તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નું વિશ્લેષણ:ગ્રામ્ય પ્રજાના ભ્રામક વિચારો, અમને ડોકટર કે નર્સ પર ભરોસો નથી, ઈંડા ઉતારી ચાર રસ્તે ફોડી આવીએ એટલે દરેક સમસ્યા દૂર થઇ જશે

રાજકોટ7 દિવસ પહેલા
  • 18% લોકો એવું કહે છે કે, વિદેશની રસી આવશે તે લેશું,અહીંની મફત રસી અમારે નથી લેવી
  • 1800 લોકોના સર્વે કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા

રાજકોટ શહેરમાં પૂરજોશથી વેક્સિનેશન ચાલી રહ્યું છે, પણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અંધશ્રદ્ધા અને ડરના કારણે રસીથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ટીમ ગામડામાં મોકલવામાં આવી છે. છેલ્લા 6 દિવસથી મનોવિજ્ઞાન ભવનની ટીમ ગામડામાં જઈ સર્વે કરી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. જેમાં 27 ગામડાના 1800 લોકોના સર્વે કર્યા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

અમુક ગામડામાં ડેલીએ ડુંગળી રાખેલી મનોવિજ્ઞાન ભવનની ટીમને જોવા મળી
અમુક ગામડામાં ડેલીએ ડુંગળી રાખેલી મનોવિજ્ઞાન ભવનની ટીમને જોવા મળી

પાયાવિહોણી માન્યતાઓ જોવા અને સાંભળવા મળી
1.18% લોકો એવું કહે છે કે, વિદેશની રસી આવશે તૅ લેશું. ભલે રૂપિયા થાય પણ અહીંની રસી અમારે નથી લેવી. અહીંની મફતની રશી પર અમને ભરોસો નથી.
2.અમુક ગામડામાં ડેલીએ ડુંગળી રાખેલી જોઈ હતી. એ અંગે ટીમ દ્વારા પ્રશ્ન પૂછતાં ખ્યાલ આવ્યો કે તેઓ વાયરસ ન પ્રવેશે તૅ માટે ડેલી પાસે ડુંગળી રાખે છે. ઘણા ગામડાઓમાં આ પ્રકારની પાયાવિહોણી માન્યતા પ્રવર્તે છે.
3.અમે મીઠું શેકીને શરીરે ઘસી લઈએ એટલે અમને કોઈ શરદી, કફ, ઉદરસ ન થાય, મા વહાણવટી અમારી રક્ષા કરશે. અમારે રસી મુકાવી શરીર બગાડવું નથી.
4.અમને ડોકટર કે નર્સ પર સહેજ પણ ભરોસો નથી અમે ઈંડા ઉતારી ચાર રસ્તે ફોડી આવીએ એટલે અમારી દરેક સમસ્યા દૂર થઇ જશે, અલ્લાહ અમારી રક્ષા કરશે, ખ઼ુદા ખોટું નહીં કરે અમારી સાથે.
5.ડાયાબિટીસ, બીપી, શરદીનો કોઠો કે અન્ય નાની બીમારીઓ હોય તો તેણે ક્યારેય રસી લેવાય નહીં.
6.અમે અમારા ઘર ફરતે દૂધની ધારા કરીને રક્ષણ કુદરતનું મેળવી લીધું છે અમારે રસી લેવાની જરૂર જં ઉભી નહીં થાય.
7.ગામડાના લોકોની એવી પણ માન્યતા છે કે તમાકું,ગુટખા કે અન્ય નશાની આદત વાળાને ક્યારેય કોરોના થતો નથી એવું અમે જાણીએ છીએ. છાપામાં પણ આવી ગયું છે.
8.અમે લીમડાના દાતણ કરીએ છીએ એટલે અમને કોઈ બીમારી આવે નહીં. મેથીનું શાક અને ભાજી ગામડાના લોકો ખાતા હોય, વૈશાખમાં લીમડાના કોર ખાધા હોય તેણે કોઈએ રસી લેવાની ન હોય.
9. દર અમાસે અમે અમારા દેવના કહ્યા પ્રમાણે રાઈ વેરીને રોગને અટકાવી દઈએ છીએ. રાઈ આંગણમાં અને શેરીમાં વેરી દઈએ એટલે કોઈ બીમારી આવતી નથી.​​​​

વેક્સિન અંગે અંધશ્રદ્ધા દૂર કરવા સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનની ટીમ કાર્યરત
વેક્સિન અંગે અંધશ્રદ્ધા દૂર કરવા સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનની ટીમ કાર્યરત

સર્વેના આધારે પ્રાપ્ત થયેલા તારણો
પ્રશ્ન: તમે પહેલા દોરા, ધાગા કે અન્ય બાબતોમાં માનતા ન હોવ અને કોરોના દરમિયાન એવું કરાવ્યું હોય તેવું બન્યું છે?
જવાબ: 27% એ સ્વીકાર્યું કે પહેલા નહોતા માનતા પણ કોરોનાએ એવું માનવામાં મજબુર કર્યા.

પ્રશ્ન: દોરા, ધાગા, માનતા કે ભુવાથી કોરાના મટી શકે?
જવાબ: 45% એ સ્વીકાર્યું કે હા અમે માનીએ છીએ કે તેનાથી કોરોના મટી શકે છે, 60.30% લોકોએ કહ્યું કે ઘરના સભ્યો માંદા પડ્યા ત્યારે અમે ભુવા પાસે ગયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં 81.10% લોકો કોઈ વ્યક્તિ માનસિક બીમારીથી પીડિત હોય તો તેના પર કોઈએ મેલી વિદ્યા કરી હશે તેવુ માને છે. 45.30% લોકોએ જણાવ્યું કે ડામ દેવાથી, માનતા માનવાથી કે ભુવા પાસે દાણા જોવડાવવાથી બિમારી દૂર થઇ જાય છે. ગામડાના 93.50% લોકોએ જણાવ્યું કે અમને કે અમારા પરિવારને કોરોના ન થાય તે માટે અમે માનતા રાખી છે અને પુજાવિધિઓ પણ કરાવી છે. 27.70% લોકોએ જણાવ્યુ કે કોરોનાકાળમા જન્મેલા બાળકો અપશુકનિયાળ છે.

વેક્સિનેશન ન કરાવવા પાછળ પણ 36% અંધશ્રદ્ધા જવાબદાર
ગ્રામ્ય વિસ્તારનું ભ્રમણ કરતા મુલાકાત કરતા મનોવિજ્ઞાન ભવનની ટીમને અંધશ્રદ્ધા અને સોશિયલ મીડિયા વેક્સિન ન લેવામાં મૂળભૂત કારણ દેખાયું. અંધશ્રદ્ધાનું મનોવિજ્ઞાન સમજી લેવા જેવું છે. ચોથા ધોરણમાં ચાર વાર નાપાસ થયેલા ડફોળને પણ એવું સાંભળવાનું જ વધુ ગમે છે કે, ‘તું ડફોળ નથી ખૂબ હોંશિયાર છે,પણ તારી ગ્રહદશા ખરાબ છે. આથી નસીબ તને સાથ નથી આપતું…!’ આવી વાત તેના ગળે શીરાના કોળિયાની જેમ ઉતરી જાય છે. અને તે ગુરુનો પરમ ભક્ત બની જાય છે.