દાદાગીરી:રાજકોટમાં ટ્રાફિક પોલીસની હેરાનગતિ, અઠવાડિયામાં જ ગેરવર્તનના 5 કિસ્સા, ગૃહમંત્રીએ પોલીસને લોકો સાથે માનવતા દાખવવા ટકોર કરવી પડી!

રાજકોટ9 દિવસ પહેલા
રવિવારે અમદાવાદની મહિલા કાર ચાલકની પોલીસ કોન્સ્ટેબલે ઘમંડમાં આવી કાર ડિટેઇન કરી હતી.
  • રવિવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે કોન્સ્ટેબલે ઘમંડમાં આવી મહિલા કારચાલક સાથે ગેરવર્તન કર્યું
  • 16 નવેમ્બરે ગોંડલ રોડ પર ટ્રાફિક વોર્ડને બાઈકચાલકની ચાવી ઝુંટવી રસ્તા પર ફેંકી ગાળો ભાંડી

રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનના સામાન્ય નાગરિક સાથે ઘર્ષણના 5 જેટલા બનાવો સામે આવ્યા છે. જેમાં કેટલીક ઘટનામાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે તો ક્યાંક નાગરિક પર ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ ટ્રાફિક કંટ્રોલ કરતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડને ઘર્ષણ શા માટે તે સૌથી મોટો સવાલ છે અને ખુદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસને માનવતા દાખવવા ટકોર કરવામાં આવી છે. મતલબ સાફ છે કે ક્યાંક પોલીસ જનતા સાથે ગેરવર્તન કરી રહી છે.

એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસના ગરવર્તણૂકના 5 કિસ્સા બન્યા
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં ટ્રાફિક પોલીસ કે વોર્ડનની સામાન્ય નાગરિક સાથે થયેલા ઘર્ષણ પર નજર કરવામાં આવે તો સૌપ્રથમ રવિવારના રોજ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક અમદાવાદની ચાર મહિલાને અટકાવી તેની ગાડી ટોઇંગ કરાવી મહિલા સાથે પોલીસ કોન્સ્ટેબલે ઘમંડમાં આવી ઘર્ષણ કર્યું હતું. બીજા બનાવમાં રવિવારે જ ઢેબર ચોક ખાતે ટ્રાફિકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સાથે આર્મીમેનનું ઘર્ષણ, ત્રીજા બનાવમાં માધાપર ચોક નજીક ઇકો કાર ચાલક અને પોલીસ સાથે થયેલું ઘર્ષણ, ચોથા બનાવમાં રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક ટ્રાફિક પોલીસ પૈસા ઉઘરાવતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો અને પાંચમા બનાવમાં ગોંડલ રોડ પર ટ્રાફિક બ્રિગેડનું વાહનચાલક સાથે ગેરવર્તન અને ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

રવિવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પોલીસે મહિલા કારચાલક સાથે માથાકૂટ કરી કાર ડિટેઇન કરી હતી.
રવિવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પોલીસે મહિલા કારચાલક સાથે માથાકૂટ કરી કાર ડિટેઇન કરી હતી.

ગ્રીનલેન્ડ ચોકડી પાસે મહિલાએ આઈકાર્ડ માગતા કોન્સ્ટેબલે મહિલા સાથે ગેરવર્તન કર્યું
પ્રથમ બનાવની વાત કરીએ તો ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રવિવારના રોજ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ હસમુખ રાઠોડ પાસે અમદાવાદની કાર ચાલક મહિલાએ આઈકાર્ડ માગતા ઘમંડમાં આવી કોસ્ટેબલે મહિલા સાથે ગેરવર્તન કરી ઘર્ષણ કર્યું હતું અને તે જ કાર ટોઇંગ કરાવી 3 કલાક સુધી ટ્રાફિક સમસ્યા સર્જી હતી. આ વીડિયો વાઇરલ થતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્સ્ટેબલ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

એ ડિવીઝન પોલીસ પાસે ટ્રાફિક જમાદાર ઉઘરાણા કરતા આર્મીમેને ફટાડો ઝીંક્યો
બીજા બનાવમાં રાજકોટના ઢેબર ચોક ખાતે એ-ડિવીઝન પોલીસ મથક આવેલું છે. તેની નજીક જ રવિવારે સવારે ટ્રાફિક બ્રાન્ચન મહિલા જમાદાર અલ્કાબેન ટીલાવત વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરતા હોવાની શંકાના આધારે આર્મીમેન નિલેશ માઢક ધસી જઈ મહિલા જમાદારને તમાચો ઝીંકી દેતા ઉહાપોહ મચી ગયો હતો. આખરે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આર્મીમેનની ધરપકડ કરવામાં આવી હતી.

ચાલુ ઇકો કારે ટ્રાફિક પોલીસ આગળની સીટમાં બેસી ચાલકની અટકાયત કરી
ત્રીજા બનાવમાં ટ્રાફિક પોલીસ રાણાભા માધાપર ચોકડી પાસે ફરજ પર હતા. ત્યારે નો પાર્કીંગમાં ઈકો કાર પાર્ક કરતા તેને ડિટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરતાં જ કારચાલકે સૌથી પહેલાં જ બૂમાબૂમ શરૂ કરી હતી. ત્યારબાદ પોતાની કારમાં બેસી ભાગવા જતાં પોલીસ રાણાભા દરવાજા સાથે લટકી ગયા બાદ આગળની સીટ પર બેસી ગયા હતાં. આ વખતે ચાલુ ગાડીએ કારચાલકે વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જેમાં તે પોતાને કંઈ પણ થાય તો તેની જવાબદારી પોલીસની હોવાની, પોતે ઝેર પી આપઘાત કરી લેશે તેવું બોલતો હતો. જાણ થતાં ટ્રાફિક બ્રાન્ચના અધિકારીઓ ધસી આવ્યા હતાં અને ચાલકની અટકાયત કર્યા બાદ તેના વિરૂદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસના ઉઘરાણા.
ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસના ઉઘરાણા.

ગોંડલ રોડ પર ટ્રાફિક વોર્ડને બાઈકચાલકની ચાવી ઝુંટવી લઇ ગાળો ભાંડી
ચોથા બનાવમાં રાજકોટના ગોંડલ રોડ પર આવેલા રાજકમલ પેટ્રોલ પમ્પ નજીક સાંજના સમયે ટ્રાફિક વોર્ડન પરપ્રાંતીય વાહનચાલકને અટકાવી તેમની પાસેથી ચાવી ઝૂંટવી લીધી હતી. બાદમાં જાગૃત નાગરિકે વીડિયો ઉતારવાનું શરૂ કરતા તેમને ચાવીનો ઘા રસ્તા પર કરી દીધો હતો અને વાહનચાલકને ગાળો ભાંડી હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી કે ટ્રાફિક વોર્ડન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં 16 નવેમ્બરના રોજ વાઇરલ થયો હતો.

ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવાને બદલે લોકો માટે પોલીસ માથાના દુઃખાવા સમાન બની તેવી ચર્ચા,
ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવાને બદલે લોકો માટે પોલીસ માથાના દુઃખાવા સમાન બની તેવી ચર્ચા,

ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસના ખુલ્લેઆમ ઉઘરાણા
પાંચમા બનાવમાં રાજકોટ શહેરના પ્રવેશ દ્વાર સમા ગ્રીનલેન્ડ ચોક ખાતે ટ્રાફિક પોલીસ એક કાર ચાલક પાસેથી રૂપિયા લઇ ખિસ્સામાં મુકતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં પોલીસ વાહનચાલકને કોઈ પણ પ્રકારની રસીદ આપતી નથી. માટે ખુલ્લેઆમ ભષ્ટાચાર કરતા હોવાના મેસેજ સાથે વીડિયો 16 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...