શહેરની ભાગોળે વાંકાનેર રોડ પર સંઘા ડેમમાંથી શનિવારે લાશ મળી હતી તે આધેડ લાલપરી વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક હોવાનું ખુલ્યું હતું, આધેડને તરતા આવડતું હોય તેમજ તેમની રિક્ષા ગાયબ હોવાથી તેમને કોઇએ ડેમમાં ડૂબાડી દીધાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
લાલપરી મફતિયાપરામાં રહેતા રાજુભાઇ શિવાભાઇ દાદરેચા (ઉ.વ.45)ને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે, તે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શુક્રવારે સવારે રાજુભાઇ નિત્યક્રમ મુજબ રિક્ષા લઇને નીકળ્યા હતા, બપોરે જમવા નહીં જતાં તેમના પત્ની મધુબેને ફોન કરી પૃચ્છા કરતાં રાજુભાઇએ ભાડું મળ્યું હોવાથી જમવા નહીં આવે તેમ કહ્યું હતું, ત્યારબાદ થોડા સમય પછી પત્નીએ ફોન કરતા ફોન સ્વિચ ઓફ થઇ ગયો હતો. રાત સુધી રાજુભાઇ પરત નહી પહોંચતા દાદરેચા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમના ગુમ થવા અંગેની પોલીસમાં જાણ કરી હતી.
શનિવારે ડેમમાંથી લાશ મળી હતી, એ લાશ રાજુભાઇની હોવાની રવિવારે ઓળખ થઇ હતી. પોસ્ટમોર્ટમ રૂમે પહોંચેલા રાજુભાઇના ભાઇ બિપીનભાઇ સહિતના પરિવારજનોએ કહ્યું હતું કે, રાજુભાઇને તરતા આવડતું હતું તેમજ તેઓની રિક્ષા અને મોબાઇલ મળ્યા નથી, જેથી તેમને કોઇએ ડેમમાં ડૂબાડી દીધાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસે મૃતકની રિક્ષાની શોધખોળ શરૂ કરી હતી તેમજ બનાવ હત્યાનો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી હતી.
જ્યારે અન્ય એક બનાવમાં શહેરના ઢેબર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલા મનસાતીર્થ-2માં ગત રાતે બીજા માળેથી એક યુવાન નીચે પટકાયો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવારમાં યુવાને દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. તપાસ દરમિયાન મૃતક યુવાન એપાર્ટમેન્ટની નીચે ઓરડીમાં પરિવાર સાથે રહી ચોકીદાર તરીકે નોકરી કરતો સંજયભાઇ રમણીકલાલ કોરડિયા હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન ગત રાતે બીજા માળના છજા પર બીમાર કબૂતર પડ્યું હોય તેને લેવા જતા છજા પરથી સંજયભાઇનો પગ લપસતા તે બીજા માળેથી નીચે પટકાયો હતો. જેમાં તેને માથા સહિતના ભાગોએ ગંભીર ઇજા થઇ હોય બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં આજે વહેલી સવારે ચાલુ સારવારમાં સંજયભાઇએ દમ તોડ્યો હતો. સંજયભાઇનાં મોતથી બે પુત્રી, એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત ભાવનગર રોડ, ચુનારાવાડ-3માં રહેતી ધની કિશોર રાઠોડ નામની મહિલાને વિદેશી દારૂની 16 બોટલ સાથે પકડી પાડી હતી. પૂછપરછમાં ગંજીવાડાના વિઠ્ઠલ દાનાનું નામ ખૂલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.