ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:સૌરાષ્ટ્ર-કચ્છની 22 નગરપાલિકાએ નિયમના ખોટા અર્થઘટન કરી ટેન્ડર વગર જ 35 કરોડ રૂપિયા રસ્તા રિપેરના નામે ખર્ચી કૌભાંડ આચર્યું

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ રહ્યા 2019માં વોટ્સએપમાં આદેશ આપ્યાના પુરાવા. - Divya Bhaskar
આ રહ્યા 2019માં વોટ્સએપમાં આદેશ આપ્યાના પુરાવા.
  • ગુણવત્તાયુક્ત કામ કરવાને બદલે માત્ર ગ્રાન્ટ વાપરી કામગીરી દેખાડવાની હોડને કારણે લોકોને ખાડાઓમાંથી મુક્તિ મળતી નથી
  • રસ્તા રિપેર કરવા માટે પ્રતિ કિ.મી. 15 લાખ રૂપિયા લેખે 235 કિ.મી. ખરાબ રસ્તા માટે ગ્રાન્ટ આવી, માત્ર થીંગડા મારી વાપરી નાખી
  • રાજકોટ ઝોનના રિજિયોનલ કમિશનર અને ચીફ ઓફિસરે તાંત્રિક કે વહીવટી મંજૂરી લેવાની જરૂર નથી તેવી સૂચના વોટ્સએપ પર આપી દીધી
  • રિજિયોનલ ચીફ ઓફિસર શાસ્ત્રીએ અિધનિયમ 45(D) અને 67(3)ના ઉપયોગ કરવાનું કહી પ્રમુખની સહી કરાવી લેવા કહ્યું

રિજયોનલ મ્યુનિસિપાલિટી રાજકોટ ઝોનમાં આવતી નગરપાલિકાઓમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લાની 30 નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ પૈકી 22 નગરપાલિકામાં ચોમાસામાં રસ્તા રિપેર કરવા માટે 2019માં આવેલી 35.32 કરોડની માતબર ગ્રાન્ટ કોઇપણ પ્રકારના ટેન્ડર વગર મનફાવે તે એજન્સીઓને આપીને માત્ર એક જ મહિનામાં ખર્ચ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.

2018-19ના વર્ષમાં ચોમાસા બાદ સૌરાષ્ટ્રના શહેરોના માર્ગ ખખડધજ થઈ ગયા હતા. જે મામલે ભારે ફરિયાદો થતા 11-10-2019ના દિવસે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) હેઠળ સરકારે રાજ્યની નગરપાલિકાઓ માટે 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પ્રતિ કિ.મી. 15 લાખ રૂપિયા પેટે ફાળવી હતી જેમાં રાજકોટ ઝોનની 22 નગરપાલિકાને જર્જરિત થયેલા 235.51 કિ.મી. રોડ માટે 35.52 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હતી અને ઝડપથી કામ શરૂ કરવા માટે આદેશ આવ્યો હતો. પણ જીડીડીએમના પરિપત્રમાં ક્યાંય ટેન્ડર અને મંજૂરી માટેનો ઉલ્લેખ ન હતો.

આ મુદ્દો સામે આવતા તત્કાલીન રિજિયોનલ કમિશનર સ્તુતી ચારણ અને ઝોનના રિજિયોનલ ચીફ ઓફિસર તિલક શાસ્ત્રીને બધા ચીફ ઓફિસરે પૂછ્યું હતું. જેનો મેસેજ રિજિયોનલ ચીફ ઓફિસર તિલક શાસ્ત્રીએ વોટ્સએપમાં મૂક્યો હતો કે આ કામો માટે ટેન્ડર કરવાની જરૂર નથી. 45(ડી) હેઠળ પાલિકા પ્રમુખની સહી તેમજ 67(3) હેઠળ ચીફ ઓફિસરની સત્તાનો ઉપયોગ કરી ટેન્ડર વગર જૂની કોઇ એજન્સીને પસંદ કરી શકાય છે. આમ છતાં ચીફ ઓફિસરોમાં સમજ ન આવતા રિજિયોનલ ચીફ ઓફિસર તિલક શાસ્ત્રીએ 5 પેજનો એક ડ્રાફ્ટ બનાવ્યો જેમાં માત્ર નગરપાલિકાનું નામ તેમજ ગ્રાન્ટની જગ્યાએ જે તે નામ લખવાના હતા આ સિવાય બધી જ બાબતો સરખી રાખીને પ્રમુખની સહી કરાવવાનું કહ્યું હતું.

હકીકતે આ તમામ કામોમાં ટેન્ડરની જોગવાઈ હતી પણ તંત્રને ઉચ્ચ કક્ષાએથી ખરાબ રોડ મામલે ઝાટકણી થતા તાબડતોબ કામ કરવા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ના આડેધડ અર્થઘટન કરી નાંખ્યા હતા. જેનો લાભ ચોક્કસ અધિકારીઓએ લઈને બેફામ ભ્રષ્ટાચાર કર્યો કારણ કે, ક્યો ડામર વાપરવો, ક્યાં ગુણવત્તા ચકાસવી આ બધી બાબતો ગૌણ બની.

નગરપાલિકાના 1963ના અધિનિયમનો અભ્યાસ કરતા સામે આવી આ હકીકત
રિજિયોનલ ચીફ ઓફિસર :
45(ડી) હેઠળ પાલિકા પ્રમુખ કોઇપણ કામના ખર્ચનો હુકમ કરી શકે તેના માટે કારોબારી કે સામાન્ય સભાની મંજૂરીની જરૂર નથી.
નગરપાલિકા અધિનિયમ : પ્રમુખ તેના અભિપ્રાય પ્રમાણે લોકોના ઉપયોગ અને સલામતી માટે ઈમર્જન્સી હોય તેવા કામો ચાલુ કરવા અથવા બંધ કરવાનો લેખિત આદેશ કરી શકશે. આ માટેનો ખર્ચ નગરપાલિકાના ફંડમાંથી આપવાનો આદેશ કરશે. બાદમાં આ નિર્ણય તેણે આગામી બેઠકમા તુરંત જણાવવા પડશે.
તફાવત : અધિનિયમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રમુખ ઈમર્જન્સીના કામો માટે લેખિત આદેશ કરી શકશે. રસ્તા ચોમાસા બાદ ખરાબ થાય છે તે માટે પ્રી-મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન નિયમિત રિપેર કરવાના હોય છે. કામ ન થયા હોય તેને ઈમર્જન્સીમાં ખપાવી દેવાયા.

રિજિયોનલ ચીફ ઓફિસર : 67(3) હેઠળ ચીફ ઓફિસર ટેન્ડર વગર કામ આપી શકે
અધિનિયમ : ટેન્ડર મગાવ્યા સિવાય અથવા ટેન્ડર મગાવ્યા પછી મુખ્ય અધિકારી કોઇપણ ટેન્ડર મંજૂર રાખ્યા સિવાય કરાર કરવાને નગરપાલિકા મુખ્ય અધિકારીને અધિકૃત કરી શકશે. આ પ્રમાણે અધિકૃત કરવાના કારણો નગરપાલિકાની કાર્યવાહીમાં નોંધવા જોઈએ.
તફાવત : ચીફ ઓફિસરને કોઇપણ કામ ટેન્ડર વગર કરાવવાની સત્તા નથી. પણ, નગરપાલિકાએ તેને વાજબી કારણ સાથે અધિકૃત કર્યા હોવા ફરજિયાત છે આ માટે કાર્યવાહી નોંધ પણ થવી જોઈએ. આ કિસ્સામાં પહેલા કામ કરાવી લેવાયા છે ત્યારબાદ અધિકૃત કરાય તો તેનો અર્થ ગેરરીતિ તરફ ઈશારો કરે છે.

રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી સાથે સીધો સંવાદ પ્રશ્ન: રોડ રીસર્ફેસિંગ માટે આપેલી 150 કરોડની ગ્રાન્ટ કોઇપણ પ્રકારની મંજૂરી વગર ખર્ચાઈ તે અંગે આપને માહિતી છે? જવાબઃ ના, આપ જણાવો છો ત્યારે ખબર પડી છે. પ્રશ્ન: ઓડિટમાં ગેરરીતીઓ નીકળી છે હજુ સુધી આપની પાસે પહોંચી નથી? જવાબઃ હું પ્રવાસમાં છું, હવે આ મામલે તપાસ કરાવીશ. પ્રશ્ન: નગરપાલિકાઓને એવી સત્તા ખરી કે સામાન્ય સભા કે સરકારની મંજૂરી વગર કામ કરે? જવાબઃ ના, એવુ ન હોય તો બધા આડેધડ કામ થાય, ચેક કરાવુ છુ. પ્રશ્ન: ચીફ ઓફિસરે માત્ર વોટ્સએપ પર ટેન્ડર વગર કામ કરવાનુ કહ્યુ છે. જવાબઃ આ મામલે ફરી કહુ છું કે સોમવારે તપાસ કરાવીને હકીકત બહાર લાવીશુ.

એજન્સીને પૈસા ચૂકવાયા ને ત્યાંની તપાસથી બહાર આવ્યું કૌભાંડ
આ કામગીરી કરવા માટે ટેન્ડર, ટીએસ સહિતની કોઇ કાર્યવાહી કરાઈ ન હતી. જેથી ડીપીઆર પણ તૈયાર થયા ન હતા. આમ છતાં ભુજની એક એજન્સીને નગરપાલિકાએ પ્રોજેક્ટ કન્સલ્ટિંગની રકમ ચૂકવી હતી. કન્સલ્ટિંગ વગર તેના પૈસા ચૂકવાયા હોવાની વિગતો મળતા આ કૌભાંડનું મૂળ પકડાયું હતું અને ત્યારબાદ ભાસ્કરે તમામ નગરપાલિકાઓમાં તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

ચીફ ઓફિસરે કહ્યું પ્રમુખને 1000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂરી વગર વાપરવાની સત્તા!
ટેન્ડર વગર કામ કરવા મામલે રિજિયોનલ ચીફ ઓફિસર તિલક શાસ્ત્રીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘પાલિકા પ્રમુખને 45(ડી) હેઠળ ઈમર્જન્સીના કામોમાં કારોબારી કે સામાન્ય સભાની પરવાનગી વગર કોઇપણ કામ કરાવવાની સત્તા છે. આ માટે રકમનો બાધ નથી 200, 500, 1000 કરોડ રૂપિયાના કામોની મંજૂરી સહીથી મળી જાય તેથી તે મુજબ ખર્ચ માટે પ્રમુખનો આદેશ લેવાયો હતો.. જ્યારે ટેન્ડરની વાત છે તો 67(3) હેઠળ જે તે પાલિકાના ચીફ ઓફિસરને ટેન્ડર વગર કામ કરાવવાની સત્તા છે એટલે જે તે એજન્સી પાસે સીધું કામ આપી દેવાયું’ રિજિયોનલ ચીફ ઓફિસરે આ બે નિયમો જે બતાવ્યા છે તેના પોતાની રીતે અર્થઘટન કરાયા છે પૂરી હકીકત જણાવી નથી.

અન્ય સમાચારો પણ છે...