

દિવ્ય ભાસ્કરઃ લોકોને આરોગ્યની જાળવણી અંગે શું કહેશો?

ડો.પંકડ રાઠોડઃ લોકોએ સસ્તી મીઠાઈનો આગ્રહ ન રાખવો જોઇએ. ખાસ ભડકીલા કલરવાળી મીઠાઈ ખરીદવી જોઇએ નહીં, હાઇજેનિક જળવાતું ન હોય એવી મીઠાઈનો ઉપયોગ ટાળવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...