નિર્ણય:PGVCLને 120 કરોડ ખર્ચ્યા પછી જ્ઞાન લાદ્યું, બચત માટે મીટર રિડિંગ કોન્ટ્રાક્ટ રદ કર્યો, હવે વીજકર્મચારીઓ ઘરે-ઘરે જઈ વીજબિલ આપશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ અનેક ગ્રાહકો સાથે ઓછા બિલ બનાવી વીજકંપનીને ખોટના ખાડામાં ઉતારી
  • જેટલી ખોટ થઈ છે તેટલી ખાનગી પેઢી પાસેથી વસૂલાશે?
  • પીજીવીસીએલમાં 1200 જુનિયર આસિસ્ટન્ટ મીટર રિડિંગ કરશે, મોડું બિલ આવશે તો પણ સ્લેબ નહીં બદલે

પીજીવીસીએલએ તાજેતરમાં જ એજન્સીને બદલે વીજકંપનીના પોતાના માણસો પાસે જ મીટર રિડિંગ લેવાનું શરૂ કરાવતા બે-ત્રણ દિવસમાં જ અનેક વીજગ્રાહકોના મહિનાઓથી રિડિંગ લેવાના બાકી હોવાનું સામે આવ્યું છે. વીજ બિલિંગ પીજીવીસીએલની સૌથી મહત્વની અને મુખ્ય રેવન્યૂ છે તેના માટે મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે જુનિયર આસિસ્ટન્ટ પાસે જ મીટર રિડિંગ કરાવવાનો નિર્ણય કર્યો એ સરાહનીય છે પરંતુ મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી એટલે કે 15 વર્ષથી એજન્સીઓ બિલિંગ કરી રહી છે ત્યારે વીજકંપનીના ઈજનેરો-અધિકારીઓને સુઝ્યું નહીં કે એજન્સીઓ ખરેખર પીજીવીસીએલનો લોસ કરી રહી છે.

અગાઉ GEB (ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડ) હતું ત્યારે વીજકંપનીના જ કર્મચારીઓ રિડિંગ લેતા હતા પરંતુ 2005થી એજન્સીને કામ આપ્યું. 15 વર્ષમાં એજન્સીએ હજારો વીજગ્રાહકોના મીટર રિડિંગ પેન્ડિંગ રાખી પીજીવીસીએલને કરોડોનું નુકસાન કર્યું, વીજકંપનીને કરોડોનો લોસ પણ થયો અને વર્ષે 8 કરોડ પણ કારર પાછળ ખર્ચ્યા. 15 વર્ષમાં 120 કરોડથી વધુ ખર્ચ્યા પછી મીટર રિડિંગ જુનિયર આસિસ્ટન્ટ પાસેથી લેવાનું શરૂ કર્યું.

પીજીવીસીએલ રાજકોટમાં અગાઉ સ્ટાર નામની એજન્સી કામ કરતી હતી બાદમાં છેલ્લે ટ્રાન્સેન્ડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. હાલ પીજીવીસીએલના કર્મચારીઓ મીટર રિડિંગ કરી રહ્યા છે તેમના ધ્યાને આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના રિડિંગ મહિનાઓથી પેન્ડિંગ છે અથવા મીટર જ બાળી નાખ્યા છે. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દરેક સબ ડિવિઝનમાં 5 એટલે કુલ 1200 જેટલા જુનિયર આસિસ્ટન્ટ મીટર રિડિંગ લઇ રહ્યા છે. ગ્રાહકોના રિડિંગ લેવામાં મોડું થશે તો પણ તેમણે વધુ બિલ નહીં ભરવું પડે કારણ કે પીજીવીસીએલનો સોફ્ટવેર સ્લેબ ઓટોમેટિક સેટ કરી લેશે.

100 થર્મલ પ્રિન્ટર આવ્યા, રિસિપ્ટ પરનું લખાણ સપ્તાહમાં ઉડી જવાની અનેક ફરિયાદ
એજન્સીને મીટર રિડિંગ લેવાનું બંધ કરાતાં બિલિંગ મશીન પણ એજન્સીએ લઇ લેતા પીજીવીસીએલએ નવા મશીન મગાવવા પડ્યા છે. શરૂઆતમાં 100 જેટલા થર્મલ પ્રિન્ટર મગાવ્યા છે પરંતુ આ પ્રિન્ટરમાંથી નીકળતી રિસિપ્ટનું લખાણ 6-7 દિવસમાં ઉડી જતું હોવાની પણ ફરિયાદ છે. બિલ આવ્યા બાદ ગ્રાહકને 15 દિવસમાં ભરવાની મુદ્દત અપાય છે હવે આ 15 દિવસ દરમિયાન થર્મલ પ્રિન્ટરની રિસિપ્ટમાંથી લખાણ ભુસાઇ જતું હોય બિલની રકમ કેટલી છે તે જાણવામાં ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે.

1 મીટર રીડર પ્રતિદિન ઔદ્યોગિક હોય તો 70, રહેણાકમાં 160 કનેક્શનનું રિડિંગ લે છે
અગાઉ એજન્સીના માણસો મીટર રિડિંગનું કામ કરતા હતા પરંતુ હવે પીજીવીસીએલના જ જુનિયર આસિસ્ટન્ટ રિડિંગ કરી રહ્યા છે ત્યારે એક મીટર રીડર દરરોજ ઔદ્યોગિક વિસ્તાર હોય તો 70 કનેક્શનનું રિડિંગ લે છે અને રહેણાક હોય તો દરરોજ 160 કનેક્શનમાં મીટર રિડિંગ કરી રહ્યા છે.

શહેરોમાં જ મીટર રિડિંગનો કોન્ટ્રાક્ટ હતો
મીટર રિડિંગ માટેનો કોન્ટ્રાક્ટ પીજીવીસીએલ દ્વારા માત્ર મોટા શહેરોમાં જ અપાયો હતો જ્યારે તાલુકા કક્ષાના કે ગામડામાં વીજકંપનીના જ માણસો રિડિંગ લેતા હતા. જે શહેરોમાં એજન્સી મીટર રિડિંગ લેતી હતી તેમાં મુખ્યત્વે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

જુનિયર આસિ.ને ફરજ, હાલ હાથે લખેલું બિલ આપવું પડે છે
પ્રથમ તબક્કામાં 100 જેટલા થર્મલ મશીન મગાવાયા છે પરંતુ હાલ વીજગ્રાહકોને જુનિયર આસિસ્ટન્ટ દ્વારા હાથે લખેલું બિલ આપવામાં આવી રહ્યું છે. જુનિયર આસિસ્ટન્ટના મોબાઈલમાં પણ સોફ્ટવેર નાખ્યો છે જેના થકી રિડિંગ કર્યા બાદ બિલિંગનું કેલ્ક્યુલેશન મોબાઈલમાં આવી જાય, તેમાંથી રીડર બિલમાં લખીને ગ્રાહકને આપે છે.

અન્ય સમાચારો પણ છે...