પોલીસ ફરિયાદ:પાર્લરમાં જવાનું કહી 3 દી’ પૂર્વે નીકળેલી તરુણી લાપતા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાંથી વધુ એક તરુણી ભેદી રીતે લાપતા થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ સંતાન પૈકી સૌથી મોટી 17 વર્ષની દીકરી ધો.12ની પરીક્ષાની ઘરે બેસી તૈયારી કરે છે અને છેલ્લા 8 મહિનાથી બ્યુટીપાર્લરની તાલીમ મેળવે છે. તાલીમ લેવા તે સવારથી રાત સુધી ત્યાં જાય છે.

દરમિયાન ગત તારીખ 11ના રોજ પુત્રીની તબિયત સારી ન હોય તે પાર્લરમાં તાલીમ લેવા બપોર પછી ગઇ હતી. રાતે તેને તેડવા પત્ની ગયા હતા, પરંતુ ત્યાં પુત્રી આજે આવી જ ન હોવાનું જણાવ્યું હતું. જેથી આ બાબતે પત્નીએ પોતાને જાણ કરી હતી. અનેક સ્થળોએ, તેની સહેલીઓને ત્યાં તપાસ કરી હતી. તેની પાસે રહેતા બંને મોબાઇલ પર પણ રિંગ કરી પરંતુ બંને ફોન લાગ્યા ન હતા. ત્રણ દિવસની શોધખોળ બાદ અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

જ્યારે ચેક રિટર્નના એક કેસમાં ફાઇનાન્સર અને ઉદ્યોગપતિ મહેશ શિવાભાઇ ટીલારાએ સજા સામે કરેલી અપીલને સેશન્સ કોર્ટે નામંજૂર કરી નીચેની અદાલતના હુકમને કાયમ રાખ્યો છે. અગાઉ પાંચ કેસમાં સજા પામેલા અને હજુ અનેક ચેક રિટર્નના કેસ જેની સામે ચાલી રહ્યા છે તેવા ઉદ્યોગપતિ મહેશ ટીલારાને રૂ.1,40,44,000ના ચેક રિટર્ન કેસમાં નીચેની અદાલતે દોષિત ઠેરવી એક વર્ષની સજા તેમજ માયાણીનગરમાં રહેતા ફરિયાદી જગદીશભાઇ લીંબાસિયાને ચેક મુજબની રકમ વળતર પેટે એક મહિનામાં ચૂકવવા હુકમ કર્યો હતો. અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ છ મહિનાની સજાનો આદેશ કર્યો હતો. ફરિયાદીના પક્ષે રોકાયેલા એડવોકેટ સુરેશ ફડદુની પુરાવાઓ સાથે રજૂઆત બાદ આરોપી મહેશ ટીલારાને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...