વેચાણમાં 30 ટકાનો ઘટાડો:મિલ્ક હોલિડે જાહેર કરવો પડશે! રાજ્યમાં રોજ 60 લાખ લિટર દૂધ વધી પડે છે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકડાઉનને કારણે દૂધનું વેચાણ ઓછું થયું - Divya Bhaskar
લોકડાઉનને કારણે દૂધનું વેચાણ ઓછું થયું
  • આઇસક્રીમ, ચાની કીટલી અને હોટેલ, રેસ્ટોરન્ટ બંધ થતાં હવે વધારાના દૂધમાંથી અમુલ પાઉડર બનાવશે

અલ્પેશ રાણપરિયા, રાજકોટઃ કોરોના વાઇરસના પગલે લોકડાઉન જાહેર થતાં રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં દૂધના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. રાજકોટ જિલ્લામાં દૂધના વેચાણમા 30 ટકાનો ઘટાડો નોંધાયો છે જેના પગલે દૈનિક ત્રણ લાખ લિટર જેટલું દૂધ અમદાવાદ ફેડરેશનમાં મોકલવામાં આવી રહ્યું છે. આઇસક્રીમના વેચાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે બીજી તરફ હોટેલ, રેસ્ટોરન્ટ અને ચાની કીટલી પણ બંધ હોવાથી દૂધ વેચાણ ગ્રાફ્ટ સતત નીચે આવી રહ્યો છે. જેના પગલે દૂધ ખરીદી સંઘ આગામી દિવસોમાં મિલ્ક હોલિડે જાહેર કરે તેવી સંભાવના છે. માહી દૂધ કંપનીએ દૂધ ખરીદ માટે રોટેશન સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે અને 30 માર્ચે બે જિલ્લામાંથી માહી કંપની દૂધની ખરીદી નહીં કરે. દૂધ ખરીદી બંધ થતાં પશુ પાલકોની પણ મુશ્કેલી વધી શકે છે.

ત્રણ લાખ લિટર દૂધ અમદાવાદ મોકલાય છે
લોકડાઉનના સમયમાં કરિયાણું, મેડિકલ સ્ટોર અને દૂધની દુકાનો ખુલ્લી રાખવા માટે સરકારે આદેશ કર્યો છે, પરંતુ હોટેલ, રેસ્ટોરન્ટ, ચાની કીટલી સહિતના કોમર્શિયલ ગ્રાહકોનો વેપાર બંધ હોવાથી દૂધના વેચાણમાં સમગ્ર રાજ્યમાં 30થી 40 ટકા સુધીનો ઘટાડો થયો છે. સમગ્ર ગુજરાતના દૂધ ખરીદ વેચાણ સંઘમાં જ્યારે પણ દૂધની ઘટ હોય તો ફેડરેશનમાંથી મોકલવામાં આવે છે તેમ વધે ત્યારે દૂધ સંઘ ફેડરેશનમાં દૂધ મોકલી આપવામાં આવે છે. આમ સમગ્ર રાજ્યમાંથી દૈનિક 60 થી 65 લાખ લિટર દૂધ હાલ ફેડરેશનમાં આવી રહ્યું છે. આ દૂધનો નિકાલ ક્યા કરવો તે ફેડરશેન માટે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. આ જ પ્રકારે સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં સંઘ મિલ્ક હોલિડે જાહેર કરે તેવું પણ બની શકે છે. જો કે આ અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. રાજકોટ જિલ્લા દૂધ ખરીદ વેચાણ સંઘના એમ.ડી. વિનોદ વ્યાસે જણાવ્યું હતું કે, જિલ્લા દૂધ સંઘ પ્રતિ દિવસ 15થી 18 ટેન્કર મારફતે દૂધ ફેડરેશનમાં મોકલી રહ્યું છે. રોજ અંદાજે ત્રણ લાખ લિટર દૂધ અમદાવાદ ફેડરેશનમાં મોકલાઈ રહ્યું છે. 

રાજકોટ દૂધ સંઘ તેના પશુપાલકો પાસેથી ખરીદી ચાલુ જ રાખશે
રાજકોટ ડિસ્ટ્રિક્ટ દૂધ ખરીદ વેચાણ સંઘ રાજકોટ જિલ્લામાંથી પ્રતિ દિવસ 5 થી 5.50 લાખ લિટર દૂધની ખરીદી કરી રહ્યું છે. જેની સામે પ્રતિ દિવસ 2.50 લાખ લિટર આસપાસ દૂધનું વેચાણ છૂટક માર્કેટમાં કરવામાં આવે છે. કોમર્શિયલ વેચાણ ઘટી ગયું હોવાથી પ્રતિ દિવસ ત્રણ લાખ લિટર દૂધ રાજકોટ જિલ્લા સંઘ ફેડરેશનમાં મોકલે છે, પરંતુ રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલી તમામ સહકારી મંડળીઓના પશુપાલકો પાસેથી દૂધની ખરીદી બંધ કરવાનો હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. દૂધની ખરીદી ચાલુ જ છે અને રહેશે તેમ રાજકોટ દૂધ સંઘના એમ.ડી. વિનોદ વ્યાસે જણાવ્યું હતું.

માહી મિલ્કે ખરીદી બંધ કરી રોટેશન શરૂ કર્યું
સૌરાષ્ટ્ર–કચ્છમાંથી માહી મિલ્ક કંપની દૈનિક 10 લાખ લિટર દૂધની ખરીદી કરી રહ્યું છે અને તેનું સમગ્ર ગુજરાત અને દિલ્હી, મહારાષ્ટ્રમાં વેચાણ થાય છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોના વાઇરસના પગલે લોકલ વેચાણમાં ઘટાડો થયો છે અને અન્ય પ્રોડક્ટનું વેચાણ પણ થતું નથી. જેના પગલે માહી મિલ્ક કંપનીએ રોટેશન મુજબ દૂધ ખરીદી કરવાનું નક્કી કર્યું છે. જેમાં 30 માર્ચે ગીર–સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધની ખરીદી બંધ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય જિલ્લામાં પણ દૂધ ખરીદી બંધ કરવામાં આવશે તેમ માહીના ખરીદ વિભાગના જ્ઞાનેન્દ્ર દત્તાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...