રિમાન્ડની તજવીજ:પત્નીના આપઘાત કેસમાં છૂટેલો વેપારી 6.77 લાખના 66.90 ગ્રામ મેફેડ્રોન સાથે પકડાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે ડ્રગ્સ રાખ્યું હોવાની બાતમી મળતા SOGએ મનહર પ્લોટમાંથી પકડી એ ડિવિઝન પોલીસ હવાલે કર્યો
  • મુંબઇથી પોતાના માટે તેમજ વેચવા લઇ આવ્યાનું રટણ, રિમાન્ડની તજવીજ

શહેરમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા કે હેરાફેરી કરતા શખ્સોને પકડવાની ઝુંબેશ વચ્ચે સ્પે.ઓપરેશન ગ્રૂપે એક શખ્સને મેફેડ્રોન સાથે ઝડપી લીધો છે. મનહર પ્લોટ-2માં પાવન-2 કોમ્પ્લેક્સમાં રહેતો યોગેશ હસમુખ બારભાયા નામનો શખ્સ માદક દ્રવ્યોનું વેચાણ કરતો હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન ગત રાત્રીના માહિતી મુજબ યોગેશ બારભાયા ત્યાંથી પસાર થતા તેની પૂછપરછ કરી ખરાઇ કરી હતી. બાદમાં પોલીસે તેની પાસે રહેલા થેલાની તલાશી લેતા અંદરથી કોથળીમાં શંકાસ્પદ દ્રવ્ય મળી આવ્યું હતું. જેથી પોલીસે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી શંકાસ્પદ દ્રવ્યની ખરાઇ કરતા તે મેફેડ્રોન (એમડી) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેનું વજન કરતા મેફેડ્રોન 66.90 ગ્રામ થયું હતું. જેની બજાર કિંમત રૂ.6.69 લાખ થાય છે.

પોલીસે યોગેશ પાસેથી મેફેડ્રોન, મોબાઇલ, રોકડા રૂ.3020 મળી કુલ રૂ.6.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ આરોપી યોગેશને મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસના હવાલે કરી ફરિયાદ નોંધાવી છે. માનવ જિંદગીને બરબાદ કરતા એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા યોગેશની પૂછપરછ કરતા તે હેન્ડિક્રાફ્ટનો વેપાર કરે છે. પત્નીને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં તેની ધરપકડ બાદ જેલહવાલે કર્યો હતો.

દરમિયાન તે ત્રણ મહિના પહેલા જેલમાંથી બહાર આવ્યા બાદ તે મુંબઇ ગયો હતો અને ત્યાંથી તે મેફેડ્રોન ડ્રગ્સ લઇ આવ્યો હોવાનું રટણ રટ્યું હતું. પોતાને પણ નશો કરવાની ટેવ હોવાનું તેમજ તે વેચાણ કરતો હોવાની પણ કેફિયત આપી છે. યોગેશ બારભાયાની કેફિયત બાદ તે રાજકોટમાં ડ્રગ્સ કોને કોને પૂરું પાડે છે, તેના પેડલર તરીકે કોણ કોણ કામ કરે છે, તે સહિતની વિગતો બહાર લાવવા એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ફ્રૂટના વેપારીને આપઘાતની ફરજ પાડનાર 4 વ્યાજખોર સામે ફરિયાદ
આજી ડેમ ચોકડી પાસે આવેલા માનસરોવર રામેશ્વર પાર્કમાં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા મનોજભાઇ વૈઠા નામના યુવાને મંગળવારે ઝેરી દવા પી લેતા ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. આજી ડેમ પોલીસે પૂછપરછ કરતા મૃતકની પત્ની કાજલે આક્ષેપ કરતા કહ્યું કે, પતિ ફ્રૂટનો વેપાર કરતા હોય ધંધાના કામ માટે રાજુ બચુ બોરીચા, બચુ બોરીચા, ભાણા આહીર અને સુર ભરવાડ નામના વ્યાજખોરો પાસેથી 12થી 15 ટકાના લેખે રૂપિયા લીધા હતા.

વ્યાજખોરોને નિયમિત વ્યાજ સાથેની રકમ ચૂકવવા છતાં તે વધુ નાણાંની માગણી કરી પતિના ધંધાના સ્થળે જઇ ઉઘરાણી કરી ધમકીઓ દેતા હતા. દરમિયાન ગત તા.28ના રોજ વ્યાજખોરોએ પતિ મનોજને ફોન કરી ધંધાના સ્થળે બોલાવ્યા હતા અને ફરી પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હતો. ઉપરોક્ત વ્યાજખોરોને સાસુ અને જેઠ સમજાવવા જતા તેમને પણ ધમકાવતા રહેતા હતા. અંતે ચારેય વ્યાજખોરોના ત્રાસથી પતિ મનોજ કંટાળી જઇ ગઇકાલે આપઘાત કરી લીધો છે. મૃતકની પત્નીના આક્ષેપને પગલે પીએસઆઇ જે.કે.ગઢવીએ ચારેય વ્યાજખોર સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...